નવસારીઃ પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં દબદબાભેર થઈ રહી છે, પરંતુ ક્યારેક ઉજવણીના ઉન્માદમાં અતિરેક થઈ જાય તો શરમમાં પણ મુકાવાનું થાય છે. રાજકોટમાં એક મહિલા કોન્સ્ટેબલ બાઈક પર સ્ટંટ કરી રહ્યાં હતાં ત્યારે બાઈક સ્લીપ થઈ જતા પડ્યા તો બીજી તરફ નવસારીમાં એક મહિલા કોર્પોરેટર શરમમાં મુકાયા છે. આ મહિલા કોર્પોરેટર સયાજીરાવનું સન્માન કરવા ગયા અને પોતે ધડામ દઈને જમીન પર પટકાયા છે.
- નવસારીના મહિલા કોર્પોરેટરો સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનું સન્માન કરવા જતા પોતે શરમમાં મુકાયા
- બે મહિલા કોર્પોરેટરોનું વજન લાકડાની સીડી ઝીલી નહીં શકી અને વચ્ચેથી તૂટી ગઈ
- વોર્ડ નં. ૪ના મહિલા કોર્પોરેટર કલ્પના રાણાને ૩ ફ્રેક્ચર, છાયા દેસાઈને સામાન્ય ઈજા
- પાલિકા દ્વારા બગીચા, પ્રતિમાઓનું મેઈન્ટેનન્સ કરાતું નહીં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
આ ઘટના આજે તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ની સવારે નવસારી શહેરમાં બની છે. અહીંના ફુવારા પાસે આવેલા જ્યુબિલી ગાર્ડન નજીક મહારાજા સયાજીરાવ ગાયકવાની એક પ્રતિમા આવેલી છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા માટે બે મહિલા કોર્પોરેટર પહોંચ્યા હતા. સયાજીરાવની પ્રતિમા ઊંચી હોય ત્યાં સુધી પહોંચવા મહિલા કોર્પોરેટરે લાકડાની સીડીની મદદથી પ્રતિમા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે શક્ય નહીં બન્યું. બંને મહિલા કોર્પોરેટર ચઢ્યા અને તેમનું વજન લાકડાની જર્જરીત સીડી ઊંચકી શકી નહીં, પરિણામે બંને મહિલા કોર્પોરેટરો ધડામ દઈને જમીન પર પટકાયા હતા. આ આકસ્મિક દુર્ઘટનામાં નવસારીના વોર્ડ નં. ૪ના મહિલા કોર્પોરેટર કલ્પના રાણાના પગના અંગુઠા સહિત ૩ ફ્રેક્ચર થયા હતાં. આ ઉપરાંત વોર્ડ નં. ૭ના કોર્પોરેટર છાયાબેન દેસાઈને પણ સામાન્ય ઈજા થઈ હતી.
તમને જણાવી દઈએ કે નવસારી શહેરને સુંદર બનાવવા માટે સુરત શહેરની જેમ જ ઠેરઠેર સર્કલ બનાવવામાં આવ્યા છે. આ સર્કલની અંદર ક્રાંતિકારી નેતાઓની પ્રતિમા મુકવામાં આવી છે. પ્રજાસત્તાક, સ્વાતંત્ર્ય દિન હોય ત્યારે આ નેતાઓને યાદ કરી તેમની પ્રતિમાનું ફૂલહાર પહેરી સન્માન કરાતું હોય છે. બાકીના દિવસો દરમિયાન ગાર્ડન, પ્રતિમા અને આસપાસ મુકવામાં આવેલી સીડીઓ મેઈનટેનન્સના અભાવે જર્જરીત થઈ જતી હોય છે. જર્જરીત લાકડાની સીડીના લીધે જ આજે નવસારીની બે મહિલા કોર્પોરેટરો જમીન પર ધડામ દઈને પટકાઈ હતી.
આ ઘટના અંગે કોંગ્રેસના સભ્ય પિયૂષ ઢીમ્મરે કહ્યું કે, મેઈન્ટેનન્સના અભાવે આ ઘટના બની છે. પાલિકાને અનેકોવાર રજૂઆત કરવામાં આવી પણ કોઈ સાંભળતું નથી. પાલિકાની બેદરકારીના લીધે જ બે મહિલા કોર્પોરેટરો અકસ્માતનો ભોગ બની હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. ઢીમ્મરે કહ્યું કે, પાલિકા મહાન નેતાઓની પ્રતિમાની, ગાર્ડનની કાળજી રાખતી નથી.