Business

હાલમાં અર્થતંત્રની ચોક્કસ ગતિ સમજવી મુશ્કેલ છે

બજેટ નજીક આવી રહ્યું છે ત્યારે દેશના અર્થતંત્રની સ્થિતિ અંગેની ચર્ચાઓ ફરી જોર પકડશે. કોવિડ-૧૯નો રોગચાળો વર્ષ ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં વિશ્વના અન્ય દેશોની સાથે ભારતમાં પણ શરૂ થયો તે પહેલાથી જ દેશમાં મંદીના વાયરા શરૂ થઇ ગયા હતા. કોવિડના રોગચાળાના પ્રારંભે સખત લૉકડાઉન દેશભરમાં લાદવું પડ્યું તેનાથી અર્થતંત્રને વધુ મોટો આંચકો લાગ્યો. લૉકડાઉન ઉઠાવી લેવાયા બાદ પણ અન્ય નિયંત્રક પગલાઓ લાંબા સમય સુધી ચાલુ રાખવા પડ્યા, જો કે તે ક્રમશ: હળવા કરાતા ગયા. લૉકડાઉન ઉઠાવાયા પછી અર્થતંત્રમાં ધીમે ધીમે રિકવરી આવવા માંડી ખરી પરંતુ રોગચાળાની બીજી લહેર આવી અને તેમાં ઘણુ ખોરવાયું.

સ્થિતિ સુધરતી અને બગડતી રહી, અર્થતંત્ર પર અન્ય પરિબળો પણ અસર કરી રહ્યા હતા. ૨૦૨૨ના વર્ષના ફેબ્રુઆરી માસમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું, જેણે રોગચાળા પછી બેઠા થઇ રહેલા વિશ્વના અર્થતંત્રને ફરી એક મોટો આંચકો આપ્યો. ભારત સહિતના એશિયન દેશો પર આ યુદ્ધની અસર ઓછી થઇ, પરંતુ થઇ તો ખરી જ. ભારતીય અર્થતંત્રનો પાયો જો કે મજબૂત છે અને વિશાળ વસ્તીને કારણે અને અન્ય અર્થતંત્રો પર તે ઓછું આધારિત હોવાને કારણે વૈશ્વિક આંચકાઓથી ઘણે અંશે બચેલુ રહે છે પરંતુ સંપૂર્ણ અલિપ્ત રહી શકતું નથી, રહી શકાય તેવી સ્થિતિ પણ આજે નથી. ઘરઆંગણેની કેટલીક મુશ્કેલીઓ પણ આપણા અર્થતંત્રને અસર કરી રહી છે.

યુદ્ધ શરૂ થયા પછી ફુગાવાની સમસ્યા ભારતીય અર્થતંત્રને પણ ઘણી પરેશાન કરતી હતી અને ફુગાવા એટલે કે મોંઘવારીને અંકુશમાં રાખવા માટે રિઝર્વ બેન્કે અનેક વખત તેના રેપો રેટમાં વધારો કરવો પડ્યો. સતત ઉંચે રહેતો ફુગાવાનો દર છેક ૨૦૨૨ના વર્ષના અંતભાગે કંઇક નીચે આવ્યો ખરો. છૂટક ફુગાવો ડિસેમ્બર ૨૦૨૨માં એક વર્ષના નીચા એટલા પ.૭૨ ટકાના દરે પહોંચ્યો હતો જે મુખ્યત્વે શાકભાજીઓની ઘટેલી કિંમતોને કારણે બન્યું છે એમ જાન્યુઆરીમાં જારી થયેલા સત્તાવાર આંકડાઓ પરથી જાણવા મળ્યું હતું, જ્યારે કે સત્તાવાર આંકડાઓ જણાવતા હતા કે નવેમ્બરમાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસ વધીને પાંચ મહિનાના ઉંચા ૭.૧ ટકાના દરે પહોંચ્યો છે. આમ જોવા જાવ તો આ બેવડા આનંદની સ્થતિ છે પરંતુ દેશનો આર્થિક વિકાસ ધીમો પડ્યો છે અને તે ચાલુ વર્ષ વિશ્વનું સૌથી વધુ ઝડપે વિકસતું અર્થતંત્ર રહેશે નહીં એવા પણ સંકેતો છે અને ભારતની વેપાર ખાધ નાણાકીય ખાધ તો ઉંચી રહી જ છે.

ગ્રાહક ભાવસૂચક આંક(સીપીઆઇ) કે જે સતત બીજા મહિને ૬ ટકાના કમ્ફર્ટ ઝોનની અંદર રહ્યો છે તેણે રિઝર્વ બેન્કને તેના દર વધારાને અટકાવવાનો વધુ અવકાશ આપ્યો છે જે દર વધારો ગયા વર્ષના મે મહિનાથી થઇ રહ્યો છે. આરબીઆઇને કેન્દ્ર સરકારે ફુગાવો ૬ ટકાની અંદર રાખવાનું કામ સોંપ્યું છે. આમ તો તેને ફુગાવો કે મોંઘવારીનો દર ૪ ટકા પર બંને બાજુએ બે-બે ટકાના માર્જીન સાથે રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે એટલે કે છ ટકાની અંદરનો ફુગાવો એ કમ્ફર્ટ ઝોનની અંદરનો ફુગાવો ગણવામાં આવે છે. છૂટક ફુગાવાનો દર નવેમ્બર ૨૦૨૨માં પ.૮૮ ટકા હતો, ત્યારે તે લાંબા સમય પછી કમ્ફર્ટ ઝોનની અંદર આવ્યો હતો. ગત વર્ષના ડિસેમ્બર માસ પહેલા તે અગાઉનો નીચો દર ડિસેમ્બર ૨૦૨૧માં પ.૬૬ ટકા હતો.

જો કે ૨૦૨૨ના વર્ષની શરૂઆતથી છૂટક મોંઘવારીનો દર વધવા માંડ્યો હતો. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફીસ(એનએસઓ) દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ ડીસેમ્બરમાં ફૂડ બાસ્કેટમાં ફુગાવો ૪.૧૮ ટકા હતો જેની સામે નવેમ્બરમાં તે ૪.૬૭ ટકા હતો. શાકભાજીની બાબતમાં ફુગાવો વાર્ષિક ધોરણે ૧પ ટકા જેટલો ઘટ્યો છે. તેલ, ઘી વગેરેના ભાવો પણ ઘટ્યા છે પરંતુ અનાજના ભાવમાં ૧૪ ટકા જેટલો વધારો નોંધાયા છે જયારે ઇંધણ અને વિજળીના ભાવોમાં વર્ષો વર્ષના ધોરણે ૧૧ ટકાનો વધારો દેખાયો છે.

બીજી બાજુ, મેન્યુફેકચરિંગ સેકટરના બહેતર દેખાવને ટેકે નવેમ્બરમાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર પાંચ મહિનાના ઉંચા એવા ૭.૧ ટકાના દરે પહોંચ્યો છે. જેના વડે ફેકટરીઓમાંથી બહાર પડતું ઉત્પાદન માપવામાં આવે છે તે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડકશન(આઇઆઇપી) આ પહેલા ઓકટોબરમાં ૪.૨ ટકાના દરે સંકોચાયો હતો. આ પહેલાનો આનો ઉંચો દર જૂન ૨૦૨૨માં ૧૨.૬ ટકાનો નોંધાયો હતો, એટલે કે નવેમ્બરમાં તેણે પાંચ મહિનાનો ઉંચો દર બનાવ્યો છે. આંકડાઓ મુજબ કેપિટલ ગુડ્સ એટલે કે મૂડી સામાનના ઉત્પાદનમાં મોટો વધારો નોંધાયો છે અને તેના વિકાસ દરમાં નવેમ્બર મહિનામાં ૨૦.૭ ટકાનો પ્રભાવશાળી વધારો નોંધાયો છે. જયારે કે ગ્રાહક વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં પ.૧ ટકાનો વધારો નોંધાયો છે.

આ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધભાગમાં ભારતનો જીડીપી વિકાસદર ૯.૭ ટકા રહ્યો, જે એક વર્ષ અગાઉ ૧૩.૭ ટકા હતો. આ નાણાકીય વર્ષ માર્ચમાં પુરુ થશે અને એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં જીડીપી વિકાસ દર વધુ ઘટશે એવો અંદાજ છે. ભારત વિશ્વનું સૌથી વધુ ઝડપે વિકસતું અર્થતંત્ર બન્યું હતું પરંતુ તે હવે સાઉદી અરેબિયાની પાછળ થઇ જાય અને બીજા ક્રમનું વિકસતું અર્થતંત્ર બને તેવો અંદાજ છે. સામાન્ય વ્યક્તિને સ્પર્શતી બેરોજગારી જેવી સમસ્યાઓ ચાલુ જ છે. ટૂંકમાં અર્થતંત્રની ગતિ હાલમાં સમજવી મુશ્કેલ છે.

Most Popular

To Top