નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ટી.પી સ્કીમ નં 11 ની રચના કરી, તેની મંજુરી માટે સરકારમાં મોકલવામાં આવનાર છે. જે અગાઉ પાલિકાતંત્ર દ્વારા શહેરના ઈપ્કોવાલા હોલ ખાતે આ સ્કીમમાં આવતાં જમીન માલિકો સમક્ષ નકશા રજુ કરી, જાણકારી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નડિયાદ શહેરમાં 15 વર્ષ બાદ ટી.પી સ્કીમ નં 11 ની રચના કરવામાં આવી છે. જેમાં કુલ 439 પ્લોટો રચવામાં આવ્યાં છે. જે પૈકી 3,15,596 ચો.મીટર ક્ષેત્રફળ ધરાવતાં 92 પ્લોટ નગરપાલિકાને સામાજીક માળખાગત સુવિધા, સામાજીક અને આર્થિક રીતે નબળાં વર્ગ માટે રહેઠાણ તેમજ બાગ-બગીચાની સુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. ત્યારે આ સ્કીમ અંગેની જાણકારી માટે શહેરના ઈપ્કોવાલા હોલ ખાતે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટી.પી સ્કીમના નકશા ખુલ્લા મુકવામાં આવ્યાં છે. સાથે સાથે વિશાળ પડદા ઉપર તમામ નકશાઓ જે તે મિલ્કત ધારકોને બતાવી, તેમના પોતાના પ્લોટના નકશા અંગેની સરળ સમજુતી આપવામાં આવી રહી છે.
ટીપી 11માં બિલ્ડર અને રાજકીય આગેવાનોના રોકાણ હોવાની ચર્ચા
નડિયાદ નગરપાલિકા હસ્તકના નડિયાદ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા છેલ્લે નગર રચના નંબર 3 મંજુર કરવામાં આવી હતી. જે બાદ ટી.પી 4, 7, 8 છોડી સીધા 11 નંબર માટે જહેમત કરતાં શહેરભરમાં અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં ટી.પી નં 11 માં આવતાં જમીનના નંબરો મોટાભાગે બિલ્ડરોના હોવાથી અહીં બિલ્ડરો અને રાજકીય આગેવાનોની સાંઠગાંઠથી આ ટી.પી મંજુર કરવા રસ લેવાયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાનનું ભાષણ બતાવતાં લોકોએ રાહ જોવી પડી
ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અખબારી જાહેરાતમાં કાર્યક્રમનો સમય બપોરે ત્રણ વાગ્યાનો દર્શાવવામાં આવ્યો હતો. પરંતુ, કાર્યક્રમના સમયે ઈપ્કોવાલા હોલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભાષણનું જીવંત પ્રસારણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેને પગલે ટી.પી સ્કીમના કાર્યક્રમ માટે આવેલાં લોકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. ત્રણ વાગ્યાનો કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યા બાદ શરૂ થયો હતો.
ટી.પી સ્કીમ મામલે 30 દિવસ સુધી વાંધા અરજી કરી શકાશે
ટી.પી સ્કીમ નં 11 માં જે કોઈ જમીન માલિકોને તેમની જમીન અંગે વાંધા કે સુચન હોય તેવા જમીન માલિકો દિન 30 માં પોતાના વાંધા પુરાવા સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર કે નડિયાદ વિસ્તાર વિકાસ સત્તામંડળ સમક્ષ લેખિતમાં રજુઆત કરી શકશે. રજુઆતો મળ્યાંના 30 દિવસ બાદ સરકારી નિયમોનુસાર મિટીંગ બોલાવી ચર્ચા વિચારણા કર્યાં બાદ યોગ્ય નિર્ણય લઈ, આગળની કાર્યવાહી કરવામાં આવશે.