આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે જટિલ હાઈપોગ્લાસીમીયા રોગ અંગે ઓપીડીનું આયોજન કરાયું હતું. આ રોગ બાળકોમાં જોવા મળતો દુર્લભ રોગ છે. જે જન્મજાત હોય છે. જેમાં બાળકનો વિકાસ અટકે છે. કરમસદની ભાઇકાકા યુનિવર્સટી સંચાલિત કૃષ્ણ હોસ્પિટલની સુપરસ્પેશ્યાલીટી સર્વિસિસ, પ્રિવિલેજ સેન્ટર ખતે જટિલ હાઈપોગ્લાસીમીયા એટલે કે લો સુગરનું નિદાન અને સારવારની સ્પેશ્યલ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુર્લભ રોગ બાળકોમાં જન્મજાત જોવા મળે છે. જેને કારણે બાળકોના મગજનો વિકાસ થતો નથી અને સાથે સાથે શારીરિક વિકાસ પણ અટકે છે. આ રોગ વિશે જાણકારી ન હોવાથી માતા – પિતા પિડીયાટ્રીક એન્ડોક્રાઇનોલોજીસ્ટ કે જે જટિલ હાઈપોગ્લાસીમીયાના નિષ્ણાંતને બદલે બીજા નિષ્ણાંતોની સલાહ લેતાં હોય છે.
આ રોગની વિસ્તૃત સારવાર એક માળખા હેઠળ મળી રહે તે માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલ દ્વારા ડો. પ્રતિક શાહ કે જેઓ યુકેથી પિડીયાટ્રીક એન્ડોક્રાઇનોલોજીસ્ટની ડિગ્રી હાંસલ કરી છે અને જટિલ હાઈપોગ્લાસીમીયાના નિષ્ણાંત છે. તેઓને બોલાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત હોસ્પિટલની મલ્ટિડિસીપ્લીનરી ક્લિનિકલ ટીમમાં બાળરોગ નિષ્ણાંત ડો. સોમશેખર નિંબાલકર અને ડો. રેશ્મા પુજારા, કન્સલ્ટન્ટ ફિઝીયોથેરાપીસ્ટ ડો. સંકેત પારેખ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડો. એલ્વીસ કેઇશમ, ક્લિનિકલ ડાયેટિશ્યન જીગ્ના પટેલ હાજર રહ્યાં હતાં. શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે. જટીલ હાઈપોગ્લાસીમીયાથી પીડિત બાળકો માટે સમયસર આહાર, કસરત, સાયકોલોજીસ્ટની સલાહ અને પિડીયાટ્રીક એન્ડોક્રાઇનોલોજીસ્ટની સલાહ મુજબ સારવાર લેવી આવશ્યક છે. આ ખાસ ઓપીડીમાં રાજ્યભરમાંથી વાલીઓ હાઈપોગ્લાસીમીયાથી પીડિત બાળકોને લઇને આવ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા દુર્લભ રોગની સારવાર મેડિકલ કોલેજમાં મળી રહે તે માટે રાષ્ટ્રીય પોલીસી જાહેર કરી છે. જેને ધ્યાનમાં રાખીને શ્રીકૃષ્ણ હોસ્પિટલે જટિલ હાઈપોગ્લાસીમીયાથી પીડાતા બાળકોને સારવાર મળી રહે તેનું બીડું ઝડપ્યું છે. ભાઇકાકા યુનિવર્સિટી એનેટોમીના પ્રોફેસર ડો. જયકુમાર કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, ટુંક સમયમાં ફરીથી જટિલ હાઈપોગ્લાસીમીયાના નિષ્ણાંતને બોલાવી મલ્ટિડિસીપ્લીનરી ક્લિનિકલ ટીમ સાથે આ દુર્લભ રોગથી પિડાતા બાળકોના નિદાન અને સારવારની વ્યવસ્થા કરવામાં આવશે.