પોચેફસ્ટ્રુમ : દક્ષિણ આફ્રિકામાં (South Affrica) રમાઇ રહેલા પ્રથમ મહિલા અંડર-19 વર્લ્ડકપ દરમિયાન રવાન્ડાની મહિલા ઝડપી બોલર હેનરિયેટ ઈશિમવેએ લસિથ મલિંગાવાળી કરીને 4 બોલમાં 4 વિકેટ ઉપાડીને ઇતિહાસ રચ્યો હતો.
રવાન્ડા અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચમાં ઝિમ્બાબ્વેની ઇનિંગની 19મી ઓવરમાં હેનરિયેટ ઇશિમવેએ પહેલા જ બોલ પર કુડજાઈ ચિગોરાને બોલ્ડ કરી હતી. તે પછીના બોલે ઓલિન્ડા ફોરને એલબીડબ્લ્યુ કરી હતી. તે પછી ચિપો મોયોને પણ તેણે બોલ્ડ કરી હતી અને ઓવરના ચોથા બોલ પર તેણે ફેથ એન્ડ્લાલમ્બીને આઉટ કરીને ઝિમ્બાબ્વેની ઇનિંગ્સને 80 રનમાં સમેટી દીધી હતી.
ઝિમ્બાબ્વેએ તેની અંતિમ 5 વિકેટ 6 બોલમાં ગુમાવી દીધી હતી. આ દરમિયાન તેની એકપણ બેટર રન બનાવી શકી ન હતા. પ્રથમ બેટિંગ કરતા રવાન્ડાની ટીમે 119 રન બનાવ્યા હતા. રવાંડાએ પણ છેલ્લી 4 વિકેટ 7 બોલમાં ગુમાવી હતી. ઝિમ્બાબ્વેએ 80 રન બનાવ્યા હતા અને રવાન્ડા 39 રને જીતી હતી. મહિલા અંડર-19 વર્લ્ડકપમાં રવાન્ડા ટીમની આ પ્રથમ જીત છે.
પુરૂષ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 4 બોલમાં 4 વિકેટ લેવાની ઘટના 5 વખત થઇ ચુકી છે
પુરૂષોના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી ચાર બોલરોએ સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી છે. જેમાં શ્રીલંકાના લસિથ મલિંગાએ આવું પરાક્રમ બે વખત કર્યું છે, તેણે એકવાર વનડેમાં અને એકવાર ટી-20માં 4 બોલમાં 4 વિકેટ ખેરવી છે, તેના ઉપરાંત આયર્લેન્ડના કર્ટિસ કેમ્પર, અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરે પણ આ પરાક્રમ કર્યું છે.
મહિલા અંડર-19 વર્લ્ડકપમાં પહેલી હેટ્રિક દક્ષિણ આફ્રિકાની મેડિસન લેન્ડસમેને લીધી હતી
દક્ષિણ આફ્રિકામાં હાલમાં રમાઇ રહેલા મહિલા અંડર-19 વર્લ્ડકપમાં સૌથી પહેલી હેટ્રિક દક્ષિણ આફ્રિકાની મેડિસન લેન્ડસમેને લીધી હતી. સોમવારે અંડર-19 વર્લ્ડ કપમાં તેણે પ્રથમ હેટ્રિક લઇને ઈતિહાસના પાનામાં નામ નોંધાવ્યું. તેણે સ્કોટલેન્ડ સામે ગ્રુપ સ્ટેજની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.