Comments

લોહિયા અને લોહિયાવાદીઓ: જાતિગણતરીનું રાજકારણ

બિહારમાં નીતીશકુમારે પલટી મારી પછી એમની આબરૂના ગઢમાં ઘણાં બધાં ગાબડાં પડ્યાં છે. ભાજપ આવતી ચૂંટણીમાં નીતીશને માત કરવા ચોકઠાં અત્યારથી ગોઠવવા લાગ્યો છે. પણ નીતીશે એ પહેલાં એક મોટું પાનું ઊતર્યું છે. જાતિ ગણનાની જાહેરાત. આ મુદે ઘણાં બધાં વર્ષોથી વિવાદ ચાલે છે. કારણ કે, જાતિ ગણના પાછળ ઇરાદો સામાજિક નહીં, પણ રાજકીય છે. નીતીશ અને લાલુ યાદવ બંને રામમનોહર લોહિયાના શિષ્યો છે. એ બંને પોતાને લોહિયાના શિષ્યો માને છે. પણ લોહિયાના સમાજવાદી રાજકારણથી એ ઘણા દૂર છે. લોહિયા જાતપાતના રાજકારણને તોડવા માગતા હતા. સમાજમાં ઉચ્ચ નીચના માપદંડો નાબૂદ થાય અને બધી જાતિઓનો વિકાસ થાય એવું ઈચ્છતા હતા. કોંગ્રેસથી અલગ થવામાં આ પણ એક કારણ હતું અને એમણે જનસંઘનો સાથ લેવામાં પણ કોઈ સંકોચ થયો નહોતો.

આપણા દેશમાં અનામત મુદે આજે ય આંદોલનો થાય છે. ૧૯૩૧માં પહેલી વાર ભારતમાં જાતિ આધારિત ગણતરી થઈ અને આઝાદ થયા બાદ ૧૯૫૧માં આવી જ માગણી થઈ પણ ત્યારે સરદાર પટેલે એ માગણી સ્વીકારી નહોતી. એમને ખબર હતી કે, આવી માંગણીઓ પાછળનો ઇરાદો ખોટો હતો. ૨૦૧૧માં મનમોહન સરકારે આર્થિક અને સામાજિક રીતે પછાત લોકોની ગણતરી કરાવી હતી. એ માટે લાલુ યાદવ ને મુલાયમ સિંહનું દબાણ પણ હતું. પણ પછી આ કહેવાતા લોહિયાવાદીઓના ઈરાદાઓનો ખ્યાલ આવી જતાં આંકડાઓમાં ભૂલ રહી ગઈ છે એવા બહાના તળે આંકડા જાહેર કર્યા નહોતા અને આજ સુધી એ જાહેર થયા નથી. મોદી સરકાર પણ આવી ગણનાનો વિરોધ કરે છે.

આપણે ત્યાં સમસ્યા એ છે કે, રાજકારણમાં જાતિવાદ મજબૂર બનતો જાય છે. કોઈ પણ રાજ્ય કે મત વિસ્તાર હોય ત્યાં રાજકીય પક્ષો ઉમેદવારની પસંદગી કે ટિકિટના ક્વોટા વહેંચવામાં જ્ઞાતિના સમીકરણને ધ્યાનમાં જરૂર લે છે અને એ કારણે મોટી જ્ઞાતિઓનું વર્ચસ વધ્યું છે અને એમાંથી ઘણી બધી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યોમાં જ્ઞાતિ આધારિત અનામત માટે આંદોલનો થતાં જ રહે છે. ગુજરાત અને રાજસ્થાન એવાં આંદોલનોનાં માઠાં પરિણામો ભોગવી ચૂક્યાં છે. નીતીશે ફરી જાતિગણનાનું રાજકીય પત્તું ઊતર્યું છે પણ જે રીતે નીતીશબાબુએ ભાજપ અને લાલુ યાદવ સાથે ધરણાં કર્યાં છે, લાગતું નથી કે એ હવે સત્તા જાળવી શકે.

જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી ક્યારે?

દેશને યાદ છે કે, કાશ્મીરમાં સરકાર બરખાસ્ત થયાને ચાર વર્ષ થઈ ગયાં પણ હજુ ચૂંટણી થઈ નથી અને ક્યારે થશે એના કોઈ અણસાર સરકાર આપતી નથી. કુદરતે જ્યાં અઢળક સૌંદર્ય વેર્યું છે, જે સ્વર્ગ ગણાય છે એ પ્રદેશ આતંકવાદને કારણે બદનામ થયો પણ આજે સ્થિતિ બદલાઈ છે. ભાજપ સરકારે ૨૦૧૮માં સરકાર બરખાસ્ત કરી અને એ પછી ક. ૩૭૦ નાબૂદ કરવાનું હિંમતભર્યું પગલું લીધું. કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં ઓટ આવી છે. પથ્થરબાજી બંધ થઈ છે. કોઈ મોટી ઘટના બનતી અટકી છે છતાં ચૂંટણી કેમ નહીં? હા, જમ્મુમાં કેટલીક ઘટના બની એ ચિંતાજનક છે. પણ કોઈ સરકાર ના હોય તો કોઈ રાજ્ય આગળ કેમ વધી શકે? મહેબૂબા મુફ્તીની એટલી વાત સાચી છે કે, હવે આ રાજ્યમાં ચૂંટાયેલી સરકાર જરૂરી છે. સેનાની હાજરી ઘટતી જવી જોઇએ. પણ ઉલટાનું સેનાની વધુ કંપનીઓ મોકલવામાં આવી છે.

આજે ય અનેક લોકો નજરકેદ છે અથવા જેલમાં છે. હાઇકોર્ટમાં ૧૦૦૦ જેટલી હોબીયસ કોર્પસ અરજીઓ પડતર છે. અલગાવવાદી નેતાઓનું વર્ચસ તૂટયું છે. સૈયદ અલી શાહ ગિલાની હવે રહ્યા નથી . ભાજપ મુફ્તી અને અબ્દુલ્લા પરિવાર પર રાજકીય હુમલા કરે છે પણ ચૂંટણી ક્યારે? એનો જવાબ આપતો નથી. સીમાંકનનું બહાનું પણ હતું , પણ એનો અહેવાલ અપાઈ ગયો છે. છતાં ચૂંટણીની જાહેરાત થઈ નથી. ગૃહ મંત્રી અમિત શાહ કહે છે કે, ચૂંટણી થશે પણ ક્યારે એનો જવાબ મળતો નથી. આ વર્ષે આઠ રાજ્યોમાં ચૂંટણીઑ થવાની છે પણ એ યાદીમાં જમ્મુ કાશ્મીરનું નામ ઉમેરાયું નથી.

હિંદીનો વિરોધ ક્યાં સુધી?
તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ફરી એક વાર હિન્દી ભાષા સામે વિરોધ કર્યો છે. હિંદની દિવસ સંદર્ભે એમણે કહ્યું કે, મોદી સરકાર રાજ્યો પર હિન્દી થોપવાનો પ્રયત્ન કરે છે. એક રાષ્ટ્ર , એક ધર્મ , એક ચૂંટણી , એક પ્રવેશ પરીક્ષા , એક ભોજન અને એક સંસ્કૃતિની જેમ તેઓ એક ભાષા લાદી અને અન્ય ભાષા અને એની સાહિત્ય સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે. અમે એનો વિરોધ કરતાં રહીશું. દક્ષિણનાં રાજ્યોમાં હિંદીનો વિરોધ વર્ષોથી થતો આવ્યો છે. અને એ મુદે એક આંદોલન પણ ચાલ્યું હતું અને એ મુદો રાજકીય બની ગયો હતો. મોદી સરકાર હિન્દી રાષ્ટ્રભાષા છે અને એનો વ્યાપક ઉપયોગ થાય એવો  ધરાવે છે. પણ દક્ષિણનાં રાજ્યોમાં એનો વિરોધ અટક્યો નથી.

દક્ષિણની ફિલ્મો હિન્દીમાં ડબ થઈ બહુ ચાલી એ મુદો પણ ભાષા સાથે ભળી ગયો હતો. સ્ટાલિન કહે છે , જેને જે ભાષા ગમે એનો ઉપયોગ કરે પણ હિન્દી અમારા પર થોપવામાં આવશે એનો વિરોધ અમે કરતાં રહીશું. એમણે પૂર્વ મુખ્યમંત્રી અન્નાદુરાઈને યાદ કરી કહ્યું કે, એમણે દ્વિભાષી નીતિ  અમલી બનાવી અને એનો ફાયદો થયો. અને  એ ભાષા શહીદોને ભૂલવાના નથી. હિન્દી રાષ્ટ્રભાષા છે ,એનો સ્વીકાર થવો જોઈએ. હા, બીજી ભાષાઓ પણ જીવતી રહે એ ય આવશ્યક છે. પણ વિરોધ ખાતર વિરોધ અયોગ્ય છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top