આણંદ : આણંદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા રોકવા માટે જરૂરિયાત મંદોને બેન્કનો લોન સરળતાથી મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1890 જેટલી અરજી બેન્કને મળી હતી.
આણંદ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે નાણા ધીરનારની પ્રવૃત્તિ કરનારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આવા તત્વો સામે ગુના દાખલ કરી ધરપકડ કરી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આણંદ જિલ્લા પોલીસ વડા પ્રવિણકુમારની અધ્યક્ષતામાં બુધવારના રોજ હેડ ક્વાટર્સ ખાતે રાષ્ટ્રીયકૃત બેન્ક, સરકારી બેન્કના પ્રતિનિધિઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીની હાજરીમાં જિલ્લાના નાગરિકોને એક જ જગ્યાએથી તમામ બેંક દ્વારા લોન ધિરાણ મેળવવા સહાય મળી રહે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અલગ અલગ બેંક દ્વારા બનાવવામાં આવેલા સ્ટોલ પર જિલ્લામાંથી કુલ 583 નાગરિકે મુલાકાત લીધી હતી. જેઓને બેંક દ્વાર અલગ અલગ હેતુ માટે આપવામાં આવતી લોનની સરળતાપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન આણંદ જિલ્લામાંથી આવેલા નાગરિકોએ હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન, શિક્ષણ લોન, પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભરનિધી વિગેરે મળી અલગ અલગ લોન ધિરાણ માટે તમામ બેંકમાં કુલ 1890 અરજી મળી હતી. જે મળેલી અરજીઓ આધારે બેંક દ્વારા લોન આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવી છે.
મહીસાગરમાં રેન્જ આઇજીના અધ્યક્ષ સ્થાને લોન ધીરાણ કેમ્પ યોજાયો
મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા લુણાવાડા રાજપુત સમાજની વાડી ખાતે ગોધરા રેન્જ આઇજી ચિરાગ કોરડીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાની તમામ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેંકના સૌજન્યથી પોલીસ અધિક્ષક આર પી બારોટના માર્ગદર્શનમાં લોન – ધીરાણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પોલીસ વિભાગના અધિકારીઓ, લીડ બેન્ક મેનજર, સ્વસહાય જુથ જિલ્લા મેનેજર, વિવિધ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેન્કોના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં જરૂરીયાતમંદ નાગરીકો તેમજ લઘુઉદ્યોગ, ફેરીયા, લારી-ગલ્લા તથા વેન્ડર તરીકે રોજગારી મેળવતા અને નાની દુકાન ધરાવતા તેમજ દુધાળા પશુના વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકો, સ્વસહાય જુથની મહિલાઓ, ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેન્કોના અધિકારીઓએ સરકારની લોન ધિરાણ અંગેની વિવિધ યોજનાઓ સાથે ઉપયોગી માહિતી આપી હતી અને અગાઉ આધાર પુરાવા રજૂ થયેલ મંજૂર ધિરાણનું ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન લુણાવાડા પોલીસ ઇન્સ્પેકટ્ર ધેનુ ઠાકર અને આભારદર્શન ડીવાયએસપી જે. જી ચાવડાએ કર્યું હતું.