ગાંધીનગર: રાજ્યમાં સતત બે દિવસથી વાતાવરણમાં (Weather) પલટો જોવા મળી રહ્યો છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શનિવાર અને રવિવારના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Rain) પડ્યો હતો. ત્યારે આજે સોમવારે પણ રાજ્યભરમાં ધુમ્મસ (Fog) છવાયું છે. અમદાવાદ (Ahmadabad) , ગાંધીનગર (Gandhinagr) સહિત અન્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે. ધુમ્મસના કારણે રાજ્યમાં કાશ્મીર જેવું વાતાવરણ છવાયું છે. સવારથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી.
ગુજરાત બન્યું કાશ્મીર
સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યભરમાં તેની અસર જોવા મળી રહી છે. આજે સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનના કારણે લોકોને કાશ્મીર જેવો અનુભવ થયો હતો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેતા ઠંડીનો અનુભવ થયો હતો. આ સાથે જ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો હતો. કેટલાક વિસ્તારમાં તો વહેલી સવારે વરસાદી ઝાપટા પણ પડ્યા હતા.
માવઠાં બાદ જાણે વાદળો ધરતી પર ઉતર્યા, ભરૂચમાં વિઝિબિલીટી લો
ભરૂચ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. એને પગલે 50 ફૂટ દૂર પણ બરાબર જોઈ શકાતું ન હતું. એથી વાહનચાલકોને ફરજિયાતપણે વાહનોની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. જ્યારે રાજ્યમાં છવાયેલા ધુમ્મસની અસર હાઈવે પર વધારે જોવા મળે છે. ભરૂચથી પસાર થતો NH-48 પર ધુમ્મસ વધારે હોવાથી વાહનચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ચાલકોને વિનંતી કરી છે
હાઇવે ઓથોરિટીએ સાવધાનીથી વાહન ચલાવવા સૂચન આપ્યું
રાજ્યભરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. જેના કારણે 50 ફૂટ દૂર પણ બરાબર જોઈ શકાતું ન હતું. તેથી વાહનચાલકોએ ફરજિયાત વાહનોની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. જ્યારે રાજ્યભરમાં છવાયેલા ધુમ્મસની હાઈવે પર પણ જોવા મળી છે. હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વાહન ચાલકોને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને NH 48 પર ધુમ્મસ વધારે હોવાથી સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે સૂચન કર્યું છે.
બપોર બાદ વાતાવરણમાં પલટો થશે
હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવાર બપોર પછી વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતાં વાદળો વિખરાશે જેના કારણે લઘુતમ તાપમાનમાં પણ બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર રવિવારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 27.5 ડીગ્રી રહ્યું હતું, જ્યારે લઘુતમ તાપમાન 4.5 ડીગ્રી વધી 17.4 નોંધાયું હતું. જો કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા સાંજ સુધીમાં વાતાવરણમાં ફરી ઠંડક જોવા મળી હતી.
રવિવારે ધુમ્મસના કારણે 50 ફ્લાઇટના શિડયુઅલ ખોરવાયાં
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે જ કેટલાક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાતા શિયાળાની સૌથી વધુ 50 ફ્લાઇટ મોડી પડી હતી. રવિવારે સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ રહેતા બપોરે એરટ્રાફિકને કારણે ફ્લાઇટોના શેડ્યૂલ ખોરવાયાં હતાં. ત્યારે આ વર્ષે શિયાળામાં એક જ દિવસમાં લેટ પડેલી ફ્લાઇટોનો રેકોર્ડ તૂટ્યો હતો. મોટા ભાગની ફ્લાઇટો 45 મિનિટથી માંડી 2 કલાક સુધી લેટ પડી હતી.