Entertainment

યામીને સારા કામની તમા છે

યામી ગૌતમે લગ્ન કર્યાને બે વર્ષ થઇ ગયા અને આ વર્ષની તેની પહેલી ફિલ્મ રજૂ થઇ રહી છે. ફિલ્મનું નામ છે ‘લોસ્ટ’, પણ ફિલ્મ જોઇ કહેશો કે યામી ‘ફાઉન્ડ’. આખી ફિલ્મના કેન્દ્રમાં તે છે. ‘લોસ્ટ’ એક ઇમોશનલ થ્રીલર છે જે ‘પિન્ક’ના દિગ્દર્શક અનિરુધ્ધ રોય ચૌધરીએ બનાવી છે. એ ગંભીર મુદ્દાવાળી વાતને અત્યંત રસપ્રદ રીતે કહે છે અને બને ત્યાં સુધી તેની ફિલ્મો મહિલાને કેન્દ્રમાં રાખે છે. ‘પિન્ક’માં તાપસી પન્નુ હતી અને સાથે અમિતાભ હતો. ‘લોસ્ટ’માં યામી સાથે પંકજ કપૂર છે અને વિનોદ ખન્નાનો દિકરો રાહુલ ખન્ના ઘણો વખત પછી દેખાશે.

યામી ગૌતમ ‘વિકી ડોનર’, ‘કાબિલ’ ‘યુરી: ધ સર્જકિલ સ્ટ્રાઇક’ અને ‘એ થર્સ ડે’થી જાણીતી છે. તે બ્યુટી ઉપરાંત અભિનય શકિતનું કોમ્બિનેશન ધરાવે છે. ગયા વર્ષે ‘દશવી’ આવી હતી તે પણ તેનો પૂરાવો છે. આ વર્ષે તે ‘ઓએમજી-2’, ‘ધૂમધામદ, ‘અભિ જા-રોનક’ અને ‘ચોર નીકલ કે ભાગા’ આવશે. આપણે હાશ કરવી જોઇએ કે આદિત્ય ઘર સાથેના લગ્ન પછી પણ તે નિયમિત ફિલ્મો કરી રહી છે.

યામી મનોરંજક ફિલ્મોમાં પણ પોતાના આગ્રહો જાળવીને કામ કરે છે. તેણે શરૂઆત ટી.વી. પરથી કરેલી પણ વિદ્યા બાલનની જેમ ફિલ્મોમાં ખાસ જગ્યા ઊભી કરી લીધી છે. હિન્દી ફિલ્મોમાં આવવા પહેલાં તે કન્નડ, પંજાબી, તેલુગુ ફિલ્મોમાં આવી હતી અને આજે પણ આ બધાની ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. તે ટોપ સ્ટાર સાથે ડાન્સ કરવા, રોમાન્સ કરવાથી આગળ રહી છે. તેની હિન્દી ફિલ્મોના નામ જાણો તો ય સમજાશે કે તે વિચારપૂર્ણ રીતે ફિલ્મો પસંદ કરે છે. ‘બદલાપૂર’, ‘કાબિલ’, ‘સરકાર-3’ ‘બત્તી ગુલ મિટર ચાલુ’, ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘બાલા’, ‘ભૂત પોલીસ’, ‘એ થર્સ ડે’, ‘દશવી’.

‘લોસ્ટ’માં તે શીખા શર્માનું પાત્ર ભજવે છે. એક સાચી ઘટના આધારીત આ ફિલ્મ છે. યામી આ ફિલ્મમાં યુવા મહિલા ક્રાઇમ રિપોર્ટર બની છે અને અચાનક એક નાટક ચળવળકાર ગુમ થઇ જાય છે. ‘પીન્ક’ના દિગ્દર્શક છે એટલે આ ઘટના આસપાસની અનેક સંવેદનાને પ્રગટ કરશે. આ ફિલ્મની વાર્તા કોલકાતાથી જ શરૂ થાય છે. અટલાન્ટા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાય ચુકેલી ‘લોસ્ટ’ તેના પ્રેક્ષકો મેળવી લેશે. યામી તેના કામથી ખુશ છે. સામાન્યપણે બંગાળીમાં ફિલ્મ બનાવતા અનિરુધ્ધ રોય ચૌધરીની આ બીજી જ હિન્દી ફિલ્મ છે.

યામી ગૌતમ કહે છે કે હવે ઓછા બજેટની ફિલ્મો પણ સફળ રહે છે. ‘વિકીડોનર’ અને ‘તલવાર’ લોબજેટ ફિલ્મો જ હતી. ફકત સારી રીતે ફિલ્મો બને તો પ્રેક્ષકો જોવા તૈયાર જ છે. યામી પોતાને કોઇ એક ટ્રેક પર અટકાવી દેવા માંગતી નથી. તે કહે છે કે છોકરી બ્યુટીફુલ હોય એટલે તેણે રોમેન્ટિક ફિલ્મોમાં કામ કરવું પડે એવી કોઇ શરત નથી. તે કહે છે કે મારા પિતા પણ પંજાબી ફિલ્મોના દિગ્દર્શક છે એટલે ફિલ્મ જગતને જાણું છું. ટી.વી. સિરીયલોમાં તેણે ‘ચાંદ કે પાર ચલો’માં સનાનું પાત્ર ભજવેલું ત્યારે પણ પાત્રજ મહત્વનું હતું. યામી ગૌતમ માને છે કે ‘લોસ્ટ’માં તેની નવી ઓળખ ઊભી થશે. •

Most Popular

To Top