- વલસાડ કોલેજનો સ્ટુડન્ટનું અચાનક મોત નીપજયું, હાર્ટ એટેક કે ઠંડીના લીધે મોત થયું?
- 19 વર્ષીય આકાશ પટેલ બગીચામાં મિત્રો સાથે ચાલતી વેળા ઢળી પડ્યો
- પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
વલસાડ: મિત્રો સાથે ગપ્પા મારતા અને હસતા રમતા 19 વર્ષના કોલેજ સ્ટુડન્ટનું વલસાડમાં એકાએક મોત થતાં ખળભળાટ મચી ગયો છે. વલસાડ જેપી શ્રોફ આર્ટસ કોલેજ નો સ્ટુડન્ટ આજરોજ સવારે પોતાના મિત્રો સાથે સેલ્ફી લીધા બાદ હસતા રમતા કોલેજના બગીચા તરફ ચાલતો જઈ રહ્યો હતો ત્યારે નજીકમાં બેઠેલા બીજા મિત્રો પાસે જતી વખતે અચાનક નીચે જમીન પર ઢળી પડ્યો હતો. યુવાનને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની કસ્તુબા હોસ્પિટલમાં ખસેડાયા હતો ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો જે સીસીટીવી ફૂટેજ હાલમાં વાયરલ થઈ રહ્યા છે જેમાં યુવાન પોતાના મિત્રો સાથે ચાલતા ચાલતા જમીન પર પડી જતા દેખાઈ રહ્યો છે. આ યુવકનું હાર્ટ એટેકના લીધે કે પછી ઠંડીના લીધે મોત થયું તે જાણી શકાયું નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડી મોટા તળાવ પાસે રહેતો આકાશ દિનેશભાઈ પટેલ (ઉં.વ. 19) વલસાડ જેપી શ્રોફ આર્ટસ કોલેજમાં એસવાય બીએ માં અભ્યાસ કરતો હતો. આજે બુધવારે તા. 18 જાન્યુઆરીના રોજ સવારે આકાશ કોલેજ ઉપર ગયો હતો અને કોલેજ કેમ્પસમાં પોતાના મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો. મિત્રો સાથે વાતો કરતા કરતા કરતા ચાલી રહ્યો હતો. દરમિયાન આકાશને ખેંચ આવતા તે અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. એકાએક આકાશને શું થયું તે મિત્રો સમજી શક્યા નહોતા, પરંતુ તેને સારવારની જરૂર હોય તેવું સમજી ચૂકેલા મિત્રોએ કોલેજ સ્ટાફને જાણ કરી હતી અને આકાશને ઉઠાવી કોલેજના સ્ટાફની કારમાં તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
દરમિયાન 108 આવી જતા રસ્તા વચ્ચે કાર ઉભી રાખીને આકાશને 108 માં ખસેડ્યો હતો. 108 દ્વારા આકાશને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધી ખુબ મોડું થઈ ગયું હતું. કસ્ટુરબા હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે આકાશને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતા જ આકાશના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું, જ્યારે આકાશ કોલેજના મિત્રો સાથે વાતો કરતો કરતો જતા પડી જાય છે તે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ના ડોક્ટર સમીર દેસાઈ આ બાબતે જણાવ્યું હતું કે યુવાનનું મોત ઠંડીના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઠંડી કે હાર્ટ એટેકના લીધે સ્ટુડન્ટનું થયું મોત? પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હકીકત બહાર આવશે
આ યુવકનું હાર્ટ એટેકના લીધે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તબીબો કહે છે કે તાજેતરમાં યુવાન વયના લોકોમાં હૃદય હુમલાના બનાવો વધ્યાં છે. ગયા વર્ષે આણંદના તારાપુરમાં નવરાત્રિ દરમિયાન ગરબા રમતાં રમતાં એક યુવાન ઢળી પડ્યો હતો. દરમિયાન ઠંડીના લીધે લોહી જામી જતા મોત થયું હોવાનું પણ ચર્ચા ઉઠી છે. રાજકોટમાં સ્કૂલની વિદ્યાર્થીનીનું ઠંડીના લીધે લોહી જામી જતા મોત થયું હોઈ તે જ રીતે વલસાડના કોલેજ સ્ટુડન્ટનું મોત થયાની પણ ચર્ચા ચાલી રહી છે. ખરું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.