Gujarat

માર્ગ અકસ્માતમાં વ્યક્તિનો જીવ બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન” રિલોન્ચ થઈ

ગાંધીનગર: મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલે વાહન વ્યવહાર તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની વેબસાઈટ ગાંધીનગરથી (Gandhinagar) લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચાવવા માટેની “સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધી ગુડ સમરીટન” રિલોન્ચ કરી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ રોડ સેફટી -માર્ગ સુરક્ષા માટે આપેલા કન્સેપ્ટ ‘4E – એન્ફોર્સમેન્ટ ઓફ લૉ, એન્જીનિયરીંગ ઓફ રોડ, ઈમરજન્સી કેર અને એજ્યુકેશન’નું અનુપાલન ખૂબ જરૂરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરી માર્ગ સુરક્ષા માટે પ્રતિબદ્ધ બનવા મુખ્યમંત્રીશ્રીએ સૌને અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ટ્રાફિક અને રોડ એકસીડન્ટ નિવારવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. સિગ્નલ સિસ્ટમ કે ટ્રાફિક પોલીસની અનુપસ્થિતિમાં પણ સ્વૈચ્છિક નિયમ પાલન કરી માર્ગ પરિવહનને સુરક્ષિત બનાવવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે, રોડ એકસીડન્ટની ઘટનામાં પ્રથમ એક કલાક – ગોલ્ડન અવર ખૂબ અગત્યનો છે, લોકોએ ગુડ સમરિટન બની ઇજાગ્રસ્ત, ઘાયલ લોકોની જિંદગી બચાવવા આગળ આવવું જોઈએ. આપણી સંસ્કૃતિ જીવપ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાનું શીખવે છે. મહામૂલી માનવ જિંદગીના બચાવ માટે આગળ આવવાની ફરજ સૌ કોઈની છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રાસંગિક સંબોધનમાં કહયું હતું કે આજે પણ લોકોમાં એવી ગેરસમજ છે કે રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડશો તો તેમની ઉપર કોઈ કેસ કે કાર્યવાહી થશે. લોકોની આ માનસિકતાને દૂર કરવામાં માટે જ ગુડ સમરિટન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. ગુડ સમરિટન યોજના એ માત્ર એક યોજના નહિ પરંતુ એક ઝુંબેશ અને આપણા સૌની જવાબદારી છે. શહેરથી લઈને ગામડાઓ સુધીનો દરેક વ્યક્તિ જો આ યોજના અંગે માહિતગાર થશે તો રાજ્યમાં અનેક લોકોના જીવ બચી શકશે.

Most Popular

To Top