સાનિયા મલ્હોત્રા હવે ‘દંગલ’ના વર્ષોથી ઘણી આગળ નીકળી આવી છે અને આમીરખાનથી આગળ વધી શાહરૂખ ખાન સુધીની સફર સુધી પહોંચી ગઇ છે. ફિલ્મોમાં આવી જવું અને કિલક થવું કે બંને અલગ બાબતો છે. ‘દંગલ’માં તે જરૂર સફળ થઇ હતી પણ આમીરખાન હોય તો પોતાના નામે સફળતા ચડવવા બાબતે વિચારવું પડે. સફળ થયા પછી સફળતાને સ્થાયીત્વ અપાવવા માટે નવા પ્રયત્નો કરવા પડે અને તે દરમ્યાન ફિલ્મજગતનાં નિયમો પણ સમજવા પડે. ‘દંગલ’થી સાનિયાને મુખ્ય ફાયદો જ થયો તે એ હતો કે કામ કેવી રીતે કરવું. એ ફિલ્મ પછી તે જો કે સારી ભૂમિકા મેળવવા બાબતે ગંભીર રહી પણ સારી ભૂમિકા કયા પ્રકારની ફિલ્મની છે, એ હવે વિચારતી થઇ છે. ‘પટાખા’, ‘પગલૈત’, ‘મીનાક્ષી સુંદરેશ્વર’, ‘લવ હોસ્ટેલ’ જેવી ફિલ્મો અભિનયની ધાર કાઢવામાં કામ લાગી શકે પણ ‘દંગલ’ જેવા સકસેસ માટે તો ફરી મોટા સ્ટાર્સની હાજરીનો જ ખપ પડે.
સાનિયા હવે શાહરૂખ સાથે ‘જવાન’માં આવી રહી છે. તેમાં જોકે નયનતારા, પ્રિયમણી સહિતની અભિનેત્રીનો ઝમેલો છે પણ એ ફિલ્મ હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ અને ઇંગ્લિશમાં રજૂ થવાની છે. એટલે સાન્યા તેને પોતાના નવા મુકામ તરીકે જુએ છે. એ જ રીતે વિકી કૌશલ સાથેની ‘સામ બહાદૂર’ આવી રહી છે જે મેઘના ગુલઝારના દિગ્દર્શનમાં બની રહી છે. તેની કારકિર્દીના વળાંક સમી આ બંને ફિલ્મો છે. મનોરંજક ફિલ્મમાં કામ કરવાનું તે હવે શીખી રહી છે અને તેમાં સાઉથની ‘કથાલ’ પણ છે જેમાં તે મહિલા પોલીસ બની છે. તમે કહી શકો કે સાન્યાની કારકિર્દીનો બીજો જ તબકકો હવે શરૂ થયો છે. હવે તે આયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવની હીરોઇન નથી, તેના સહઅભિનેતા શાહરૂખ અને વિકી કૌશલ છે.
હવે સમજાવા માંડયું છે કે જુદા જુદા પ્રકારની ફિલ્મોમાં કામ કરવાથી જ શીખી શકાય છે. શબાના આઝમી, સ્મિતા પાટિલ પણ લોકપ્રિય ફિલ્મોનો હિસ્સો બની પછી જ લોકનજરે ચડી હતી. અભિનયમાં મેચ્યોર થવા સાથે પોતાનામાં સ્ટાર કવોલિટી ઉમેરતા જવું પડે છે. ગયા વર્ષે ‘લવ હોસ્ટેલ’ અને ‘હિટ: ધ ફર્સ્ટ કેસ’ રજૂ થયેલી અને આ વર્ષે તેની ત્રણ ફિલ્મો રજૂ થવાની છે. પ્રેક્ષકો હવે તેને જૂદી રીતે જોતા થશે. કારણકે તે સ્વયં પણ ફિલ્મોને જૂદી રીતે જોતી થઇ છે. ૨૦૨૩ ને તે તેના પરિવર્તક વર્ષ તરીકે ગણાવી શકે છે. સાનિયા ઝડપભેર શીખી રહી છે કે ફિલ્મોમાં કઇ કઇ રીતે કામ કરી શકાય. તે અસલામતીથી પીડાતી નથી એટલે જાણીતા સ્ટાર્સ સાથે મૈત્રી કરી આગળ નથી વધતી. તે બોયફ્રેન્ડની મદદથી પણ આગળ વધવામાં માનતી નથી. પોતાનો રસ્તો પોતે શોધો તો જ સફળતા પણ પોતાની છે એમ કહી શકાય. •