Madhya Gujarat

નડિયાદ પાલિકામાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી

નડિયાદ: નડિયાદ પાલિકામાં વહેલી સવારે ઓટો વિભાગમાં આગ લાગી હતી. આ ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. આગ પર કાબુ મેળવાય તે પહેલા વિભાગના વર્ષો જૂના જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે. ઓફીસની અંદર મુકાયેલી અનેક સામગ્રી પણ સળગી ગઈ છે. નડિયાદ પાલિકા સંકુલની બાજુમાં ઓટો વિભાગની ઓફિસમાં મંગળવારે સવારે 8 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. ઓટો વિભાગ અને સફાઈ વિભાગના વાહનો હંકારતા ડ્રાઈવરો સાધનો લેવા પહોંચ્યા ત્યારે આગના ધુમાડા ઓટો વિભાગની ઓફીસમાંથી નીકળતા દેખાયા હતા.

આ આગની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જો કે, આગ બંધ ઓફીસમાં અગાઉ કેટલાક કલાકોથી લાગેલ હોવાના કારણે ઓટો વિભાગની ઓફિસના તમામ ડોક્યુમેન્ટ્સ સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયા હતા. આગના કારણે ઓટો વિભાગના લગતા તમામ રેકર્ડ, હિસ્ટ્રી રજીસ્ટર, લોગસીટ, આર.સી બુક તમામ બળીને ખાખ થઇ ગયા છે.

ઓટો વિભાગના ઓટો એન્જિનિયર દીપક બારોટ સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, મને સવારે 7:30 વાગ્યાની આસપાસ મારા ડ્રાઇવર મારફતે આ ઘટના અંગેની જાણ થઈ હતી. આવીને મેં જોયું તો મારા કચેરીની રૂમની તમામ બારીઓ સળગતી હતી. અંદર જવાય એવી પરિસ્થિતિ નહોતી. બહારની સાઈડથી ચેક કરતા ઉપરની સાઈડે વાયર સળગતા મેં ઇમર્જન્સી ટુલ્સ મારફતે ગાડી અને ટેબલની મદદ લઈ આ વાયરોને કાપી દીધા હતા. અને બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરી હતી. જ્યાં ફાયર બ્રિગેડે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આ આગમાં પાલિકાના તમામ વાહનોના ડોક્યુમેન્ટ ખાસ કરીને જુના વાહનોના હિસ્ટ્રી રજીસ્ટરો, ડીઝલ રજીસ્ટરો, લોગસીટો આરસી બુકો જે અમે દર મહિને મેન્ટેન કરતા હતા તે તમામ જુના રજીસ્ટરો, સ્પેરપાર્ટ દસ્તાવેજો સહિત અગત્યના પુરાવા નષ્ટ થઈ ગયા છે. મેં જેટલા બચાવાય તેટલા બચાવવાના પ્રયાસ કર્યો છે. બહારની તિજોરીમાં નવા વિહક્લની આર સી બુકો હતી તે બચી ગઈ છે. પરંતુ અંદરની તીજોરીમાં મુકેલ જુના વાહનોના દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા છે.

શહેરના કોમ્પલેક્ષો સીલ કરતી પાલિકાના વિભાગમાં જ ફાયર સેફ્ટી નહોતી
આગના સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નોંધનીય બાબત એ છે કે, નડિયાદ નગરપાલિકાએ પખવાડિયા પહેલા ફાયર સેફ્ટી વિના ધમધમતા કોમર્સિયલ અને રહેણાંક બિલ્ડીંગો પર સપાટો બોલાવ્યો હતો અને યાદી લઈ સીલ મારવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે આજે પાલિકાની અડોઅડ આવેલા પાલિકાનો જ ઓટો વિભાગ સળગી ઉઠ્યો હતો. જ્યાં ફાયર સેફ્ટીની કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી. જેના કારણે આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ આવે ત્યાં સુધી રાહ જોવાની ફરજ પડી હતી. ત્યારે ગામ આખામાં ફાયર સેફ્ટીની બુમો પાડતુ તંત્ર પોતાના જ વિભાગમાં ફાયર સેફ્ટી લગાવવાનું ભૂલી ગયુ છે અને આગ જેવી ગંભીર બિનાનો સામનો કરવો પડ્યો છે.

શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનું અનુમાન
ફાયરમેન અશોક શર્મા જણાવ્યું હતું કે, અમને ફોન કોલ મળતા તુરંત અમે અમારા સ્ટાફ સાથે અહીંયા આવી પહોંચ્યા હતા. દરવાજો ખોલીને જોઈ તો બે રૂમમાં આગ ભળભળ સળગતી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ તો માલુમ પડ્યું નથી. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ ઓફિસમાં ઉપરથી ઈલેક્ટ્રીકની પાઇપ આવતી હતી. તેમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અનુમાન છે. આ આંખ બે રૂમમાં લાગતા મોટા ભાગના પાલિકાના વાહનના દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા છે.

તો શું કૌભાંડો બહાર આવે એમ હતા ?
નડિયાદ નગરપાલિકાના ફાયર વિભાગમાં લાગેલી આગ મુદ્દે શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ઓટો વિભાગમાં કરોડો રૂપિયાના બિલો ઉપરાંત ડીઝલના ખર્ચ, વાહનોના સ્પેર પાર્ટના ખર્ચ, ઉપરાંત સબંધિત મહત્વના દસ્તાવેજો હતા. 2022 પહેલાનો તમામ રેકોર્ડ બળી જતા કૌભાંડો પર પડદો નાખવામાં આવ્યો હોવાના તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

Most Popular

To Top