SURAT

એર ઈન્ડિયાની સુરત-દિલ્હીની ફ્લાઈટ માર્ચથી બંધ થવાના મેસેજથી ચિંતા

સુરત: સુરતવાસીઓ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરવાના સપના જોઈ રહ્યાં છે ત્યારે ડોમેસ્ટીક ફ્લાઈટ પણ નિયમિત ઉડાન નહીં ભરે તેવા સમાચાર આવતા મોટો ઝટકો લાગ્યો છે. મળતી જાણકારી અનુસાર એરઈન્ડિયા (Air India) કંપનીએ સુરત-દિલ્હી (Surat Delhi Flight) વચ્ચે ઉડતી સાંજની ફ્લાઈટનું બુકિંગ લેવાનું બંધ કર્યું છે અને આગામી તા. 8મી માર્ચથી આ ફ્લાઈટ બંધ કરે તેવી શક્યતાઓ બની છે. સુરત એરપોર્ટને 24 કલાક ધમધમતું કરવા માટે સતત લડત ચલાવતા શહેરના જાગૃત નાગરિકોને આ સમાચારથી મોટો ઝટકો લાગ્યો છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સાથેની સીમલેસ કનેક્ટિવીટીમાં મુશ્કેલી સર્જાશે તેવી ચિંતા ઉદ્દભવી છે.

મળતી માહિતી અનુસાર એર ઈન્ડિયા દ્વારા પહેલાં તબક્કામાં દિલ્હી-સુરતની સવારની ફલાઇટ બંધ કરવામાં આવ્યા બાદ હવે કંપની આગામી તા. 8મી માર્ચથી સાંજની એરઇન્ડિયાની દિલ્હી-સુરત-દિલ્હી ફલાઇટ બંધ કરવા જઈ રહી છે. આગામી તા. 8 માર્ચથી કંપની દ્વારા સુરત સેક્ટર તેની જ અન્ય કંપની એર એશિયાના હવાલે મૂકવામાં આવ્યું હોવાના લીધે એરઈન્ડિયા દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જો કે હાલ પ્રાપ્ત માહિતી અનુસાર 2023ના સમર શિડયુઅલમાં પણ એર ઇન્ડિયાએ દિલ્હી-સુરત-દિલ્હીની સાંજની દિલ્હી-સુરત-દિલ્હી ફલાઇટનું બુકિંગ લેવાનું બંધ કર્યું છે. જે કારણોસર હવે સુરતના મુસાફરોને એરઈન્ડિયા અને સ્ટાર એલાયન્સની ઇન્ટનેશનલ કનેક્ટિવિટીની ચોક્કસપણ ખૂબ મોટી ખોટ ઊભી થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે એર એશિયા થકી ઇન્ટનેશનલ સીમલેસ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે પરંતુ એ માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે.

સુરત એરપોર્ટની કનેક્ટીવીટી માટે લડત લડીને તમામ સ્તરના પ્રયાસોથી સુરતના મુસાફરો સુરતથી ફ્લાય કરતા થયા હતા એ ટ્રેન્ડ ફરીથી તૂટવાની પૂરેપૂરી સંભાવના છે. છેલ્લે બંધ થયેલી AI 489/490 એ એક ઐતિહાસિક ફલાઇટ છે જેને મેળવવા માટે સુરત ના સાંસદે 3 કરોડ ની બેંક ગેરંટી એરઈન્ડિયામાં જમા કરાવવાની વ્યવસ્થા કરી હતી. 2015માં શરૂ થયેલી અને ખૂબ સારા પ્રતિસાદ વાલી અને એર કનેક્ટીવીટી માટે ખૂબ જ મહત્વની ફ્લાઇટ ગુમાવવાનો સમય હાલ આવ્યો છે.

નાસીપાસ થવાની જરૂર નથી, અન્ય વિકલ્પ મળશે
સુરત એરપોર્ટ 24 કલાક ધમધમતું રહે તે માટે છેલ્લાં દોઢ દાયકા કરતા વધુ સમયથી લડત ચલાવનારા આશાવાદી છે. મનોજ સિંગાપુરીના જણાવ્યા અનુસાર સુરત એરપોર્ટ પર નવા 6 પાર્કિગ ઉપયોગમાં લેવાની મંજૂરી મળશે ત્યાર બાદ ચિત્ર બદલાશે. હાલ નાસીપાસ થવાની જરૂર નથી. ઈન્ટરનેશનલ ટ્રાવેલ કરતા સુરતના પેસેન્જર સુરતથી દિલ્હી ફ્લાઈટમાં જવાનું પસંદ કરતા હોય તેથી એરઈન્ડિયાની ફ્લાઈટનો વિકલ્પ આપવા એરલાઈન્સ કંપનીઓ પર ટિકીટ એજન્ટો દ્વારા દબાણ ઉભું કરાતું જ હોય ટૂંક સમયમાં તેનો વિકલ્પ મળશે અને ફરી એકવાર સુરત એરપોર્ટ પર એર ટ્રાફિક વધશે. તમને જણાવી દઈએ કે 2022ના કેલેન્ડર યરમાં સુરત એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક 12,11,800 લાખ રહ્યો હતો, જેમાં ડોમેસ્ટીક પેસેન્જરની સંખ્યા 11, 82,375 જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યા 29,425 રહી હતી. માસિક સરેરાશ 1,00,983 રહી હતી.

શારજાહ પછી સુરતને રસ-અલ-ખૈમાની ફ્લાઇટ મળવાની શક્યતા
ભારતની સૌથી સફળ ડોમેસ્ટિક એરલાઈન્સ એ એના ઇન્ટરનેશલ ફ્લાઈટ શિડ્યુલમાં સુરતને સામેલ કરવા સાથે સમર શિડ્યુલમાં દુબઇથી બાયરોડ એક કલાકના અંતરે 100 કિલોમીટર દૂર આવેલા રસ અલ ખૈમા એરપોર્ટને જોડતી ઇન્ટરનેશનલ ફ્લાઈટ માટે સુરત એરપોર્ટ ઓથોરિટી અને એએઆઈના વેસ્ટર્ન રિજયન પાસે સ્લોટની મંજૂરી માંગી છે. આ ફ્લાઈટ માટે સુરતમાં રાતે સ્લોટ ઉપલબ્ધ હોવાનો અભિપ્રાય પણ આપી દેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ સમર શિડ્યુલમાં સુરત-શારજાહ ફ્લાઇટ ડેઇલી થશે. જો કે, બીજી ખાનગી એરલાઈન્સ સુરતથી રસ અલ ખૈમા માટે સપ્તાહમાં કેટલા દિવસ ફ્લાઈટ ઓપરેટ કરશે એ હજી નક્કી નથી. શક્યતા એવી છે કે, એરઇન્ડિયા એક્સપ્રેસ જો ફલાઇટ ડેઇલી ન કરે તો બાકીના દિવસો રસ અલ ખૈમાની ફ્લાઇટના દિવસો નક્કી થઈ શકે છે. એ રીતે સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને દુબઇ જવા બીજો વિકલ્પ મળશે. શારજાહ-સુરત ફ્લાઇટને અત્યારે સપ્તાહમાં ત્રણ દિવસમાં 2800થી 3000 પેસેન્જર મળી રહ્યા છે.

Most Popular

To Top