SURAT

સુરતીઓને 122 વર્ષથી શેરડીના રસથી સ્ફૂર્તિનો અહેસાસ કરાવી રહ્યું છે દિલખુશ રસ હાઉસ

અત્યારે તો સુરતીઓ શરીરને ધ્રુજાવી દેતી ઠંડીનો સામનો કરી રહ્યાા છે. શેરડીના રસનું નામ સાંભળતા જ તમારી જીભ પર મીઠાશ નો અહેસાસ થઈ રહ્યાો છે ને ! પણ ચામડી દઝાડતી અને શરીરને પરસેવાથી રેબઝેબ કરાવી દેતી ગરમીની સિઝનમાં શું અમીર કે શું ગરીબ સહુ કોઈ મધમીઠો શેરડીનો રસ ગળે ઉતારી તરોતાજા થઈ જાય છે અને સ્ફૂર્તિનો અહેસાસ કરવા લાગે છે. આમ તો ગરમીની સિઝનમાં ઠેર-ઠેર શેરડીના રસની લારીઓ જોવા મળે છે પણ મોટાભાગના સુરતીઓને ખબર નહીં હોય કે સુરતમાં સૌપ્રથમ શેરડીનો રસ વેચાવાની શરૂઆત ઝાંપાબજારમાં થઈ હતી. 1911માં શેરડીના રસ વેચવાની શરૂઆત દિલખુશ રસ હાઉસ પેઢી દ્વારા થઈ હતી. આજે તો ગરમીની સિઝનમાં શેરડીના રસનો ધંધો તેજીમાં હોય છે ત્યારે રસ વેચતી લારીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે એવા સમયમાં પણ બહુ તગડા નફાની આશા રાખ્યા વગર 112 વર્ષથી આ રસ હાઉસ સુરતીઓને શેરડીનો રસ પીવડાવી રહ્યું છે. ચાલો આ રસ હાઉસની શરૂઆત કઈ રીતે થઈ તેનો રસપ્રદ ઇતિહાસ આ દુકાનના ત્રીજી અને ચોથી પેઢીનાં સંચાલકો પાસે થી જાણીએ.

વંશવેલો
ઈબ્રાહીમ રાજભાઈ રસવાલા
દાઉદભાઈ ઇબ્રાહીમભાઈ રસવાલા
જોહરભાઈ દાઉદભાઈ રસવાલા
જુઝર જોહરભાઈ રસવાલા

દિલખુશ રસ હાઉસનો પાયો ઈબ્રાહીમ રસવાલાએ નાંખ્યો હતો
1911 નાં પહેલાં સુરતમાં શેરડીના રસનું વેચાણ કરતી કોઈપણ દુકાન નહીં હતી. એ વખતે સુરતની વસ્તી સવા લાખથી પણ ઓછી હતી. ત્યારે લોકોને નેચરલ સ્વાસ્થ્યવર્ધક પીણું પીવા મળે તે માટે ઈબ્રાહીમ રાજભાઈ રસવાલાએ દિલખુશ રસ હાઉસ પેઢીની સ્થાપના કરી હતી. ત્યારે શેરડીનો રસ પૈસાદાર અને બહુ જૂજ મધ્યમવર્ગના લોકોનું પીણું ગણાતું. ત્યારે લોકો શિયાળામાં લસણ ખાઈને પછી શેરડીનો રસ પીતા. શેરડીનો રસ પાચન શક્તિમાં વધારો કરતો હોવાથી તેનું સેવન કરતા. અંગ્રેજો પણ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા દિલખુશ રસ હાઉસમાં આવતા.
પહેલાના કોર્પોરેટર રસ પીવા દુકાને આવતા
જોહરભાઈએ જણાવ્યું કે ગોરધનદાસ ચોખાવાલા મેયર હતા તે સમયના કોર્પોરેટર અમારી દુકાન પર રસ પીવા આવતા. કોર્પોરેટર રહેલાં છગનકાકા નળવાળા, સાકરચંદ સરૈયા, હુસૈનીભાઈ બદરી, મોહનભાઈ લાકડાવાળા અહીં આવતા.

ધંધો ચાલુ રાખવા નાની ઉંમરમાં જ અભ્યાસ છોડ્યો: જોહરભાઈ રસવાલા
આ રસ હાઉસના ત્રીજી પેઢીનાં સંચાલક જોહરભાઈ રસવાલાએ જણાવ્યું કે, હું પહેલાં સ્કૂલેથી આવ્યા બાદ રસની દુકાનમાં આવી મારા પિતા ડાઉદભાઈને ધંધાના કામમાં મદદ કરતો. પણ પછી મારા પિતાની તબિયત નરમ-ગરમ રહેતાં મેં 1963માં ધંધાનું સંચાલન હાથમાં લીધું ત્યારે હું 10માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. મેં પેઢી દર પેઢીનો આ ધંધો ચાલુ રાખવા ભણવાનું છોડી દીધું. તે સમયે સુરતની વસ્તી પોણા ત્રણ લાખ કરતા વધારે હતી. અમે અમારી દુકાનનું આજ સુધી રીનોવેશન પણ નથી કરાવ્યું. દુકાન 1911માં હતી તેવી જ આજે પણ જુના ઠબના બાંધકામની છે. દુકાનની છત પહેલાં નળીયાની હતી અત્યારે પતરાની છે. વાંસનું લાકડું બાંધકામમાં વપરાયું છે અને દીવાલ સિમેન્ટની છે.

સોમવારે મહાદેવ મંદિરમાં રસ ચઢાવવા ભક્તો રસ લઈ જાય છે: જુઝર રસવાલા
આ રસ હાઉસના ચોથી પેઢીનાં સંચાલક જુઝર જોહરભાઈ રસવાલાએ જણાવ્યું કે દર સોમવારે ભગવાન શિવના ભક્તો મહાદેવ મંદિરમાં શેરડીનો રસ ચઢાવવા અમારી દુકાનમાંથી રસ લઈ જાય છે. કેટલાંક ભક્તો રસ લેવા પોતાનું વાસણ લઈ આવે છે તો કેટલાંક પાર્સલ લઈ જાય છે. શ્રાવણ મહિનામાં પણ શિવજી ના મંદિરમાં રસ ચઢવવા ભક્તો દિવસના કોઈપણ સમયે આવીને રસ લઈ જાય છે. 2011માં જ્યારે અમારી દુકાનના 100 વર્ષ પુરા થયા ત્યારે અમે લોકોને ફ્રીમાં રસ પીવડાવ્યો હતો.

2006ની રેલમાં દુકાનના ફર્નિચરને ખાસ્સુ નુકસાન થયું
જોહરભાઈએ જણાવ્યું કે 2006માં સુરતમાં ભંયકર પુર આવ્યું હતું જોકે અમે ઘણો ખરો માલ દુકાનમાંથી બહાર કાઢી લીધો હતો ત્યારે 5 ફૂટ જેટલું પાણી દુકાનમાં ભરાયું હતું. આ પાણીમાં દુકાનના ફર્નિચરને નુકસાન થયું હતું, 10-12 હજાર રૂપિયાનું નુકસાન થયું હતું અને શેરડીનો જથ્થો ફેંકી દેવો પડ્યો હતો. ત્યારે એક અઠવાડિયું પાણી ઉતર્યા બાદ સાફ-સફાઈ કરવામાં લાગ્યાં હતાં ત્યારબાદ દુકાન ખોલવામાં આવી હતી. 1993માં પ્લેગ આવ્યો હતો ત્યારે પણ દુકાન ચાર-પાંચ દિવસ બંધ રાખવામાં આવી હતી ત્યારે પણ આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. ત્યારે લોકો બહારનું ખાવાથી ઘબરાતા હતાં. તેથી રસ પીવા પણ બહુ ઓછા આવતા.

1959 થી 70, 2006માં આવેલી રેલના ફોટો દુકાનમાં લગાવેલા છે
જુઝર રસવાલાએ જણાવ્યું કે મારા દાદા, મારા પિતા અને મને ફોટોગ્રાફીનો શોખ છે. અમે સુરતમાં આવેલી રેલના ફોટો પાડી તેની યાદગીરી રૂપે આ ફોટા દુકાનની દીવાલ પર ચોંટાડેલા છે. 1959ની રેલના ફોટો મારા દાદા દાઉદભાઈએ પાડેલા જ્યારે 1968,1969 અને 1970માં આવી રેલના ફોટો મારા પિતા જોહરભાઈએ પાડ્યા હતાં જ્યારે 2006ના ભંયકર પુરના ફોટો મેં પાડેલા છે. રેલવે સ્ટેશન, ચોક બજાર, જૂનો હોપપુલ, કિલ્લા, મોતી ટોકીઝથી સૂરજ ટોકીઝ સુધીના રસ્તા પરના, સગરામપુરા, ઝાંપાબજાર પોસ્ટ ઓફિસ, ટાવર રોડ પરના પુરના પાણીના ફોટો દુકાનની દીવાલ પર જોવા મળે છે. જ્યારે રસ પીવા લોકો અહીં આવે છે ત્યારે આ ફોટી તરફ અચૂક નજર કરે છે. ત્રણ પેઢીથી અમને ફોટોગ્રાફીનો શોખ છે.

બીલીમોરાથી બળદગાડામાં શેરડીનો જથ્થો લાવતા
જોહરભાઈ રસવાલાએ જણાવ્યું કે, તે સમયે શેરડીનો જથ્થો બીલીમોરાથી બળદગાડામાં મારા દાદા લાવતા. એ વખતે ઘોડાગાડીનું ચલણ હતું. લોકો ભાગળ, ચોક, સલાબતપુરા, બેગમપુરાથી ખાસ આવતા. ઘોડાગાડીમાં અને સાયકલ પર લોકો ખાસ રસ પીવા આવતા. સુરતના નજીકના ગામડાઓમાંથી ભાગળ શાકમાર્કેટમાં શાક વેચવા આવતા ખેડૂતો શાક વેચાયા બાદ પાછા વળતી વખતે અહીં શેરડીનો રસ પીવા આવતા. અત્યારે લોકોને નાસિકથી આવતી શેરડીનો રસ પીવડાવવામાં આવે છે. કારણકે નાસિકની શેરડીમાં મીઠાશ વધારે હોય છે.

અંગ્રેજોના સમયનો પંખો આજે પણ સારી કન્ડિશનમાં ચાલે છે
આ દુકાનમાં એક જૂનો પણ તેજ રફતારથી હવા આપતો પંખો છે જે અંગ્રેજોના સમયનો છે અને આજે પણ તે વર્કિંગ કન્ડિશનમાં છે. તેને આજ સુધી એકપણ વખત રીપેર કરાવવાની જરૂર નથી પડી.
પહેલાંના સમયમાં એક આનામાં રસ મળતો
પહેલાં સોંઘવારીનો જમાનો હતો ત્યારે એક આનામાં રસનો ગ્લાસ મળતો પછી ચાર આનામાં મળતો થયો. જ્યારે આજે રસનો મોટો ગ્લાસ 20 રૂપિયામાં અને નાનો ગ્લાસ 10 રૂપિયામાં મળે છે.બરફ વગરનો અને બરફ નાખેલો રસ બંનેનો ભાવ એક સરખો જ છે.

ઉનાળામાં રહે છે ભીડ, વરસાદમાં ધંધો બેસી જાય છે
ઉનાળામાં લોકો ગરમીને કારણે ગળું સુકાતા શેરડીનો રસ પીવા લાઈનો લગાવે છે. ઉનાળામાં રોજના 200થી 300 ગ્રાહકો આવે છે. જ્યારે શિયાળામાં રોજના 50-60 ગ્રાહક આવે છે જ્યારે વરસાદમાં તો ધંધો સાવ બેસી જાય છે.

દાઉદભાઈ રસવાલાના સમયમાં ધંધાનો વિસ્તાર થયો
ઈબ્રાહીમ રસવાલાના પુત્ર દાઉદભાઈએ ધંધાનું સંચાલન હાથમાં લીધું ત્યારે માઉથ ટૂ માઉથ પબ્લિસિટીને કારણે અને વસ્તી વધવાને કારણે ધંધાનો ખાસ્સો વિસ્તાર થયો. રાંદેર, વરિયાવ, કામરેજ, વરાછા, કઠોર, બારડોલીથી લોકો અહીં સુધી રસ પીવા આવવા લાગ્યાં હતાં. તેઓ સવારે 7 વાગ્યાં થી દુકાન ખોલતા સવારથી જ રસ પીવા માટે લોકોની ભીડ થતી.

રસ કાઢવાનું મશીન પણ 112 વર્ષ જૂનું છે
જુઝરભાઈએ જણાવ્યું કે તેમને ત્યાં જે રસ કાઢવાનું મશીન છે તે પણ 112 વર્ષ જૂનું છે. તે ઘનમેટલનું એટલે કે બંદૂકની બુલેટમાં જે મેટલ વપરાય છે તે મેટલનું આ મશીન છે. તેને કાટ લાગતો નથી એટલે તેમાંથી નીકળતો રસ તાજો રહે છે.
ફોરેનથી આવતા N.R.I. સુરત આવે ત્યારે રીક્ષા કરીને અહીં રસ પીવા આવે છે
U.S.A., U.K., દુબઈ, આફ્રિકા વસેલા સુરતના લોકો જ્યારે પણ સુરત આવે ત્યારે તેમની દુકાન પર રીક્ષા કરીને સ્પેશ્યલ રસ પીવા માટે. આ લોકો ડિસેમ્બરમાં આવે છે. લંડનમાં વસતા વરિયાવના લોકો બારડોલી અને કઠોરના ફોરેન કન્ટ્રીઝમાં જઈને વસેલા લોકો અહીં ખાસ રસનો સ્વાદ લેવા આવે છે.

Most Popular

To Top