નવસારી : વિજલપોરના વ્યાજખોરે યુવાન પાસેથી વ્યાજ (Interest) વસુલ્યા બાદ ચેક બાઉન્સ કરી માનસિક હેરાન કરતા યુવાને વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી. મળતી માહિતી મુજબ સુરત કીમ દરગાહની સામે રોયલ રેસીડન્સી અને હાલ વિજલપોર નગરપાલિકા પાછળ પ્રભાકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા નાસીરભાઈ દિનમોહંમદ શેખે વિજલપોરમાં રહેતા વિપુલ કાનજીભાઈ રબારીને મળી 5 લાખ રૂપિયાની જરૂર હોવાનું જણાવ્યું હતું. જેથી વિપુલભાઈએ નાસીરભાઈને તમારા મકાનનું સાટાખત કરવું પડશે તેમ જણાવતા નાસીરભાઈએ વકીલ મારફતે સાટાખત લખાણ કરી વિપુલભાઈએ 5 લાખ રૂપિયા આપ્યા હતા. જે રૂપિયાનું 5 ટકા લેખે 25 હજાર રૂપિયા દર મહીને વ્યાજ ચુકવતા હતા.
પરંતુ કોરોના દરમિયાન નાસીરભાઈ પૈસા ચૂકવી શક્યા ન હતા. જેથી વિપુલભાઈએ નાસીરભાઈએ આપેલો કોરો ચેક ખાતામાં નાંખી ચેક બાઉન્સ કરાવ્યો હતો. ત્યારબાદ વિપુલભાઈએ વકીલ મારફતે નાસીરભાઈને નોટિસ મોકલી માનસિક ત્રાસ આપતા નાસીરભાઈએ જલાલપોર પોલીસ મથકે વિપુલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. એન.એમ. આહિરે હાથ ધરી છે.
મરોલી પોલીસ મથકે વ્યાજખોર વિરુદ્ધ 2 ગુના નોંધાયા
જલાલપોરના મરોલી બજાર પ્રગતિનગરમાં રહેતા કૃણાલ દીપકભાઈ રાઠોડે નવસારી રૂસ્તમવાડી શિવજી મંદિર સામે રહેતા સુરજભાઈ ગણેશભાઈ કાનકાટે પાસે તેમની એકટીવા મોપેડ (નં. જીજે-21-બીબી-7453) ગીરવે મૂકી 13 હજાર રૂપિયા 12 ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ કૃણાલે વ્યાજ સાથે 17,680 રૂપિયા નહીં ચુકવાતા સુરજભાઈએ મોપેડ વેચી દેવાની ધમકી આપી વ્યાજના રૂપિયાની માંગણી કરી હેરાન કરી રહ્યો હતો. જેથી કૃણાલે મરોલી પોલીસ મથકે સુરજભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. લાડુમોરેએ હાથ ધરી છે.
વિજલપોરના અલકાપુરી સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ લલ્લુભાઈ પટેલે મરોલી બજાર જીનેન્દ્ર કોમ્પ્લેક્ષમાં રહેતા રાકેશભાઈ ગીરધરીલાલ ગુપ્તા પાસેથી 25 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. જેથી હર્ષદભાઈએ વ્યાજ સાથે 90 હજાર ચૂકવી દીધા હોવા છતાં રાકેશભાઈ તેમની પાસેથી 25 હજાર રૂપિયા વ્યાજની રકમ સાથે માંગી ઝઘડો કરી ધમકી આપતો હતો. જે બાબતે હર્ષદભાઈએ મરોલી પોલીસ મથકે રાકેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. લાડુમોરેએ હાથ ધરી છે.