SURAT

નકલી સોનાના દાગીના ગીરવે મુકી લોન લેવાની ચાલાકી સુરતના વેપારીને ભારે પડી

સુરત: કેટલાંક અતિચતુર લોકો ક્યારેક વધુ પડતી હોંશિયારી વાપરીને કૌભાંડ (Scam) કરતા હોય છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે પાપ ક્યારેય છૂપું રહેતું નથી અને કરેલાં કર્મોની સજા ભોગવવી જ પડે છે. આવા જ એક શાતીર ગુનેગારે (Criminal) 13 વર્ષ પહેલાં નકલી ઘરેણાં પર લોન મેળવી હતી અને પછી હપ્તા ભર્યા વિના જ ભાગી છૂટ્યો હતો. આ ગુનેગારને સુરત પોલીસે (Surat City Police) પકડીને જેલના પાંજરે પુર્યો છે.

  • 2011-12માં મુથુટ ફાઈનાન્સમાં નકલી ઘરેણાં ગીરવે મુકી લોન લઈ ભાગી છૂટેલા ચિંતન ચાંદરણાને સુરત પોલીસે 13 વર્ષે ભરૂચમાંથી પકડ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2011-12માં જે તે સમયે સુરતમાં રહેતા વેપારી ચિંતન નરેન્દ્ર ચાંદરાણા (ઉ.વ.૩૯ ધંધો-વેપાર રહેવાસી ૧૧૫ અવધુત સોસાયટી, નર્મદા કોલેજની સામે, ભરૂચ મુળવતન પ્લોટ નંબર ૨૪૧૩ શિવનગર, ભરતનગર, ભાવનગર )એ મુથુટ ફાઈનાન્સ (Muthoot Finance Fincorp) ફિનકોર્પમાંથી સોનાના દાગીના (Gold Jewelry ) મુકી લોન લીધી હતી. જોકે, બેન્ક દ્વારા તપાસ કરાતા આ દાગીના બનાવટી ખોટા (Fake Gold Jewelry) હોવાની બાબત બહાર આવી હતી. બીજી તરફ લોનના (Loan) હપ્તા ભર્યા વિના ચિંતન ચાંદરણા ફરાર થઈ ગયો હતો. તેથી મુથુટ ફાઈનાન્સ દ્વારા ઉધના પોલીસ મથક ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.

જોકે, ધરપકડથી બચવા માટે ચિંતન સુરત છોડીને ભાગી ગયો હતો. આ કેસ 13 વર્ષથી પેન્ડીંગ હતો, જે આખરે સુરત પોલીસે ઉકેલી નાંખ્યો છે. સુરત પોલીસે ચિંતન ચાંદરણાને ભરૂચમાંથી ઝડપી પાડ્યો છે. ભરૂચના પાલેજ પાસે ટ્રેપ ગોઠવી સુરત પોલીસે ચિંતન ચાંદરણાને પકડ્યો છે. મુથુટ ફાઈનાન્સ સાથે છેતરપિંડી કરનાર આખરે જેલના સળિયા ગણતો થઈ ગયો છે.

સુરત પોલીસ કમિશનરે અનડિટેક્ટેડ ગુના ઉકેલવા અભિયાન છેડ્યું
સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે વર્ષોથી અનડિટેક્ટેડ ગુના ઉકેલવા માટેની ઝૂંબેશ શરૂ કરી છે, તે હેઠળ સ્પેશ્યિલ અધિકારીઓની ટુકડી બનાવાઈ છે. આ ટુકડી દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવતા સુરત પોલીસને દાયકાઓ જુના ગુના ઉકેલવામાં સફળતા મળી છે. 28 વર્ષ અને 21 વર્ષ જૂના હત્યાના ગુના ઉકેલ્યા બાદ હવે પોલીસ છેતરપિંડીના આરોપીઓને પકડીને આર્થિક ગુના ઉકેલવામાં પણ સફળતા મેળવી રહી છે.

Most Popular

To Top