જયપુર: (Jaipur) રાજસ્થાનના (Rajasthan) બિકાનેર જિલ્લામાં એક દંપતીએ તેમની પાંચ વર્ષની બાળકીને નહેરમાં ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના છત્તરગઢ પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારમાં તેમની પાંચ મહિનાની પુત્રીને નહેરમાં ફેંકી દેવા બદલ એક કોન્ટ્રાક્ટ કર્મચારી અને તેની પત્નીની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી સરકારી કચેરીમાં કોન્ટ્રાક્ટ વર્કર હતો અને કાયમી સરકારી નોકરી મેળવવા માટે તેની પત્ની સાથે મળીને તેણે આ પગલું ભર્યું હતું.
બિકાનેરના પોલીસ અધિક્ષક યોગેશ યાદવે જણાવ્યું હતું કે સોમવારે દંપતીની પોતાની પુત્રીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ તેની પત્ની સાથે મળીને કાયમી સરકારી નોકરી મેળવવા આ પગલું ભર્યું હતું. તેમણે કહ્યું કે દંપતી ઝવરલાલ મેઘવાલ (36) અને તેમની પત્ની ગીતા દેવી (33) વિરુદ્ધ છત્તરગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બંનેને પહેલાથી જ ત્રણ બાળકો છે અને તેમણે તેમની એક દીકરી તેમના સંબંધીને દત્તક આપી હતી. પોલીસે જણાવ્યું કે કેનાલમાં ફેંકવામાં આવેલી પાંચ મહિનાની બાળકી સૌથી નાની હતી.
છત્તરગઢના પોલીસ અધિકારી જયકુમારે જણાવ્યું હતું કે આરોપી ઝવરલાલ મેઘવાલ હાલમાં ચાંદસર પંચાયતમાં શાળા સહાયક તરીકે તૈનાત છે અને તેણે પોતાના સોગંદનામામાં બે બાળકો હોવાની માહિતી આપી હતી. તેને આશંકા હતી કે ત્રીજું બાળક હોવાને કારણે તેને સરકારી નોકરી નહીં મળે. તેની નોકરીમાં કાયમી નિમણૂક કરવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે આરોપીએ તેની પત્નીને આ માટે સમજાવી હતી અને બંનેએ રવિવારે તેમની પાંચ મહિનાની પુત્રીને ઈન્દિરા ગાંધી કેનાલમાં ફેંકી દીધી હતી. બાળકીને ફેંકી દેતા જોઈ કેટલાક લોકોએ બૂમાબૂમ કરતાં બાઇક સવાર માતા-પિતા ભાગી ગયાં હતાં. લોકોએ બાળકીને કેનાલમાંથી બહાર કાઢી હતી પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.
ઘટનાની માહિતી મળતાં જ છત્તરગઢ અને ખજુવાલા વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી. પોલીસને શંકા જતાં તેણે ઝવરલાલ તેનો ફોટો લીધો હતો. બાઇકનો ફોટો પણ લીધો. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં દિયાતરાના લોકો પાસેથી ઝવરલાલની માહિતી લેવામાં આવી હતી. પોલીસને ખાતરી થતાં આ પછી દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.