26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવી હતી. ઉજવણીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ હાજર રહ્યાં હતાં. રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપ્યા બાદ ગુજરાત પોલીસની અલગ અલગ કેડરના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. ખાસ કરીને બાઈક સ્ટંટ તેમજ અશ્વ અને ડોગના કરતબ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
બોટાદના ખોડિયાર હળદડ રોડ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા તેમજ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિત અન્ય રાજકીય આગેવાનો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ અવસર પર વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરી દેશભક્તિની થીમ પર અલગ અલગ ડાન્સ રજૂ કરાયા.
G20 કાર્યક્રમ અંતર્ગત ‘વસુધૈવ કુટુમ્બકમ’ સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ – ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા – એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.