National

દિલ્હી મહિલા આયોગના પ્રમુખ સ્વાતિ માલીવાલને નશામાં ધૂત કાર ડ્રાઈવરે 15 મીટર સુધી ઢસડ્યાં!

નવી દિલ્હી: (New Delhi) દિલ્હી મહિલા આયોગના (Delhi Women’s Commission) અધ્યક્ષ સ્વાતિ માલીવાલને કારમાંથી (Car) ખેંચી જવાની ઘટના સામે આવી છે. પોલીસે પોતે આ અંગે માહિતી આપી અને જણાવ્યું કે બુધવારે મોડી રાત્રે એક કાર ચાલક તેમને 10-15 મીટર સુધી ખેંચી (Dragged) ગયો. પોલીસે માલીવાલની છેડતી (Molesting) કરવા અને તેને કારમાંથી ખેંચી જવાના આરોપમાં ધરપકડ કરી છે. આરોપીની ઓળખ 47 વર્ષીય હરીશ ચંદ્ર તરીકે થઈ છે. આ સાથે આરોપીની કાર પણ જપ્ત કરવામાં આવી છે. જણાવી દઈએ કે સ્વાતિ માલીવાલ 2015થી દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ છે. સતત ત્રણવાર તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. મહિલા ઉત્પીડનના ઘણા મુદ્દાઓ પર તેમણે PMને પત્ર લખ્યા છે.

સ્વાતિએ ટ્વિટ કરીને પણ આ મામલાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે ગઈ રાત્રે હું દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિની તપાસ કરી રહી હતી. એક કારના ડ્રાઈવરે નશાની હાલતમાં મારી છેડતી કરી અને જ્યારે મેં તેને પકડી લીધો ત્યારે તેણે મારો હાથ કારના અરીસામાં બંધ કરી દીધો અને મને ખેંચી ગયો. ભગવાને જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા આયોગના અધ્યક્ષ સુરક્ષિત નથી, તો પછી સ્થિતિ વિશે વિચારો. તેમણે કહ્યું કે કાર ચાલકે તેઓને કારમાં બેસવાનું કહેતાં તેઓએ પ્રતિકાર કરતાં આ ઘટના બની હતી. પોલીસે કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી છે. તે કારના ડ્રાઈવરની પણ પોલીસે ધરપકડ કરી છે અને તેની પાસેથી માહિતી લેવામાં આવી રહી છે.

સ્વાતિ માલીવાલ સાથેની ઘટના એઈમ્સના ગેટ નંબર બેની સામે બની હતી. તે સમયે તે રિયાલિટી ચેક કરવા બહાર ગયા હતા. સારી વાત એ છે કે તેમની ટીમ પણ તેમનાથી થોડે દૂર હાજર હતી. આ ઘટના ગુરુવારે સવારે 3.11 વાગ્યાની આસપાસ બની હતી. આ અંગે સ્વાતિ માલીવાલે પોલીસને જણાવ્યું કે એક બલેનો કારમાં બેઠેલો વ્યક્તિ નશાની હાલતમાં હતો. તેણે મને પોતાની કારમાં બેસવા કહ્યું. જ્યારે સ્વાતિ માલીવાલે ના પાડી ત્યારે આરોપી ચાલ્યો ગયો, પરંતુ ફરીથી યુ-ટર્ન લીધો અને સર્વિસ લેનથી પાછો આવ્યો.

કાર ચાલકે ફરીથી સ્વાતિને બેસવા કહ્યુ., સ્વાતિએ ના પાડી અને તે ડ્રાઈવર સીટ તરફ ગયા અને આરોપીને પકડીને બારીમાંથી હાથ નાંખી પકડવાના પ્રયાસ કરવા લાગ્યા. આ દરમિયાન આરોપીએ બારીનો કાચ બંધ કરી દીધો જેના કારણે સ્વાતિનો હાથ ફસાઈ ગયો. આરોપી આવીજ હાલતમાં તેમને 15 મીટર સુધી ખેંચી ગયો હતો. આ પછી પોલીસ પહોંચી અને સ્વાતિ માલીવાલની લેખિત ફરિયાદ લીધી અને આરોપી હરીશ ચંદ્ર (47)ની ધરપકડ કરી. તેની કાર પણ જપ્ત કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે આરોપી દિલ્હીના સંગમ વિહારનો રહેવાસી છે.

Most Popular

To Top