Gujarat

જાણીતા આર્કિટેક્ટ ડૉ. બી.વી. દોશીનું 95 વર્ષની વયે નિધન- વડાપ્રધાનએ શોકાંજલિ પાઠવી

અમદાવાદ: ગુજરાતના (Gujarat) જાણીતા આર્કિટેક્ચર ડૉ. બી.વી. દોષીનું આજે 95 વર્ષની ઉંમરે નિધન (Death) થયું છે. આર્કિટેક્ચરની દુનિયામાં બીવી દોશી ખૂબ જ જાણીતું નામ છે. આઇઆઇએમ અમદાવાદ, અમદાવાદની ગુફા, સેપ્ટ યુનિવર્સિટી સહિત દેશની જાણીતી ઈમારતો બનાવવામાં મુખ્ય ભૂમિકા રહેલી છે. આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીએ વિશ્વકક્ષાએ જાણીતા આર્કિટેક્ટ લે કોબ્યુઝિયર અને લુઇસ કાહ્ન સાથે કામ કર્યું હતું. વર્ષ 2018માં આર્કિટેક્ટનાં સૌથી પ્રતિષ્ઠિત ‘પ્રિત્ઝકર આર્કિટેક્ટ પ્રાઈઝ’ મેળવી દેશને ગૌરવ અપાવ્યું હતું. તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

ડૉ. બી.વી. દોષી 2018માં, પિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઈઝ મેળવનાર પ્રથમ ભારતીય આર્કિટેક્ટ બન્યા હતા, જે આર્કિટેક્ચરના સૌથી પ્રતિષ્ઠિત ઈનામોમાંનું એક માનવામાં આવે છે. તેઓને 2022 માટે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટેક્ટ્સનો રોયલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. બી.વી. દોશીના તેમના અભ્યાસ દ્વારા ભારતીય અને અંગ્રેજી વારસાના પુનઃ એકીકરણ પરના કાર્યને 2007માં સસ્ટેનેબલ આર્કિટેક્ચર માટે વૈશ્વિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જે એવોર્ડની પ્રથમ આવૃત્તિ હતી. આ એવોર્ડ વૈકલ્પિક વિકાસ મોડલની દિશામાં દોશીના મહત્વપૂર્ણ પગલાને માન્યતા આપે છે.

નરેન્દ્ર મોદીએ જાણીતા આર્કિટેક્ટ ડૉ. બી.વી. દોશીના નિધન પર ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા આર્કિટેક્ટ ડૉ. બી.વી.દોશીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “ડૉ. બી.વી. દોશીજી એક તેજસ્વી આર્કિટેક્ટ અને એક નોંધપાત્ર સંસ્થાના નિર્માતા હતા. આવનારી પેઢીઓ સમગ્ર ભારતમાં તેમના સમૃદ્ધ કાર્યની પ્રશંસા કરીને તેમની મહાનતાની ઝલક મેળવશે. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

બાલકૃષ્ણ દોશીના નિધન પર કોંગ્રેસની શોકાંજલી
આઇઆઇએમ અમદાવાદ,અમદાવાદની ગુફા,સેપ્ટ યુનિવર્સિટી સહિત દેશની જાણીતી ઈમારતો બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર બાલકૃષ્ણ દોશીના નિધન પર કોંગ્રેસે શોકાંજલી પાઠવી હતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો,અસંખ્ય ચાહકોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી.

Most Popular

To Top