Columns

તુલસીદાસના ભાવ વિશ્વને સમજીને તદ્દાનુરૂપ પરિવર્તન જરૂરી છે

માણસજાતનું એક ચરિત્ર હમણાં ખાસ ઉપસી રહ્યું છે કે એ ભવિષ્યકાળ કરતાં ભૂતકાળની ચિંતા વધુ કરે છે અને તે માટે વર્તમાન બગાડે છે. બિહારના શિક્ષામંત્રી ચન્દ્રશેખરે તુલસીદાસ કૃત શ્રી રામચરિત માણસની એક ચોપાઈને ટાંકીને કહ્યું કે આ રામચરિત્ર માનસ સમાજમાં વૈમનસ્વ પેદા કરે છે. તેથી તેના પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. આ ગ્રંથની રચના તુલસીદાસે 400 વરસ પૂર્વે કરી હતી અને જોતજોતામાં સમગ્ર હિન્દી અને દેવનાગરી બેલ્ટમાં એ પવિત્ર ગ્રંથ તરીકે સ્થપાઈ ચૂકયો હતો. વાલ્મિકી રામાયણ સંસ્કૃતમાં લખાયું તે ઘટનાને લગભગ અઢી હજાર વરસ બાદ તુલસીએ અવધી ભાષામાં રામની ભક્તિમાં રામાયણ લખી જેથી સામાન્ય જનતાની સમજમાં આવે.

કારણ કે સંસ્કૃત ભાષા વિદ્વાનોના વપરાશમાં હતી પણ આમ નાગરિકોની ભાષા ન હતી. તુલસી રામાયણનો સમગ્રતામાં અભ્યાસ કરવામાં આવે તો તુલસી એક જ્ઞાની પ્રેમરસથી, કરુણા અને ભક્તિભાવથી ભરપુર વ્યક્તિત્વ ઊભરે છે. વૈભવી જીવન એમને માફક આવતું નથી. બધુ મળતું હોવા છતાં ત્યાગ કરીને સાદું જીવન સુખ સગવડતાઓ મને માફક નથી આવતી. એ તુલસી કોઈના પ્રત્યે દ્વેષ, નફરત રાખે તેવું બની ન શકે, વિચાર પણ ન આવે. વાલ્મિકી રામાયણમાં એવા પ્રસંગો લખાયા છે જે તુલસીએ પોતાની રચનામાં સમાવ્યા નથી.

તુલસીદાસે રામચરિત માનસની પ્રસ્તાવવામાં તુલસીદાસે તે અગાઉના જે જે હિન્દુ ગ્રંથોમાંથી પ્રસંગો ઉદ્દધૃત કર્યા. જેમ કે વાલ્મિકી રામાયણ,વેદો,અરણ્યકો, ઉપનિષદો વગેરે પ્રત્યે ભક્તિભાવ દર્શાવ્યો છે અને વાલ્મિકીનો સમયખંડ જૂદો હતો. કહેવાય છે એક એ પ્રભુ રામના સમકાલીન હતા છતાં વાલ્મિકી રામાયણમાં કેટલાક અરુચિકર પ્રસંગો પાછળના સંસ્કરણોમાં લખનારાઓએ પોતપોતાની મેળે ઉમેર્યા છે એ વખતે હાથથી જ ગ્રંથો ભોજપત્રો અને તામ્રપત્ર પર લખાતાં હતા. આજે આપણને અરૂચિકર લાગે તેવી બાબતો એ સમયમાં સહજ અને સ્વાભાવિક ગણાતી હતી.

તુલસીદાસ ભક્તકવિ હતા અને પોતાના આરાધ્ય માટે કે એમના આસપાસના લોકો માટે જે કંઇ અશિષ્ઠ લાગ્યું અને એ એમણે દૂર કર્યું. રામાયણના અનેક સંસ્કરણો વિશાળ ભારતખંડની બોલીઓ, પ્રજા અને પ્રાન્તમાં અલગ અલગ રીતે લખાયાં છે. જે પ્રજામાં જે કંઇ વાંધાજનક ન હતું તે એ રામાયણના કથાનાકમાં પણ ઉમેરવામાં આવ્યું. આ ગ્રંથો કંઇ થોડા અર્થાત 2-5 વરસમાં લખાયો નથી. પરંતુ તે અઢીથી ત્રણ હજાર વરસમાં સતત લખાતાં રહ્યાં છે. સંપાદિત થતાં રહ્યાં છે. વાલ્મિકી કે તુલસી ઉત્કૃષ્ઠ ઋષિ માનવ હતા, પણ ત્યારના સાંપ્રત સમાજ અને સમયથી સંપૂર્ણપણે અલગ તો બની જ ના શકે.

વાલ્મિકીના સમયમાં જે વ્યવહારમાં સહજ ગણાતું તે ગ્રંથમાં આવ્યું અને તુલસીદાસે માનસ લખ્યું ત્યારે જે વાતો અસહજ અને અસ્વીકાર્ય બની ગઈ હતી તે એમણે દૂર કરી હતી અને તુલસીના પોતાના સમયમાં સહજ ગણાતી હતી તે એમના કથાનકોમાં જાણ્યે અજાણ્યે આવી ગઈ. માનસમાં 84 (ચોર્યાસી) પ્રસંગો છે અને તમામ મળીને કુલ 10,902 દુહા, ચંદ, ચોપાઈમાં વર્ણવવામાં આવ્યાં છે તેમાંથી માત્ર એક કે બે ચોપાઈમાં આજના અદ્યતન સમાજની ભાવનાના સંદર્ભમાં ક્ષતિ કાઢી શકાય પણ તુલસીદાસની એ ક્ષતિઓને સાવ ઢાંકી દે, નિરસ્ત કરી દે એવું માનસમાં તુલસીદાસે ઘણું લખ્યું છે.

જે વિવાદિત ચોપાઈ છે : તે ‘ઢોલ, ગંવાર, શુદ્ર, પશુ, નારી, વે સબ તાડન કે અધિકારી. આ ચોપાઈ પર આજકાલ વિવાદ પેદા નથી થયો પરંતુ દાયકાઓથી ચાલી રહ્યો છે. હવે 400 વરસ બાદ સમય બદલાયો છે અમુક ભકતો, વિદ્ધવાનો આ ચોપાઈની બાબતમાં ઘણા ખુલાસા કરે છે. તેઓ કહે છે કે તાડન નહીં પણ ‘તારન’ શબ્દ છે જેનો અર્થ થાય છે કે જીવનમાં ભક્તિભાવ વડે તરી જવાના તેઓ અધિકારી છે પણ આ વર્ગ સમુદ્રમાં જે ઢોલ શબ્દ છે તે ‘ઓડ મેન આઉટ’ છે. ડોલ જીવંત નથી. એ કેવી રીતે જીવન તરે? વળી ઢોલ શબ્દ ચોપાઈના અર્થને વધુ સપ્ષ્ટ કરે છે. એને મારવાથી જ વાગે.

તો વિવાદનો અંત શો હોઇ શકે? ખૂદ તુલસીદાસે નિરક્ષીર વાપરીને વાલ્મિકી રામાયણને વધુ કરુણા અને ભાવમય બનાવી તેમ ધર્માચારોએ મળીને આ એક ચોપાઈ અને બીજું જે કંઇ નાનું મોટું હોય તે એડિટ કરી નાખવું જોઈએ જે તુલસીદાસે પોતે કર્યું હતું. તે દૂર થવાથી ગ્રંથનો કોઇ ગર્ભસ્થ વિચાર બદલાઈ જતો નથી પણ વધુ મજબૂત થાય છે. નેટ પરિણામ જૂઓ તો વાલ્મિકી રામાયણના અમુક પ્રસંગો તુલસીજીએ દૂર કર્યા તો રામનો મહિમા વધ્યો છે. કારણ કે મૂલ કથા શ્રી રામે શબરીના એંઠા બોર ખાધા હતા તે બાબત જ અન્ય તમામ વિરુદ્ધના વિવાદોનો છેદ ઊડાડી નાખે છે.

તુલસીજીના સમયમાં આ બાબતની કોઇએ નોંધ લઇને તુલસીજીને ટકોર કરી હોત, અથવા આજે એ હયાત હોત તો એમણે જ એ બે લીટી દૂર કરી હોત. પણ ત્યારના સમાજમાં તે સહજ હતું ત્યારે ટકોર પણ કોણ કરે? આવડી મોટી રચનાઓમાં કોઇ શરતચૂક થઇ જાય. આઝાદ ભારતના સમયમાં ઘડાયેલા ઇન્ડિયન આર્બીટ્રેશન એકટ લાગુ પડી ગયા પછી ખબર પડી કે એક કલમની જોગવાઈ તો હતી જ, પણ કલમનો ભંગ કરનારને શી સજા કરવી તેનું પ્રાવધાન અથવા અનુચ્છેદ જ યોજવાનું ભૂલાઈ ગયું હતું. ગુનો ગણાય પણ સજા કે દંડ નહીં. તુલસીદાસના ભાવના વિશ્વને સમજીને આ ચોપાઈ એટલા માટે દૂર થવી જોઈએ કે આપણો સામાજિક ઇતિહાસ એટલો ઊજળો નથી.

ઊજળો તો દુનિયાની કોઇપણ સંસ્કૃતિનો નથી. ભારતની ક્ષુદ્ર અર્થાત દલિત પ્રજાએ હજારો વરસ તથાકથિત સુવર્ણોના હાથે અમાનૂષી યાતનાઓ પીડાઓ જુલ્મો સહન કર્યા છે. નર્કાગારથી બદત્તર જીવન જીવવાની ફરજ પાડી છે. તેઓના માટે કયાંયથી પ્રેમની આવક ન હતી. માત્ર તિરસ્કાર, તુચ્છતા જ પ્રાપ્ત થતી. હજી સમય અને વિચારો સાવ બદલાયા નથી, પણ ક્રમશ: બદલાઈ રહ્યા છે. ઊના મારહાણ જેવી ઘટના હજી ઘટે છે જે સમાજ માટે કલંકરૂપ છે આવી સ્થિતિમાં દલિતોએ આપણને પ્રેમ કરવો જોઈએ એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય? તેઓ માનવી જ છે. તેઓના મન પણ આખા બની શકે છે. આ લખનારે 6 દાયકા અગાઉનો તેઓનો સમય વરસો સુધી આ સગી આંખોએ જોયો છે.

આજના સમયમાં ક્ષુદ્રને માર મારવાની વાત અમાનુષી છે, પશુઓને પણ મારવા ન જોઈએ અને કાનૂન પ્રમાણે મારી ન શકાય. હિંસાની વ્યાખ્યા વિસ્તૃત બની છે જેમાં કોઇને માનસિક યાતના આપવી તે પણ હિંસા જ છે. ગાય કે પશુનું દૂધ આરોગવું, સાચા મોતીની માળા પહેરવી, સોના ચાંદીના વરખની મીઠાઈ આરોગવી, અમુક પ્રોટિન શેક પીવા તે પણ હિંસાઓ જ છે. આ લખનારના મતે આજકાલ તેલ ઊર્જાથી ચાલતાં વાહનોમાં પ્રવાસ કરવો તે પણ હિંસાને પ્રોત્સાહન છે. આપણા પૈસા વડે રશિયા યુક્રેનનાં બાળકોને બેરહમીથી મારી રહ્યું છે. જો કે આવા વિચારોને લંબાવો તો એમ જ લાગે કે વિશ્વનો આધાર હિંસા અને અહિંસા, સત્ય અને અસત્ય બન્નેના સ્તંભો પર છે.

ખેર! ગમે તે હોય, અહિંસાનું આચરણ દુનિયાની પીડાઓમાં જરૂર ઘટાડો કરે છે. સત્યનું આચરણ જીવનને સરળ, અહિંસક બનાવે છે. ગાંધી પોતે અહિંસક ન હતા કે ન તો સત્યવાદી હતા પણ તેનો આડંબર પણ માણસને પ્રતિષ્ઠા અપાવી શકે છે જે પાછળથી જૂઠી પણ પુરવાર થાય. તુલસીદાસની વાત દૂરની થઇ. મોહનદાસ ગાંધી પણ સમાજથી એક હદથી ઉપરવટ જવા માગતા ન હતા. એ અસ્પૃશ્યતામાં માનતા ન હતા પરંતુ વારંવાર કહેતા કે દલિતના સંતાનોએ દલિતનું વારસાગત કામકાજ કરવું જોઈએ. ગાંધીના 70 વરસ પૂર્વના વિચારો, પ્રગતિશીલ ગણાતા ગાંધીના વિચારોમાં અને આજના વિચારોમાં મોટું પરિવર્તન આવી શકતું હોય તો ખૂબ દૂરના ઇતિહાસની ભૂલી જવા જેવી બાબતો ભૂલી જવી જોઈએ.

જયારે આ ચોપાઈનો ઉલ્લેખ આવે ત્યારે દલિતોને અપમાન, અવગણના અને નફરતનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. USAમાં 150-200 વરસ અગાઉ જે મહાન નાયકો પેદા થયા તેઓ પણ ગુલામોના વેપારમાં અથવા ગુલામો રાખવાના કૃત્યોમાં સામેલ હતાં તેથી તેઓની સુંદર, અપ્રતીમ પ્રતિમાઓ બાવલાઓ દૂર કરવાની પ્રવૃત્તિઓ હમણા થોડો સમય ચાલી. પરંતુ આવું કરાશે તો સદંતર ઇતિહાસ જ ખોટો લખાશે. તેઓની પ્રતિમાને ચોક વચ્ચેની હાજરી જ કોઇને તેમનાં સુકૃત્યોની અને કોઇને અપકૃત્યોની યાદ અપાવશે. આવું સમજાવા બાદ નક્કી થયું કે તેને ત્યાંજ રહેવા દો.

જે સમાજ સમય પ્રમાણે સ્થિતિ સ્થાપકન બને તેનો વહેલો મોડો વિનાશ અવશ્યંભાવિ છે. હિન્દુ ધર્મ પોતાને અન્ય હિંસક ધર્મોથી અલગ ગણતો હોય તો વિરોધાભાષી વાતો સ્વમેળે એક થઇને દૂર કરવી જોઈએ.અહીં કહેવાનો અર્થ એ નથી કે તુલસીકૃત માનસની ચોપાઈ એમ જ રહેશે તો વિનાશ નોતરશે. સમાજ એટલી હદે મુર્ખ પણ નથી. છતાં ખળખળાટ વહેતું પાણી સ્વચ્છ, નિર્મળ રહે છે. રામચરિત માનસ વાસ્તવમાં અનેક સમાજોને જોડનારો ગ્રંથ સિદ્ધ થયો છે અને હમણાં સુધી આ ચોપાઈ પ્રત્યે એટલી સંવેદનશીલતા પણ દર્શાવાતી ન હતી. એ જૂની વાત છે. ભૂલી જાઓ. એમ સૌએ નાના મોટા વિવાદ બાદ સૌએ સ્વીકારી લીધું હતું.

ધર્મના નામે કશું પણ થઇ શકે. શિરડીના સાંઇબાબા પર એવો આરોપ છે કે તેઓના વડીલો ચોરી, શિનાજોરી અને મરાઠાઓની જાસૂસી કરતા હતા અને સાંઇબાબા પણ તેમાં સામેલ હતા. એ મરઘાપાળીને રાંધતાં હતાં. પણ સમાજે એમને એક ચમત્કારિક પુરૂષ તરીકે ભગવાન બનાવ્યા છે. વો ખૂદા હો ગયે દેખતે દેખતે! એક સદ્‌ગત શંકરાચાર્યએ એમની મૂર્તિઓ મંદિરોમાંથી બહાર કઢાવી હતી અને દેશભરમાં ગોકીરો મચ્યો હતો. હમણા શાસ્ત્રીજી નામના એક ચમત્કારી બાબા નીકળ્યા છે અને ચારે તરફ એમના નામ અને કામની ચર્ચા છે.

હાલના જયોતિર્મઇના શંકરાચાર્યે આવા ચમત્કારોથી બચવા અને દૂર રહેવાની સલાહ આપી છે. તેનાથી હિન્દુ ધર્મ નબળો પડે છે. ભગવાન જો ચમત્કાર જ કરવા માગતો હોય તો તેણે આપણી સામેના જૂના સૂર્યની સાથે સાથે બીજો એક સૂર્ય ખાસ પૃથ્વી માટે રચે તો ચમત્કાર કહી શકાય. બાકી એક સૂર્ય મંડળ રચીને એણે સૌથી મોટો ચમત્કાર તો કરી બતાવ્યો જ છે. આખું બ્રહ્માંડ, ગેલેકસીઓ, બ્લેક હોલ, ડાર્ક મેટર વગેરે એવડા મોટા ચમત્કારો છે કે કોઇ પત્રકારના વડદાદાનું નામ જાણી બતાવવાનો ચમત્કાર એ શા માટે બતાવે? આજકાલ સ્ટેજ પર આવીને અમુક જાદૂગરો એવા પ્રયોગો બતાવે છે, જેમાં TV માં ભૂમિકા ભજવતો અદાકાર TV સ્ક્રીનમાંથી બહાર નીકળીને સ્ટેજ પર આવી જાય. આવા કરતબો કરનાર તેને હાથના પ્રયોગો ગણાવે છે ત્યારે ભારતની હિન્દુ પ્રજા ગમે તેના જાદૂને ઇશ્વરનો ચમત્કાર ગણી લે છે. આ જ તો મોટી તકલીફ છે.

પ્રસિધ્ધ IAS ટયુટર વિકાસ દિવ્ય કીર્તિએ અમીર ખુશરોએ પોતાના હાથે લખેલો ઇતિહાસ વાંચ્યો છે. જેમાન ખિલજીએ સોમનાથનું મંદિર તોડયું ત્યારે સોમનાથમાં ખુશરો એમની સાથે હતા. ખુશરોએ લખ્યું છે કે મંદિરનું શિખર પાડવામાં આવ્યું ત્યારે તે પશ્ચિમ દિશામાં ઢળ્યું હતું, જાણે કે અરબાસ્તનમાં રહેલા કાબાને સજદા (નમન) કરતું હતું. એ વખતે અનેક હિન્દુ સ્ત્રીઓને નગ્ન કરીને સળગાવી દેવાઇ હતી. તે બાબત પર ખુશરોએ લખ્યું છે કે સ્ત્રીઓના કપડાં સળગીને શરીર ખુલ્લા પડી ગયા હતા અને તેઓ ચિત્કારો કરતી હતી ત્યારે તેઓનું સૌંદર્ય ખીલી ઊઠયું હતું. વિકાસ સરના કહેવા પ્રમાણે પાછળથી ખુસરોએ કૃષ્ણભકિતનાં ગીતો લખ્યાં.

પ્રથમ વખત ખીલજીને ખુશ કરવા અથવા મજબૂરીથી અથવા સ્વેચ્છાએ ખુશરોએ લખ્યું હશે. ખીલજી પણ આવા કૃત્યો દ્વારા ડર, ધાક બેસાડવા માગતો હશે. પરંતુ પાછળથી રાજ કરવા માટે પ્રજાનો સાથ પણ જોઇએ. તેથી કૃષ્ણભકિતનાં ગીતો રચ્યાં. ધર્મનો ત્યારે પણ હથિયાર તરીકે ઉપયોગ થતો હતો જેમ આજે થાય છે. આજે ગંગા જમુના તહજીબની વાતો અમુક વર્ગ કરે છે ત્યારે ભૂલી જાય છે કે જો એવું જ હતું તો દેશના ભાગલા શા માટે થયા? કોણે કરાવ્યા? એ અગાઉ પણ એવા અનેકોઅનેક પ્રસંગો બન્યા છે જેમાં એ તથાકથિત તહજીબનો પરિચ્છેદ ઊડી જાય છે.

શ્રી વિકાસ દિવ્ય કિર્તીએ વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત રામાયણમાં સમય, કાળ અને સમાજના વિકાસ પ્રમાણે સુધારાઓ થયા છે એ વાત કરી તો લોકોએ એમનો નાહકનો વિરોધ કરી દીધો. વાલ્મિકી રામાયણના અમુક પ્રસંગો આ લખનારે વાંચ્યા છે. જો તેમાં ત્યારના સમયના લોકોની, પ્રજાની માનસિકતાનું નિરૂપણ થયું હોય તો આ લખનારના મગજમાં એક સહજ સવાલ પેદા થાય છે કે આજે કળિયુગ છે કે ત્યારે હતો. ત્યારે સતયુગ છે કે આજે છે? આ સવાલનો જવાબ સૌ પોતપોતાની આસ્થા બુધ્ધિમત્તા અને વિચારો પ્રમાણે આપશે પણ ધર્મના નામે લડવા જેવું નથી. શબ્દોના પ્રાચીન કે અર્વાચીન અર્થો માટે લડવા જેવું નથી.

જેમને ખબર છે કે અજમેર દરગાહના ચિસ્તીઓના છોકરાઓએ 400 થી 500 હિન્દુ કન્યાઓને બ્લેકમેલ કરીને તેઓના પર બળાત્કારો આચર્યા હતા અને અમુકને આત્મહત્યાઓ કરવા મજબૂર કરી હતી. તે અનુસંધાને અજમેરમાં તોફાનો પણ થયાં હતાં. છતાં આજે તેઓ દરગાહ માટે ચાદર મોકલે છે. આશારામ એક ભયાનક હેલિકોપ્ટર દૂર્ઘટનામાં બચી ગયા ન હોત તો બળાત્કારી તરીકે નહીં પણ અવતાર તરીકે પૂજાતા થયા હોત. વસીમ રીઝવી પણ કુરાનની કેટલીક આયાતો પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

હિંસાની પ્રેરણા આપતી આયાતો પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે એ ગયા હતા. તુલસીદાસની ચોપાઇ દૂર થાય તો તેમાં સમજદારને વાંધો નહીં હોય પણ મોટા ભાગના હિન્દુ આગેવાનોની દલીલ એ છે કે માત્ર હિન્દુ ધર્મ વિશે જ નેતાઓ જાહેરમાં શા માટે આવી જાય છે? કારણ કે તેમ કરવાનું સહેલું છે. તેઓને વ્યકિતગત રાજકીય લાભ મળે છે. સુપ્રીમ કોર્ટ આ બધી બાબતોને આસ્થાનો વિષય માની તેમાં દખલ દેતી નથી. તો તેનો અર્થ એ જ કરવાનો કે જૂનું ફાવે તો લો, નહીંતર રહેવા દો. પરંતુ હિંસા આચરવાનો, ધર્મને નામે પણ આચરવાનો કોઇને પણ અધિકાર નથી.

જો કોઇ સામાજિક કે રાજકીય ડર પેદા ન થતો હોય તો એ ધર્મનો વિરોધ પણ ન કરવો જોઇએ. ડર ત્યારે જ લાગે જો વિચારોની હિંસા થાય, શારીરિક કે માનસિક હિંસા થાય. તુલસીની આ એક ચોપાઇથી કોઇ દલિતોને મારવા નથી જવાની. જવાય પણ નહીં. કોણે કયાં ઇરાદાથી ધર્મના નામે સાહિત્ય અને સમાજમાં શું શું ઘૂસાડયું છે તેની પાછળના ઇરાદાઓ આટલા વરસો બાદ આપણે નક્કી ન કરી શકીએ. કેટલાક બાબાઓ વર્તમાનમાં ઠગી રહ્યા છે તો ભૂતકાળ કેવી રીતે નક્કી કરશો જયારે વર્તમાનમાં જ સમજ પડતી નથી.

Most Popular

To Top