Charchapatra

જંત્રીના વધારાથી બાંધકામ ઉદ્યાેગ મંદીમાં સપડાશે

આણંદ : રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં સો ટકાનો વધારો કરવામાં આવતાં ભારે ઉહાપોહ થયો છે. આ અંગે આણંદ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રાતોરાત નોટબંધીની જેમ 100 ટકા જંત્રી વધારો કર્યો તે બિલકુલ ઉચીત ન હોવાનું જણાવ્યું હતું. જેના બદલે હાલ 25 ટકા જ વધારો કરવા માગણી કરી હતી.
આણંદ બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશને રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 12 વર્ષે જંત્રી વધારા બાબતે જે નિર્ણય લીધો છે, તે આવકાર્ય છે.

પરંતુ તેનાથી બિલ્ડર લોબીમાં તુર્કીના ધરતીકંપ જેવી હલચલ મચી ગઈ છે. રાતોરાત નોટબંધીની જેમ સો ટકા જંત્રી વધારો કર્યો તે બિલકુલ ઉચીત નથી. 12 વર્ષે બાવો બોલ્યો જા બેટા તારો સત્યાનાશ થશે. તેવો ઘાટ અમારો થયો છે. આમાં સૌથી વધુ નાના નાના બિલ્ડરને ખૂબ જ અન્યાય થાય તેમ છે. આવો મોટો શોક પચાવી શકાય તેમ નથી. આથી, હાલમાં 25 ટકા જંત્રી વધારો કરવો જોઈએ અને ધીમે ધીમે બધાને આદત પાડવી જોઈએ. બિલ્ડરને થોડો સમય આપો, હાલ 1લી મે, 2023 સુધી જુની જંત્રી ચાલુ રાખો.

બાદમાં 25 ટકા જંત્રી વધારો લાગુ કરો અને દર બે – બે વર્ષે 25 -25 ટકા વધતા જાય તો બધા શોક પચાવી શકે તેમ છે. આવી રીતે જંત્રી વધવાથી બાંધકામ વ્યવસાયમાં ભયંકર મંદી આવશે અને તેની અસર સરકારની જીડીપી ઉપર પણ પડશે. નાના મોટા ઉદ્યોગો જેવા કે સીરામીક ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે સેક્ટરમાં પણ ભયંકર મંદી આવશે અને કંઇક લોકોના રોજગાર છીનવાશે. સૌથી વધુ રોજગાર આપતો વ્યવસાય હોય તો તે બાંધકામ છે અને તેની ઉપર જ બ્રેક લાગશે.

આ ઉપરાંત જંત્રીમાં વધારો થાય તો જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી, કેપીટલ ગેઇન ટેક્સ વિગેરેમાં ધરખમ ભાવ વધારો સામાન્ય પ્રજા ઉપર પડશે. ઘણી જગ્યાએ તો હાલમાં સરકાર દ્વારા મકાનોની જંત્રીમાં કરવામાં આવેલો સો ટકા વધારો થતાં માર્કેટ વેલ્યુ કરતાં પણ વધારે જંત્રી થઇ જાય છે. આવી ઘણી બધી વિસંગતતાઓ રહેલી છે. આ આવેદનપત્ર આપતા સમયે પ્રમુખ ધીરૂભાઈ પટેલ, ભાવેશભાઇ સુતરિયા, પ્રવિણભાઈ પટેલ, જયેશભાઈ પટેલ (જેડી), એચ.આર. પટેલ, બળવંતભાઈ દવે, પુરણસિંગ વિગેરે હાજર રહ્યાં હતાં.

Most Popular

To Top