Charchapatra

ચગડોળ

ચગડોળને ચકડોળ પણ કહેવાય. પારણાં જેવી ડોળીઓમાં બેસી ઉપર નીચે ચક્રકરે ફરાય તેવો ફાળકો. માણસોને બેસાડીને ગોળ ચક્કર ફરતું યંત્ર એટલે ચગડોળ. જેમાં ઉપર નીચે ગોળાકારમાં ફેરવવામાં આવે. બાળકો એક દેશી રમત રમે તેને પણ ચકડોળ કહેવામાં આવે છે. માનસિક ક્ષતિવાળો વ્યક્તિ ચકડોળે ચઢે એમ કહેવાય પણ મૂંઝવણ, ગૂંચવણ અનુભવીએ ત્યારે મગજ ખસી શકે છે. ડાહ્યો માણસ ગાંડો બની શકે છે. વધું પડતો નશો-કેફ કરનારને બધું ફરતું હોય એમ દેખાય. ક્યારેક ફેર, ઘૂમરી, તમ્મર અને ચકરી પણ આવી જાય. ઓછાં જ્ઞાન ધરાવનારને  ચકડોળ કહેવામાં આવે છે. બેફામ અને અસ્થિર મનનું હોય તે પણ ચકડોળે ચઢી જાય એમ બને.

ચગડોળે બેઠાં પછી ચક્કર આવે, ઉલ્ટી પણ આવી શકે છે. આજકાલ જાહેરમાં, નોકરી-ઓફિસમાં, મેળાવડાઓ, લગ્ન-મરણ અને અન્ય પ્રસંગોમાં કહેવાતા હોશિયાર લોકોને નકામી ચર્ચા-દલીલ, આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવાની કુટેવ પડી ગયેલી નજરે પડે છે. સૌ કોઈ અહમ અને મમતને કારણે ચર્ચાના ચગડોળે ચડી જઈએ છીએ. સામેની અથવા હાજર વ્યક્તિઓનો જરાપણ વિચાર કરતા નથી. મોટીમોટી વાતો થાય પણ નકામી ચર્ચાનો કશો અર્થ નથી. ચર્ચાઓ પૂર્ણ થયે ખબર પડે કે પરિણામ શૂન્ય! માત્રને માત્ર સમયનો બગાડ. મુદ્દાઓ જે એજન્ડામાં હતા એ એમના એમ જ રહી જાય. ગાડી ઉંધે પાટે ચઢી જાય. કારણ વગરની ચર્ચાઓ બંધ કરીને બીજાને ચગડોળે ચઢાવવાનું બંધ કરીને સમયને ન્યાય આપવો જોઈએ. પરિણામ એ આવશે કે આપણે અને અન્ય પક્ષના સૌ કોઈ ચગડોળના નકામા ચક્કરમાંથી બચી શકીશું.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

રાહુલ ગાંધીનું મેકઓવર
છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રાહુલ ગાંધીને એક શીર્ષ નેતા માનવામાં આવે છે પરંતુ રાજકીય ફાયદો લેવા અને સત્તાના સિંહાસન પર બેસવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બીજેપી અને  ગોદી મીડિયાના લોકોએ રાહુલ ગાંધીની “પપ્પુ” તરીકેની ઇમેજ ઊભી કરવા માટે કોઈ કસર છોડી નહોતી અને અંતે ભારતીય મતદારોનાં મગજમાં રાહુલ ગાંધીની પપ્પુ તરીકેની ઇમેજ ઉપસી આવી જેના લીધે કોંગ્રેસ પક્ષે 2014 અને 2019ની લોકસભા ચૂંટણી ઉપરાંત મોટાભાગના રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પણ કારમા પરાજયનો સામનો કરવો પડયો હતો અને બીજેપીને પોતાના મિશન  “કોંગ્રેસ મુક્ત ભારત”માં સફળતા સાંપડી હોય તેવું લાગ્યું. પરંતુ રાહુલ ગાંધીને જે “પપ્પુ” તરીકેની ઇમેજ છે તેના કરતાં  વાસ્તવિકતા તદ્દન વિપરીત જ છે.

જ્યારે પણ ભારત દેશમાં કોઇ સ્ત્રીને ન્યાય અપાવવાનો પ્રશ્ન હોય, સુરક્ષાનો  પ્રશ્ન હોય, નોટબંધી અને જીએસટી જેવા આર્થિક પ્રશ્નો હોય, કોરોના કાળ સંબંધિત પ્રશ્ર્નો હોય નિર્ભયપણે ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ આવી ભાજપ સરકાર સમક્ષ આકરા પ્રહારો કરતા આપણે સૌએ રાહુલ ગાંધી  છાશવારે જોયાં છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ “ભારત જોડો યાત્રા” અંતર્ગત કન્યાકુમારીથી કાશ્મીર સુધીની લગભગ ચાર હજાર કિલોમીટરની પદયાત્રા 150 દિવસમાં સફળતાપૂર્વક પાર પાડી. આ પદયાત્રાની શરૂઆતના દિવસોમાં રાહુલ ગાંધીના વિરોધીઓએ તેમની બ્રાન્ડેડ  ટી શર્ટ ,તેમના વિશ્રામ સ્થાન પર રાખેલા હાઇટેક કન્ટેનર, હિન્દુ વિરોધી પાદરી  સાથેની મુલાકાત જેવા મુદ્દાઓ પ્રજા સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ રાહુલ ગાંધી ની પદયાત્રા સફળતાપૂર્વક જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં આકર્ષણ વધતું ગયું. અને બીજેપી દ્વારા પ્રજા સમક્ષ મૂકવામાં આવેલા ભ્રમિત મુદ્દાઓ વ્યર્થ બની ગયા. રાહુલ ગાંધીને “પપ્પુ” તરીકેની ઇમેજ પ્રજા સમક્ષ ભુસાઇ ગઇ અને “પ્રભાવશાળી” નેતા તરીકેની ઇમેજ બની ગઈ જેનાથી  ખરેખર રાહુલ ગાંધીનું મેકઓવર થયું હોય એવું લાગી રહ્યું છે. આગળ તો સમય જ બતાવશે કે રાહુલ ગાંધીની ઐતિહાસિક પદયાત્રાથી કોંગ્રેસની ડૂબેલી હોડી કિનારે લાગશે કે નહીં !
સુરત     – અઝહર એ. મુલતાની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ રીતે પણ સન્માન સ્વીકારી શકાય….!
એક સમારોહમાં સન્માનનીય મેયર શ્રીમતી હેમાલીબહેન બોધાવાળા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તેમની ઓફિસમાં અનાજની એક ગુણ સન્માનરૂપે પહોંચાડવામાં આવી હતી. સ્ટેજ સુધી અનાજની ગુણ લાવવી શકય ન હોય, મેયરશ્રીનું સન્માન બુકે કે બુક વડે નહિ પરંતુ શાબ્દિક સન્માન કરવામાં આવ્યું હતું. આજ દિન સુધીમાં ૪૫૦ કિલો અનાજ ગરીબો સુધી પહોંચાડયું હતું એમ વકતવ્ય દ્વારા તેમણે જણાવ્યું હતું. સમાજમાં અલગ પ્રણાલી પ્રસ્થાપિત કરવા માટે મેયરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. આયોજક અને અતિથિ સાથેના વ્યવહારમાં કોઇ ગરીબ પરિવારનું પેટ ભરાતું હોય તો ‘આ રીતે પણ સન્માન સ્વીકારી શકાય….’ કાશ… મંચ ઉપર બિરાજમાન અનેક મહાનુભાવો સન્માન લેવાની આ પ્રણાલી સ્વીકારે તો…! રોજી-રોટી માટે સ્પીકર બનતા મહેમાનો અપવાદરૂપે હોય શકે!
સુરત     – જયોતિ ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top