Gujarat

ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયા મંગળવારે નિવૃત્ત થશે

ગાંધીનગર : ગુજરાતના (Gujarat) પોલીસ (Police) વડા અને 1985 બેચના આઇપીએસ (IPS) અધિકારી આશિષ ભાટિયા આવતીકાલે 31મી જાન્યુઆરી 2023ના રોજ નિવૃત્ત થતાં હોઇ તેમના સ્થાને રાજ્ય સરકાર પોલીસ તંત્રમાં અભ્યાસક્રમ બહારની પ્રવૃત્તિઓ રોકી શકે, તેને નાથી શકે તેવા નવા પોલીસ વડાની પસંદગી કરાશે. તેમ સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું. અલબત્ત, નવી દિલ્હીથી અતુલ કરવાલ કે વિકાસ સહાયની નિયુક્તિ કરે તેવી સંભાવના છે. ભાટિયા આમ તો મે 2022માં વયનિવૃત્ત થવાના હતા પરંતુ વિધાનસભાની ચૂંટણીના કારણે તેમને આઠ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
અતુલ કરવાલ હાલ દિલ્હીમાં એનડીઆરએફમાં ડીજી તરીકે પ્રતિનિયુક્તિ પર છે. તેઓ 1988 બેચના આઇપીએસ અધિકારી છે અને માર્ચ 2024માં નિવૃત્ત થવાના છે, જ્યારે 1989 બેચના વિકાસ સહાય એડીજીપી, ટ્રેઇનિંગમાં ફરજ બજાવી રહ્યાં છે. તેઓ જૂન 2025માં નિવૃત્ત થઇ રહ્યાં છે. આ પદ માટે 1989 બેચના સંજય શ્રીવાસ્તવનું નામ પણ ચર્ચામાં આવેલું છે. તેઓ પણ જૂન 2025માં નિવૃત્ત થવાના છે. નવા પોલીસ વડા તથા સુરતના નવા પોલીસ કમિશનર બનવા માટે કેટલાંક સિનિયર આઈપીએસ લોબિંગ કરી રહ્યાં છે, અલબત્ત, તેમને સફળતા મળે તેવી સંભાવના નહીંવત છે.

Most Popular

To Top