ચીન હાલ દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. તા.૧૨-૦૧-૨૦૨૩ ને ગુરુવારને દિનના ‘ગુજરાતમિત્ર’ના પહેલા પાને સમાચાર આવ્યા કે આપણો દેશ થોડા સમયમાં ચીનને પાછળ મૂકી દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ગણના પામશે. એ પણ શક્ય છે કે આપણો દેશ દુનિયાનો સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ પણ બની શકે છે. એ સર્વસ્વીકૃત હકીકત છે કે જે દેશમાં યુવા વર્ગ વધુ હોય એ દેશ સૌથી વધુ ઝડપી પ્રગતિ કરતો દેશ બની શકે છે. આ શક્યતા તરફ દ્રષ્ટિ કરીએ તો દેશમાં કરોડપતિઓની સંખ્યામાં જે રીતે વધારો થઇ રહ્યો છે એની સામે નોકરી-ધંધાની તકો વધતી હોય એવું કે ગરીબો કે ગરીબાઇની રેખા નીચે જીવતાં માણસોની સંખ્યામાં ઘટાડો થતો હોય એવું જોવા નથી મળતું.
આ વાસ્તવિક પરિસ્થિતિ એ પણ દર્શાવે છે કે સમતોલ વિકાસ જે દેશના લાંબા ગાળાના હિતમાં જરૂરી છે એ જોવા નથી મળતો. ધનવાનો વધુ ધનવાન થઇ રહ્યા છે અને ગરીબાઇનું પ્રમાણ ઓછું થવાનું નામ નથી લેતું, જેને વિકાસ ગણી શકાય કે કેમ એ એક સવાલ છે. આપણા દેશ માટે સૌથી મોટી સમસ્યા એ પણ છે કે આપણે ત્યાં નોકરી-ધંધાની ઓછી તકોને કારણે આપણા ઉચ્ચ શિક્ષા પામેલ યુવાનો અને પ્રમાણમાં ઓછા શિક્ષિત યુવાનો પણ વિકસિત ગણાતા દેશો તરફ પ્રયાણ કરી આર્થિક રીતે સધ્ધર થવાનું વધુ પસંદ કરે છે.
આપણે દુનિયાની સર્વોત્તમ સંસ્થાઓ તરફ નજર કરીએ તો એ સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાનો પર આપણાં ભારતીયો જ બેઠેલાં દેખાય છે. આ શિક્ષિત યુવાધને પરદેશ જઇ પ્રગતિ કરવાનો નિર્ણય કેમ લેવો પડ્યો એ દેશના શાસનકર્તાઓ અને દેશના વિકાસનાં બણગાં ફૂંકતા લોકોએ વિચારવાનો સમય આવી ગયો છે. હજી પણ સમતોલ વિકાસ તરફના પ્રયત્નોને અગ્રતા ન અપાય અને સબકા સાથ, સબકા વિકાસના સૂત્રને વાસ્તવિકતામાં પલટાવવાના પ્રયત્નોને પ્રાધાન્ય ન અપાય તો માલેતુજારો અને ગરીબો વચ્ચેની ખાઇ વધુ ઊંડી થવાની શક્યતાને નકારી ન શકાય જે લાંબે ગાળે વિકસિત દેશમાં ગણતરી પામવાના આપણા પ્રયત્નોમાં મોટી બાધા બની શકે છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે