કાનપુર: કાનપુરમાં સનસનીખેજ ઘટના બની છે. અહીં એક યુવકની લાશ લગભગ એક મહિના સુધી પોતાના જ ઘરમાં ફાંસી પર લટકતી રહી હતી. મૃતદેહ હાડપિંજર બની ગયો હતો. યુવકની પત્ની જ્યારે એક મહિના બાદ તેના ઘરે પહોંચી ત્યારે પતિની લટકતી લાશ જોઈ હેબતાઈ ગઈ હતી. કાનપુરના બિલ્હૌરમાં પતિ સાથે ઝઘડા પછી, જ્યારે તેની ભાભીના ઘરે ગયેલી મહિલા ગુરુવારે પાછી આવી તો તેને તેના પતિની લાશ ફાંસીથી લટકતી જોવા મળી હતી. એવી આશંકા છે કે મૃતદેહ લગભગ 29 દિવસ સુધી ફાંસીથી લટકતો હતો. વસ્તીથી દૂર આવેલા મકાનને બહારથી તાળું મારેલું હતું. જેના કારણે કોઈને ઘટના અંગે જાણ થઈ નહોતી.
- કાનપુરના બિલ્હૌરની ઘટના: ઝઘડા બાદ પત્ની ભાભીના ઘરે જતી રહી હતી, વસતીથી દૂર ઘરમાં એકલા રહેતા પતિએ બહારથી ઘરને તાળું મારી કોઈક રીતે અંદર જઈ જીવન ટૂંકાવી લીધું હોવાની આશંકા
આ મામલો અરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગિલવત અમીનાબાદ ગામનો છે. સુદામા શર્મા (30) પત્ની કીર્તિ શર્મા અને બે બાળકો સાથે રહેતો હતો. પિતા શિવકુમાર અને બે ભાઈઓ પાસેથી મિલકતના ભાગલા પડ્યા પછી, તે ગામથી થોડે દૂર એક નવા મકાનમાં રહેવા ગયો હતો. પત્ની કીર્તિએ જણાવ્યું કે 18 ડિસેમ્બરે તેના પતિ સાથે ઝઘડો થયો હતો. ઝઘડાને લીધે તે બંને બાળકોને લઈને ભાભીના ઘરે ઉત્તરપુરા જતી રહી હતી. ગઈ તા. 21 ડિસેમ્બર સુધી પતિ સાથે મોબાઈલ ફોન પર વાતચીત ચાલુ રહી હતી. ત્યાર બાદ પતિ સાથે કોઈ વાત થઈ ન હતી. એવી આશંકા છે કે 21 ડિસેમ્બરે જ પતિએ ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો.
આ પછી તેણે કોઈક રીતે અંદર જઈને ફાંસી લગાવી લીધી. ઘણા દિવસો સુધી વાત ન કર્યા બાદ જ્યારે તે પરત આવી તો તેના પતિનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અરુણ કુમારે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મૃતદેહ 25 થી 30 દિવસ જૂનો લાગે છે.
મૃતદેહ હાડપિંજર બની ગયો
લગભગ એક મહિના પહેલાં સુદામા શર્માએ ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હોવાની આશંકા છે. કારણ કે જ્યારે લાશ મળી ત્યારે તે લગભગ હાડપિંજર સમાન બની ગઈ હતી. અત્યંત દુર્ગંધ આવી રહી હતી. મકાન વસતીથી દૂર હોય કોઈને ખબર પડી નહોતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યાર બાદ ખરી હકીકત બહાર આવશે.