સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) આહવાથી ગીરમાળના એસટી બસનાં ડ્રાઈવરે (Bus Driver) પીધેલી હાલતમાં બસને પુરઝડપે તથા ગફલતભરી રીતે હંકારી મુસાફરોનો જીવ જોખમમાં મુકતા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો (complaint) નોંધાયો છે. એસટી બસને ઉભી રાખી તપાસ કરતા ડ્રાઈવરની આંખો લાલ ચોળ હોવાની સાથે મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી.
- નશાની હાલતમાં બસને પુરઝડપે તથા ગફલતભરી રીતે હંકારી મુસાફરોના જીવ જોખમમાં મુકતો ડ્રાઈવર
- એસટી બસને ઉભી રાખી તપાસ કરતા ડ્રાઈવરની આંખો લાલ ચોળ હોવાની સાથે મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી
- ડાંગ જિલ્લાની આહવાથી ગીરમાળ જતી બસનો ડ્રાઈવરે પીધેલી હાલતમાં જણાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ આહવા એસટી ડેપોની એસ.ટી.બસ. નં. જી.જે.18.ઝેડ.2523 આહવાથી 18/45 કલાકે ઉપડી સુબિર તાલુકાનાં ગીરમાળ ગામે રવાના થઈ હતી. આ એસ.ટી બસનાં ડ્રાઈવર હિતેશભાઈ જીવણભાઈ પટેલ કેફી પીણુ પીધેલી હાલતમાં હોવાથી એસટી બસને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યાની જાણ સુબિર પોલીસની ટીમને કરવામાં આવી હતી. જેથી સુબિર પોલીસની ટીમે સુબિર ચાર રસ્તાના સર્કલ પાસે આહવા ગીરમાળ એસટી બસને ઉભી રાખી તપાસ કરતા ડ્રાઈવરની આંખો લાલ ચોળ હોવાની સાથે મોઢામાંથી કેફી પીણાની તીવ્ર વાસ આવતી હતી. આ એસટી બસનો ડ્રાઈવર સરખી રીતે ઉભો પણ રહી શકતો ન હતો અને લથડીયા ખાતો હતો.
આ એસટી બસમાં કંડકટર અને અન્ય સાત જેટલા મુસાફરો સવાર હતા. આ ડ્રાઈવરે મુસાફરોનાં જીવને જોખમમાં મૂકી એસટી બસને પુરપાટવેગે અને ગફલતભરી રીતે હંકારતા મુસાફરોનાં જીવ અધ્ધર થયા હતા. પરંતુ સુબિર પોલીસની ટીમે સમયસૂચકતા વાપરી આ બસને ઉભી રાખતા મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં સુબિર પોલીસની ટીમે આહવા ગીરમાળ એસટી બસનાં ડ્રાઈવર હિતેષભાઈ જીવણભાઈ પટેલ (ઉ.37, વલસાડ આહવા એસટી વિભાગ મુળ.રહે. રાનકુવા પટેલ ફળિયુ તા.ચીખલી જી.નવસારી) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડાંગના આહવાથી વરલી મટકાનો જુગાર રમાડનાર એક ઝડપાયો
સાપુતારા: ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુગાર પ્રોહીબિશનની પ્રવૃત્તિઓને ડામવા ડાંગ એલ.સી.બીનાં પી.એસ.આઈ. જયેશ વળવીની ટીમે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન આહવા સિવિલ હોસ્પિટલ નજીક આવેલા ચર્ચ પાસે અમુક ઈસમો ગેરકાયદેસર વરલી મટકા જુગાર રમાડી રહ્યાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે એલ.સી.બી પોલીસની ટીમે રેડ કરતા ચર્ચની સામે પપ્પુભાઈની ચાની લારી પાસે જબ્બારભાઈ અબ્દુલભાઈ વાની આવતા જતા માણસોને પાવતીમાં લખી આપતા જણાઈ આવ્યો હતો. એલ.સી.બીની ટીમે જબ્બારભાઈ અબ્દુલ વાનીની ધરપકડ કરી તપાસ હાથ ધરતા તેની પાસેથી જુગારનો મુદામાલ મળી આવ્યો હતો. એલ.સી.બી પોલીસની ટીમે વરલી મટકા જુગાર રમાડનાર જબ્બાર અબ્દુલ વાની (રહે. નાંદનપેડા તા.આહવા)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તેની સાથે સંકળાયેલા સાગરીત રવીન્દ્ર કેશવ ગામીત (રહે. આહવા. જવાહર કોલોની)ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.