રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં અદાણી ફાઉન્ડેશન અને અદાણી વિલમર કંપનીના સંયુક્ત પ્રયાસથી “સુપોષણ” કાર્યક્રમની શરૂઆત તા.1 જુલાઇ-2018ના રોજ કરવામાં આવી હતી. આ “સુપોષણ” પ્રોજેક્ટ આખા ભારત દેશમાં 20 જેટલા વિસ્તારોમાં ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી પાંચ વર્ષથી નીચેનાં 42000થી વધુ બાળકોને લાભ આપ્યો છે. “સુપોષણ” પ્રોજેક્ટ અંતર્ગત કુપોષણ અને એનિમિયાને અટકાવવા વિવિધ જાગૃતિલક્ષી કામગીરી હાથ ધરવામાં આવે છે.
નર્મદા જિલ્લાના પાંચ તાલુકાનાં 500થી વધુ ગામમાં આ જ જિલ્લાની 215 બહેનો સુપોષણ સંગીની તરીકે સઘન કામગીરી કરી રહી છે. જેઓ ગ્રામ્ય સ્તરે આશા અને આંગણવાડી બહેનોને મદદ જેવી કામગીરી કરી રહ્યા છે. સરકારના આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ટી.એચ.આર. (માતૃશક્તિ) આપવામાં આવે છે. સુપોષણ સંગીની બહેનો અને સરકારના ના સઘન પ્રયત્નો અને મહેનતથી સારાં એવાં પરિણામો મેળવી શકાયાં છે. અત્યાર સુધી નર્મદા જિલ્લામાં 42405 બાળકોને પોષણના વિવિધ માપદંડના આધારે ચકાસ્યા છે. એ પૈકી 3000થી વધુ બાળકો અતિકુપોષિત મળી આવ્યાં છે. એ 3000 પૈકી પણ 1600 જેટલાં બાળકોને તો બાળ સંજીવની કેન્દ્રમાં વધુ દેખરેખ અને સારવાર માટે મોકલવામાં આવ્યાં છે. અત્યાર સુધી 23086 બાળકો કુપોષણમાંથી સ્વસ્થ થયાં છે. આ પરિણામો સરકારના, આઇસીડીએસ, આરોગ્ય સમુદાયના સહિયારા પ્રયત્નોને આભારી છે.
સરકારના આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ટી.એચ.આર. (માતૃશક્તિ) આપવામાં આવે છે. એ જ સામગ્રીથી અલગ અલગ પોષણયુક્ત વાનગીઓ કઈ રીતે બનાવી શકાય એની તાલીમ સંગીની બહેનો આપે છે. આદિવાસી વિસ્તારમાં ખોરાકમાં વૈવિધ્યતા નહીંવત હોય છે તેમજ દિવસમાં ખાવા માટેના સમયમાં વધારે અંતર જોવા મળે છે. એટલે માતા અને બાળકને જરૂરી પોષકતત્ત્વો મળી રહેતાં નથી. સુપોષણ સંગીની બહેનો સ્નેહ શિબિરમાં અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકો માટે બાળશક્તિમાંથી અલગ અલગ વાનગી 14 દિવસ સુધી માતાઓની હાજરીમાં જ બનાવવામાં આવે છે. સંગીની પોતાના ઘરે જ વાનગી પ્રદર્શિત કરે છે અને જરૂરી સામગ્રી ઉપરથી ઉમેરવા માટે અદાણી ફાઉન્ડેશન તરફથી કિટ આપવામાં આવે છે.