સુરત: (Surat) જહાંગીરપુરા ખાતે પટેલ દંપત્તિનું આવેલું મકાન બજાજ ફાયનાન્સે (Bajaj Finance) લોન નહી ભરતા સીલ કર્યું હતું. છતાં આ મકાન કપચીના વેપારીને 57.40 લાખમાં વેચી છેતરપિંડી (Fraud) કરનાર પટેલ દંપત્તિ સામે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અડાજણ ખાતે મહેર નગર સોસાયટીમાં રહેતા 59 વર્ષીય કિશોરભાઈ બાલુભાઈ પટેલ કપચીનો વેપાર કરે છે. તેમના દ્વારા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં શાંતીલાલ ભવાનભાઈ પટેલ અને તેમની પત્ની કલ્પનાબેન પટેલ (રહે.વાસવા ગામ હજીરા તથા રાધેપાર્ક સોસાયટી જહાંગીરાબાદ) ની સામે ફરિયાદ નોંધાવી છે. કિશોરભાઈ આ પટેલ દંપત્તિને વર્ષ 2016 થી ઓળખે છે. શાંતીલાલભાઈ કીશોરભાઈ પાસેથી બાંધકામને લગતું મટેરીયલ ખરીદતા હોવાથી ધંધાકીય સંબંધો છે. શાંતીલાલે વર્ષ 2018 માં જહાંગીરાબાદ ખાતે રે.સ.નં.192, બ્લોક નં.152 વાળી બિનખેતીની જમીન ઉપર બનેલી સુંદરવન સોસાયટીમાં તેમનો પ્લોટ નં.એ-204 વાળું મકાન વેચવાનું હોવાનું કહ્યું હતું.
તેમને રૂપિયાની જરૂર હોવાથી આ મકાન ખરીદી લેવા કીશોરભાઈને કહેતા તેમણે 71.70 લાખમાં મકાન લેવાનું નક્કી કર્યું હતું. જેના અવેજ પેટે 8 લાખનો ચેક અને 49.40 લાખ ટુકડે ટુકડે રોકડા ચુકવ્યા હતા. બાદમાં જ્યારે આ મકાનનો કબજો માંગતા શાંતીલાલ પટેલે આપ્યો નહોતો. ગલ્લા તલ્લા કરીને વર્ષ 2019 માં મકાન જોવા માટે જતા મકાનને તાળુ હતું. કીશોરભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પટેલ દંપત્તિએ આ મકાન ઉપર બજાજ ફાયનાન્સમાંથી લોન લીધી હતી. જે લોન ભરપાઈ નહીં કરતા બજાજ ફાયનાન્સ તરફથી મકાન સીલ કરાયું છે. કીશોરભાઈએ આ અંગે શાંતીલાલને ફોન કરતા તેને ત્રણ મહિનામાં રૂપિયા પરત આપી દેવા વિશ્વાસ અપાવ્યો હતો. ત્રણ મહિના પછી રૂપિયા માંગતા શાંતીલાલે મારી પાસે કોઈ રૂપિયા નથી તમારા રૂપિયા વાપરી નાખ્યા છે. તેમ કહેતા જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
ઘોડદોડ રોડ પરના વૃદ્ધને પડોશીને 25 લાખ ઉછીના આપવાનું ભારે પડ્યું
સુરત: (Surat) ઘોડદોડ રોડ પર રહેતા વૃદ્ધે પડોશીને મદદના આશયથી 25 લાખ ઉછીના આપ્યા હતા. પડોશીએ તેના બદલે બંધ બેંક એકાઉન્ટના ચેક આપતા તે રિટર્ન થયા હતા. વૃદ્ધે પૈસાની માંગણી કરતા ગાળો આપી ધમકી આપતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘોડદોડ રોડ પર સુભાષનગરમાં રહેતા 66 વર્ષીય નીતીનભાઈ મોહનભાઈ દેસાઈ નિવૃત્ત જીવન જીવે છે. તેમણે ઉમરા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રભાઈ મગનભાઈ દેસાઈ (રહે.શ્રી દર્શન સોસાયટી, ઘોડદોડ રોડ) ની સામે ફરિયાદ નોંધાવી હતી. મહેન્દ્રભાઈની આર્થિક ફરિયાદ સારી નહીં હોવાથી ગત ઓગસ્ટ 2017 ના રોજ તેમણે નીતીનભાઈ પાસે ઉછીના રૂપિયા 4 મહિનામાં પરત આપી દેવાનો વાયદો કરી માંગ્યા હતા. નીતીનભાઈએ પડોશી હોવાથી મદદના આશયથી 25 લાખ રૂપિયા તેમના બેંક ખાતામાંથી આપ્યા હતા. જેના બદલે મહેન્દ્રભાઈએ ધી સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક લી. ઓલપાડ બ્રાંચનો ચેક આપ્યો હતો. ચાર મહિના પછી આ ચેક બેંકમાં જમા કરતા તમામ ચેક એકાઉન્ટ ક્લોઝ્ડ શેરા સાથે પરત થયા હતા. મહેન્દ્રભાઈનું બેંક એકાઉન્ટ બંધ હોવા છતાં ચેકો આપ્યા હતા. તેના ઘરે જઈને પૈસાની માંગણી કરતા ગાળો આપી ધમકી આપી હતી. જેથી ઉમરા પોલીસમાં આ અંગે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.