દાહોદ: દાહોદમાં બેદરકારી રાખનારા આંગણવાડી કાર્યકર- તેડાગરને રૂ. ૨૦૩૬૧ નું રીકવરી ચલણ તેમજ પગાર કપાત કરવા જેવા શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા છે. આંગણવાડી કાર્યકરોની આ બેદરકારી DDOની આકસ્મિક મુલાકાત સમયે સામે આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ ગત તા. ૨૦ જાન્યુઆરીના રોજ દાહોદ તાલુકાના ઘટક ૪ ના કાળી તળાઇ ૨ આંગણવાડી કેન્દ્ર બારીયા ફળિયાની આકસ્મિક મુલાકાત લેતા ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. જેમાં આંગણવાડીનું મકાન સ્માર્ટ આંગણવાડી હોવા છતાં કેન્દ્રનો ખાદ્ય સામગ્રીનો જથ્થો ઘરે મુકેલો હતો. તથા બાળકોને દૂધ સંજીવની યોજના અંતર્ગત આપવામાં આવતું દૂધ બાળકોને અપાયું નહોતું.
તથા સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ લાભાર્થી સુધી પહોંચાડવામાં આવતો ન હોવાનું જણાયું હતું. જેથી શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે DDOની સૂચના મુજબ જિલ્લા પોગ્રામ ઓફિસર દ્વારા આંગણવાડી વર્કર અને તેડાગરને તેમની ફરજ પ્રત્યે નિષ્કાળજી બદલ નોટિશ આપી તે મુજબ પોષણ સુધા યોજના અને ગરમ નાસ્તાના રૂ. ૨૦૩૬૧ની રીકવરી ચલણ મારફતે સરકારના નિયમ મુજબ કરવામાં આવી છે. તેમજ આંગણવાડી વર્કર અને તેડાગરનો પગાર કપાત કરવામાં આવ્યો છે અને હવે નિષ્કાળજી રાખવામાં આવશે તો ફરજમુક્તિના પગલા લેવા જણાવવામાં આવ્યું છે.