SURAT

થઈ જાઓ હવે રેડી એંજોઇંગ બર્થડે પાર્ટીઝ વિથ ડેડી

બાળક જન્મે ત્યારથી ખાસ કરીને તેની માતાની જ વધારે નજીક હોય છે અને બાદમાં પણ તેની સાથે સતત રહેવાના કારણે તેની દરેક જરૂરિયાત માતા દ્વારા જ સંતોષાતી હોય છે. ગાર્ડનમાં જવું હોય, શોપિંગ માટે જવું હોય કે પછી બર્થડે પાર્ટી હોય, દરેક પ્રસંગોમાં મમ્મીઓ જ બાળકોની સાથે જોવા મળતી હોય છે. પણ આજના ફાધર્સ પણ કંઇ કમ નથી. તેઓ પણ આજે બાળકો સાથે એક્ટિવીટીમાં ભાગ લેતા થયા છે. જો કે આ બધાની વચ્ચે સુરતમાં હવે એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે જેમાં બર્થડે પાર્ટીમાં ફક્ત ફાધર્સને જ કિડ્સ સાથે ઇનવાઇટ કરવામાં આવે છે જેથી તેમનું બાળકો સાથેનું બોંડિંગ સ્ટ્રોંગ બને. તો આવા જ આયોજનનો હિસ્સો બની ચૂકેલા કેટલાક ફાધર્સ સાથે વાત કરવામાં આવી હતી જેમાં તેઓ નવા બોન્ડીંગને લઈને ખાસ્સા ઉત્સાહીત જણાઈ રહ્યા છે. તો ચાલો જાણીએ તેમના અનુભવો તેમના જ શબ્દોમાં…

શિડ્યુલ કેન્સલ કરીને પાર્ટી એન્જોય કરી : ડો.વિરલ શાહ
ડો. વિરલ શાહ કહે છે કે,’’ હું મારા બીઝી શિડ્યુલના કારણે દીકરીને વધુ સમય આપી શકતો નથી. ત્યારે મને તેના એક ફ્રેન્ડની બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન મળ્યું, જેમાં શરત એ હતી કે, બાળક સાથે કંપલ્સરી તેના ફાધરે જ આવવું. એટલે પહેલા તો મેં થોડો વિચાર કર્યો પછી તે દિવસના મારા બધા શિડ્યુલ કેન્સલ કર્યા અને 5 વર્ષની દીકરી સાથે બર્થડે પાર્ટીમાં ગયો. અમે પ્રથમવાર જ 4 કલાક જેટલો સમય સાથે રહ્યા હતા એટલે શરૂઆતમાં થોડું અજુગતું લાગ્યું પણ પછી અમે સાથે ગેમ્સ રમ્યા,લંચ લીધું તેમજ તેના અન્ય મિત્રો સિવાય તેમના ફાધર્સ સાથે પણ ઓળખાણ કરવાનો મોકો મળ્યો. જો કે, દીકરી સાથે સમય પસાર કરવાનો આ આઇડિયા ઘણો સારો લાગ્યો જેનાથી અમારું બોંડિંગ સ્ટ્રોંગ બન્યું.’’

ફાધર્સ એકબીજાને ઓળખતા થાય એવા આશયથી આયોજન: ડો. નિસર્ગ શાહ
ડો.નિસર્ગ શાહ જણાવે છે કે, ‘’મારે 2 બાળકો છે. આ બંને બાળકોને તેમના ફ્રેંડ્સની બર્થડે પાર્ટીમાં જવું હોય તો તેની મમ્મી સાથે જ જતાં હતા પણ અમે જ્યારે મારા બાળકના આવનારા જન્મ દિવસ અંગે મારી વાઈફ સાથે પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે વિચાર આવ્યો કે, દરેક બાળકો સાથે મમ્મી જ આવે છે જેથી તેઓ તો બધાને ઓળખે જ છે પણ કોઈના ફાધર્સ એકબીજાને ઓળખતા નથી એટલે અમે 20 જેટલા બાળકોને ઇનવાઇટ કર્યા જેમાં તેમની સાથે ફક્ત ફાધર્સ જ આવે એવો આગ્રહ રાખ્યો. જો કે આ આઇડિયા દરેકને ગમી ગયો. ઘણા બાળકો પ્રથમવાર આ રીતે પોતાના ફાધર સાથે આવ્યા હોવાથી મેં મારી વાઈફ અને સિસ્ટરને હાજર રાખ્યા હતા જેથી કોઈ તક્લીફ થાય તો તે હેલ્પ કરી શકે. બાળકોનું ફાધર્સ સાથેનું બોંડિંગ સ્ટ્રોંગ બને એ માટે અમે કેટલીક ગેમ્સનું આયોજન પણ કર્યું હતું અને બાળકોની સેફ્ટી જળવાય એ માટે અમે ટર્ફમાં જ આયોજન કર્યું હતું. કેટલાક ફાધર્સને શરૂઆતમાં થોડી તકલીફ પડી પણ તમામે ખૂબ એન્જોય કર્યું. હું તો મારા બીજા બાળકનું બર્થડે સેલીબ્રેશન પણ ફાધર્સ જોડે અલગથી કરવાનું વિચારું છુ.’’

બાળકો સાથે સ્પોર્ટ્સ ગેમ્સનો ચાંસ મળ્યો: સૌમિલ ઝવેરી
સૌમિલ ઝવેરી પોતાની 6 વર્ષની દીકરી સાથે પ્રથમવાર એકલા બર્થડે પાર્ટીમાં ગયા હતા. કારણ કે દરેક વખતે મારી દીકરી મમ્મી સાથે જ પાર્ટીઝમાં જતી હોય છે એટલે મને આ નવો કોન્સેપ્ટ ગમ્યો. સૌમિલ ઝવેરી કહે છે કે, ‘’આ પાર્ટીના કારણે મારી દીકરી સાથે તો સમય વિતાવવાનો ચાંસ મળ્યો જ, સાથે જ એ બહાને ત્યાં સ્પોર્ટ્સ ગેમ્સ રમવાનો અને બાળકો સાથે અન્ય એક્ટિવિટી કરવાનો મોકો મળ્યો. કારણ કે કામના ચક્કરમાં હું સ્પોર્ટ્સ જેવી એક્ટિવિટી કરી જ નથી શકતો પણ આ પાર્ટીમાં મેં આ નવો અનુભવ લીધો જે ઘણો જ સારો રહ્યો.’’

દીકરા સાથે બોંડિંગ સ્ટ્રોંગ બન્યું: કૃણાલ જરીવાલા
કૃણાલભાઈ જરીવાલા આવા જ એક કોન્સેપ્ટનો હિસ્સો બની ચૂક્યા છે કૃણાલભાઈ કહે છે કે, હું આમ તો મારા 4 વર્ષના દીકરા સાથે થોડીવાર માટે બહાર જતો હોઉ છુ પણ આટલો વધારે સમય માટે પ્રથમવાર જ તેની સાથે બહાર જવાનું બન્યું હતું જેમાં તેની દરેક જરૂરિયાતનું ધ્યાન મારે રાખવાનું હતું. આ પાર્ટીમાં અમે સાથે ગેમ્સ રમ્યા, જમ્યા તેમજ દરેક બાળકના ફાધર્સ સાથે નવી ઓળખાણનો મોકો પણ મળ્યો, જેમાં સરસ વાત તો એ રહી કે દરેક બાળકના ફાધર અલગ અલગ ફિલ્ડમાથી આવતા હોવાથી જરૂર હોય ત્યારે એકબીજાને મદદરૂપ પણ થઈ શકે અને આપણું બાળક કેવા મિત્રો ધરાવે છે એ પણ જાણવા મળ્યું. કારણ કે તે મમ્મી સાથે જ દરેક પાર્ટીમાં જતો હોવાથી મને તો એના મિત્રો વિષે કઈ પણ ખબર જ ન હતી. એટલે બાળક સાથે તો બોંડિંગ સ્ટ્રોંગ થયું જ સાથે જ અન્ય બાળકોના ફાધર્સને મળીને પણ સારું લાગ્યું.

Most Popular

To Top