થોડા દિવસ પહેલાં આપણે સમાચાર વાંચ્યા હતા કે પાકિસ્તાનમાં ઘઉંના લોટનો ભાવ ૧૬૦ રૂપિયે કિલોગ્રામ પર પહોંચી ગયો છે. જો ભારત સરકાર તેની અન્ન નીતિ નહીં બદલે તો ટૂંક સમયમાં ભારતમાં પણ તેવી પરિસ્થિતિ પેદા થાય તેવી તમામ સંભાવના છે. ભારત સરકાર છેલ્લાં ત્રણ વર્ષથી ૮૦ કરોડ ગરીબોને મહિને પાંચ કિલો લેખે મફતમાં અનાજ આપી રહી છે, જેને કારણે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનાં ગોદામો ખાલી થઈ રહ્યાં છે. બીજી બાજુ દેશમાં અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ત્રીજી બાજુ ખુલ્લા બજારમાં અનાજના ભાવો વધી જવાને કારણે સરકાર દ્વારા અનાજપ્રાપ્તિના જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા, તેના કરતાં ઓછું અનાજ સરકાર ખરીદી રહી છે. જો હવે એકાદ ચોમાસું પણ નબળું જાય તો ભારતમાં પણ ભૂખમરાની હાલત પેદા થઈ શકે છે.
ભારત સરકારના પ્રાઇસ મોનિટરિંગ સેલના આંકડાઓ કહે છે કે મંગળવારે ઘઉંનો સરેરાશ છૂટક ભાવ ૩૩.૩ રૂપિયા પર પહોંચ્યો હતો, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૭.૬ ટકા જેટલો ઊંચો છે અને પાંચ વર્ષમાં તેમાં ૪૦.૩ ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે મંગળવારે ઘઉંનો આટો ૩૭.૮ રૂપિયાના ભાવે વેચાતો હતો, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૯.૮ ટકા જેટલો ઊંચો છે અને તેમાં પાંચ વર્ષમાં ૪૪.૨ ટકાનો વધારો થયો છે. જો ઘઉંના અને આટાના ભાવોમાં આ ઝડપે વધારો ચાલુ રહેશે તો ગરીબો માટે ખુલ્લા બજારમાંથી ઘઉં અને આટો ખરીદવાનું મુશ્કેલ બની જશે.
સરકાર દ્વારા ઘઉંની ખરીદી માટે જે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે તે ક્વિન્ટલના ૨,૦૧૫ રૂપિયા છે, પણ મંડીઓમાં ઘઉંના ભાવો તેના કરતાં ક્યાંય ઊંચા છે. આંકડાઓ કહે છે કે મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં તેના કરતાં ૪૪ ટકા ઊંચા ભાવે ઘઉં વેચાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના શિહોરમાં ઘઉંનો ભાવ ૨,૯૦૦ રૂપિયે ક્વિન્ટલ પર પહોંચ્યો હતો. જો સરકાર ટેકાના ભાવોમાં વધારો જાહેર નહીં કરે તો ઘઉંની પ્રાપ્તિમાં મુસીબત પેદા થવાની સંભાવના છે.
બજારમાં ઘઉંના જે ભાવો ચાલતા હોય તેના કરતાં સરકાર દ્વારા ટેકાના ભાવો વધુ જાહેર કરાતા હોવાને કારણે કિસાનો સરકારને જ ઘઉં વેચવાનું પસંદ કરતા હોય છે, જેને કારણે સરકારના ઘઉંના ભંડારો છલકાઈ જતા હોય છે. જો કે ૨૦૨૧-૨૨માં જથ્થાબંધ બજારમાં ઘઉંના ભાવો ઊંચા રહેવાને કારણે કિસાનોએ તેમના ઘઉં ખુલ્લા બજારમાં વધુ વેચ્યા હતા, જેને કારણે સરકારના લક્ષ્યાંક કરતાં ૫૬ ટકા ઓછા ઘઉંની ખરીદી જ થઈ શકી હતી. એક બાજુ ઘઉંની ખરીદી ઘટી હતી અને બીજી બાજુ ગરીબોને મફત અનાજ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું, જેને કારણે ફુડ કોર્પોરેશનનાં ગોદામોમાં ઘઉંનો જથ્થો તેના તળિયે પહોંચી ગયો છે. ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં સરકારનાં ગોદામોમાં ૩.૩ કરોડ ટન ઘઉંનો જથ્થો હતો, તેની સરખામણીમાં આ વર્ષના જાન્યુઆરીમાં તે જથ્થો ઘટીને ૧.૭૨ કરોડ ટન પર પહોંચી ગયો છે. જાન્યુઆરી મહિનામાં ઘઉંના બફર સ્ટોકની મર્યાદા ૧.૩૮ કરોડ ટન જેટલી છે. બીજી બાજુ બજારમાં ઘઉંના વધતા ભાવોને નિયંત્રણમાં રાખવા સરકાર ૨૦ લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચવાની તૈયારી કરી રહી છે, જેને કારણે ઘઉંના જથ્થામાં ઔર ઘટાડો થશે. શિયાળુ પાક બજારમાં આવવાને હજુ બે મહિનાની વાર છે. તે જોતાં સરકાર દ્વારા ઘઉંનો જથ્થો ખાલી કરાશે તો બફર સ્ટોકનું તળિયું દેખાઈ જશે.
ભારતનાં બજારોમાં ઘઉંના ભાવો વધી રહ્યા છે તેની પાછળ સરકારની ભૂલભરેલી નીતિ જવાબદાર છે. ગયા વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન ઓછું હતું તો પણ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વિશ્વ બજારોમાં ઘઉંની પેદા થયેલી તંગીનો લાભ લેવા સરકાર દ્વારા વિદેશી કંપનીઓના દબાણ હેઠળ ઘઉંની નિકાસ કરવાની છૂટ આપવામાં આવી તેના પગલે સ્થાનિક બજારોમાં ઘઉંના ભાવોમાં અચાનક ઉછાળો આવ્યો હતો. ૨૦૨૧માં ભારતમાં ઘઉંનું ઉત્પાદન ૧૦.૯૬ કરોડ ટન હતું, જેની સરખામણીમાં ૨૦૨૨માં ઉત્પાદન ઘટીને ૧૦.૬૮ કરોડ ટન પર પહોંચી ગયું હતું. એક વર્ષમાં ઉત્પાદનમાં ૨૮ લાખ ટનનો ઘટાડો થયો હતો. તેમ છતાં સરકારે ઘઉંની નિકાસની છૂટ આપતાં સ્થાનિક બજારોમાં ભાવો વધી જતાં સરકારે નિકાસ પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.
ખેડૂતો દિવાળી પછી ઘઉંની વાવણી કરતા હોય છે અને માર્ચ-એપ્રિલ મહિનામાં નવા ઘઉં બજારમાં આવતા હોય છે. આ વર્ષે કિસાનો પોતાના ઘઉં વેચીને બેસી ગયા છે, વેપારીઓ પાસેનો સ્ટોક ખૂટવા આવ્યો છે અને નવા ઘઉં બજારમાં આવવાને હજુ બે મહિનાની વાર છે, જેને કારણે છૂટક બજારમાં ઘઉંના ભાવોમાં આશરે ૨૦ ટકા રેકોર્ડ ઉછાળો જોવા મળી રહ્યો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે પછી ઘઉંની આયાત-નિકાસ કરતી જાયન્ટ મલ્ટિનેશનલ કંપનીઓ જગતમાં અનાજની અછત પેદા કરીને માતબર નફો રળવાની તક શોધી રહી હતી. આ કારણે તેમણે વિવિધ દેશોમાંથી ઘઉંની ખરીદી કરીને તેનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું તેને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘઉંના ભાવો ઊંચકાઈ ગયા હતા.
આ તેજીનો લાભ લઈને ભારતની કેટલીક કંપનીઓએ પણ નફો રળવા ઘઉંના વેપારમાં ઝંપલાવી દીધું હતું. ભારતમાંથી ઘઉંની નિકાસના મોટા મોટા ઓર્ડર મળતાં ભારતના બજારમાં ઘઉંના ભાવો ઊંચકાઈ ગયા હતા. ખાનગી વેપારીઓ દ્વારા કિસાનોને વધુ ભાવ મળતા હોવાથી સરકારની ખરીદી ખોરવાઈ ગઈ હતી. સરકારે ૪.૪ કરોડ ટન ખરીદીનો જે અંદાજ માંડ્યો હતો તે ઘટાડી કાઢવો પડ્યો હતો. સરકાર એક બાજુ ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ આપી રહી છે તો બીજી બાજુ કિસાનો સરકારને ઘઉં વેચવા તૈયાર નથી, કારણ કે ખુલ્લા બજારમાં તેમને વધુ કિંમત મળે છે.
આ કારણે સરકારના અનાજના ભંડારો ખાલી થઈ રહ્યા છે. ગયા વર્ષે સરકારી ગોદામમાં ૭.૦૬ કરોડ ટન ઘઉંનો જથ્થો હતો. તેમાંથી આ વર્ષના પ્રારંભે ૧. ૯ કરોડ ટન ઘઉં બચ્યા હતા. તેની સરખામણીમાં અગાઉના વર્ષના પ્રારંભે ૨.૭૩ કરોડ ટન ઘઉં વધ્યા હતા. તેમાં ૪. ૪ કરોડ ટનની ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે ૧. ૯૫ કરોડ ટન ઘઉંની ખરીદી કરવામાં આવે તો પણ કુલ જથ્થો ૩.૮૫ કરોડ ટન જ થાય તેમ છે. ગયા વર્ષના ૭. ૦૬ કરોડ ટનના સ્ટોક કરતાં આ જથ્થો લગભગ અડધો છે.
સરકાર પાસે જે ૩. ૮૫ કરોડ મેટ્રિક ટન ઘઉંનો સ્ટોક હશે તેમાંથી ૮૫ લાખ મેટ્રિક ટન તેણે કટોકટીની પરિસ્થિતિ માટે અનામત રાખવાના હોય છે. બાકીના ત્રણ કરોડ ટન ઘઉં જ સરકારી યોજનાઓમાં વિતરણ માટે પ્રાપ્ય બનશે. સરકારને સસ્તા અનાજની દુકાનો માટે જ ૨. ૬ કરોડ મેટ્રિક ટન ઘઉંની જરૂર રહે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે તેને સપ્ટેમ્બર મહિના સુધીમાં બીજા એક કરોડ ટન ઘઉંની જરૂર પડશે.
સરકારે ૨૦૨૦-૨૧માં આ યોજના હેઠળ ૧. ૦૩ કરોડ ટન અને ૨૦૨૧-૨૨માં ૧. ૯૯ કરોડ ટન ઘઉંનું મફતમાં વિતરણ કર્યું હતું. સરકાર પાસે ચાલુ વર્ષે પર્યાપ્ત માત્રામાં ઘઉંનો જથ્થો ન હોવાથી ચોખાનું વિતરણ કરવાની વિચારણા ચાલી રહી છે. જો ચાલુ વર્ષે ચોમાસું નબળું જાય તો સરકારે ગરીબોને મફત અનાજ આપવાનું બંધ કરવું પડશે. ખુલ્લા બજારમાં ઘઉંના ભાવો વધી ગયા હોવાથી ગરીબો મોંઘા ભાવે ઘઉં ખરીદી શકશે નહીં. આ સંયોગોમાં ભારતમાં પણ પાકિસ્તાન જેવી હાલત પેદા થવાનો ડર ડોકિયાં કરી રહ્યો છે.