આણંદ : આણંદ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટીઝ એસોસિએશનના એલિકોન હોલ ખાતે ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં “બિઝનેસ ઓપોર્ચ્યુનીટીઝ વિથ કેનેડા : વે એન્ડ ચેલેન્ઝિસ” વિષયક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. તેમણે ગુજરાતને મળેલા 1600 કિલોમીટર લાંબા દરિયાઈ પટ્ટીનો ઉલ્લેખ કરી દેશના કુલ નિકાસ પૈકી 60 ટકા નિકાસ ગુજરાતના આ દરિયા કિનારે નિર્માણ પામેલા બંદરોના માધ્યમથી થઈ રહી હોવાનું તથા આણંદ જિલ્લાના ખંભાત ખાતે આવેલા દરિયાઈ વિસ્તારના મત્સ્યોદ્યોગને ધ્યાને લઈ આ વિસ્તારમાં આવનાર સમયમાં ફિશરીઝ પાર્ક ઉભો કરવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત ઉદ્યોગપતિઓ સાથે વિચાર વિમર્શ કરતા જણાવ્યું હતુ કે, સરકાર નાના અને સુક્ષ્મ ઉદ્યોગો માટે અનેક યોજનાઓ દ્વારા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટીઝના વિકાસ માટે અવિરત કાર્યરત છે. કોઇપણ ઉદ્યોગપતિ પોતાના ઉત્પાદન વિદેશમાં એક્સપોર્ટ કરવા ઇચ્છતા હોય કે પછી વિદેશમાં તેનું પ્રદર્શન કરવા ઇચ્છતા હોય તો પણ સરકાર તેના માટે જરૂરી સવલતો ઉપરાંત મશીનરી ખરીદવા સહાય સહિતની અનેકવિધ યોજનાઓ દ્વારા ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે.
તેઓએ ઉદ્યોગપતિઓને નવી ટેકનોલોજી અને નવા વિચારો થકી દેશ જ નહી. પરંતુ સમગ્ર દુનિયામાં તેમના ઉત્પાદનને પહોંચાડી દેશના વિકાસમાં સહયોગી બનવા આહવાન કરતાં જણાવ્યું હતું કે, આજે દેશ 5 ટ્રિલિયનની ઇકોનોમી તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. તેમાં ઉદ્યોગકારોનું પ્રદાન બહુમુલ્ય રહ્યું છે. વડાપ્રધાનના “વોકલ ફોર લોકલ” ના સ્વપ્નને સિધ્ધ કરવા આપણે સૌ સાથે મળી આગળ વધીશું તો દેશ ઝડપથી વિશ્વગુરૂ બની શકશે. તેઓએ ઉદ્યોગો માટે આશિર્વાદ સમાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતમાં અનેક મોટા ઉદ્યોગો સ્થપાયા છે, જેના પરીણામે નાના ઉદ્યોગોને વધુ વિકસવાની સાથે રાજયમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ બની છે.
મંત્રીએ “વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ” અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે તે માટેની સરકારની નીતિ સ્પષ્ટ કરી ઉપસ્થિત સર્વેને આ બાબતે આગળ આવવા તથા આ માટે રાજ્ય સરકારની ઔદ્યોગિક વિકાસ માટેની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉદ્યોગોના વિકાસ માટે હકારાત્મકતા સાથે કામ કરી રહી હોવાનું જણાવી વધુમાં ઉમેર્યુ હતું કે, 2014માં વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનું સ્થાન 11માં ક્રમે હતુ, પરંતુ વડાપ્રધાનની દિર્ઘ દ્રષ્ટીના પરીણામે આજે આપણે પાંચમાં સ્થાને છીએ.
આ પ્રસંગે કેનેડાની સોન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રેસીડેન્ટ રાજ સોન્ડ એ કેનેડાની ધરતી ઉપર તેમણે ઉભી કરેલી ઔદ્યોગિક ઓળખની વિસ્તૃત રૂપરેખા આપતા જણાવ્યું હતુ કે, અહિંયા ઘણા બધા યુવાઓ છે કે જેઓ કેનેડા અને યુએસ જઈને સ્થાયી થવા માંગતા હશે અને પોતાની એક ઓળખ ઉભી કરવા માંગતા હશે. આવા લોકોને હું કહેવા માંગુ છુ કે, આપણી દરેકની અંદર એક પ્રકાશ છે તેને યોગ્ય સમયે અવકાશ અવશ્ય મળે છે. આપણે સૌએ કોઈપણ જાતના ડર વિના પોતાની આંતરીક શક્તિઓને સમજી તે મુજબ વિકાસક્ષેત્રે આગળ વધવુ જોઈએ.
આ કાર્યક્રમના પ્રારંભમાં વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રેસિડેન્ટ હેમલભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોનો પરીચય આપ્યો હતો, જ્યારે કાર્યક્રમના અંતે વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી નંદકિશોર શાહએ આભાર વિધી કરી હતી. આ કાર્યક્રમ અગાઉ મંત્રીએ એસોસીએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી તેમના પ્રશ્નો – મુશ્કેલીઓ સાંભળી તેના નિરાકરણ માટેની ખાત્રી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડી.એસ. ગઢવી તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.