Dakshin Gujarat

ચીખલીમાં મારૂતિવાન બગડી જતાં રિપેર કરી, રિપેર કર્યા બાદ ચાલુ કરવા જતા જ ભડભડ સળગી ઊઠી

ઘેજ: ચીખલી (Chikhli) નજીકના સાદકપોરના ગોલવાડમાં ફડવેલ માર્ગ (Road) પરથી મુકેશ હળપતિ તેમની મારૂતિવાન જીજે-૨૧ – એમ-૨૫૮૮ માં આમધરા જઇ રહ્યા હતા તે દરમ્યાન મારૂતિવાન અચાનક બંધ પડી જતા મિકેનિકને સ્થળ પર બોલાવી રિપેર (Repair) કરાવી હતી. જોકે રિપેર કર્યા બાદ ચાલુ કરવા જતા જ વાનમાંથી ધુમાડો નીકળતા ચાલક સમયસૂચકતા વાપરી ઉતરી ગયાની ક્ષણવારમાં જ આગ (Fire) ભભૂકી ઊઠી હતી અને જાહેર માર્ગ ઉપર આ મારૂતિવાન (Maruti Van) ભડકે બળતા અને તે સમયે અવાજ પણ આવતા ત્યાંથી પસાર થતા લોકોમાં એક સમયે ગભરાટ ફેલાયો હતો. ચીખલી તાલુકા પંચાયતના ફાયર ફાયટરે આગને કાબૂમાં લીધી હતી. પરંતુ તે પૂર્વે વાન સંપૂર્ણપણે બળી ગઇ હતી. બપોર બાદ ચારેક વાગ્યાના આ બનાવ દરમ્યાન એક સમયે વાહન-વ્યવહાર પણ થંભી ગયો હતો.

ગણદેવા ગામ પાસેથી શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સાથે 1 ઝડપાયો
નવસારી : ગણદેવી પોલીસે બાતમીના આધારે ખારેલ-ટાંકલ રોડ પર ગણદેવા ગામ પાસેથી 1.11 લાખના શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સાથે 1ને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય 2ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ રંગની મહિન્દ્રા બોલેરો પીકઅપ (નં. જીજે-05-બીવી-8158) માં શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીના બેરલ ભરેલા છે અને તે કોઈ પણ સેફ્ટિના સાધન વગર તેમજ કોઇપણ સત્તાધિકારીની પરવાનગી વગર હેરાફેરી કરી લઈ જાય છે અને તે ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહી ભરી રાનકુવા તરફ જવાની હોવાની બાતમીના આધારે પોલીસે ખારેલ બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો પીકઅપ આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. પરંતુ તેણે પીકઅપ ઉભી નહીં રાખતા પોલીસે તે પીકઅપનો પીછો કર્યો હતો. દરમિયાન પોલીસે ખારેલ-ટાંકલ રોડ પર ગણદેવા ગામ પાસે હરીપુરા ફળિયા પાસે પીકઅપ ઉભો રખાવતા પોલીસે પીકઅપ ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે પીકઅપમાં 11 બેરલમાંથી 1,11,320 રૂપિયાનો 2420 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી મળી આવતા પોલીસે સુરત અમરોલી છાપરાભાઠા માલધારી સોસાયટીમાં રહેતા વિશાલ બેચરભાઈ રાનાણીને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે સુરત કામરેજના સહકાર સોસાયટીમાં રહેતા નિલેશભાઈ મનસુખભાઈ વોરા અને સુરત અડાજણમાં રહેતા નીરવભાઈ સેંજલિયાને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 5 લાખનો પીકઅપ, 5 હજાર રૂપિયાનો મોબાઈલ અને રોકડા 2700 રૂપિયા મળી કુલ્લે 6,19,020 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top