ગયા વરસે ઇન્ડોનેશિયાના બાલી ખાતે ભારતને વરસ 2023 માટે G-20 રાષ્ટ્રસમૂહનું પ્રમુખપદ અને તેની સાથે આવતું યજમાનપદ સોંપવામાં આવ્યું. G -20 એક સુખી રાષ્ટ્રોનો સમૂહ છે. જેમાં કુલ 19 દેશો ઉપરાંત યુરોપીઅન યુનિયનના તમામ 27 દેશો પણ G -20ના સભ્યો છે. ભારતમાં મોદી સરકાર કોઈ નાના પ્રસંગને પણ ગંભીરતાથી લેતી હોય છે. પ્રસંગને અનોખી રીતે ઊજવીને વિશ્વવિખ્યાત બનાવી દે. જેમ કે દાંડિયા-રાસ અને ગરબા. એમાં G -20નું પ્રમુખ અને યજમાનપદ એટલે આંતરરાષ્ટ્રીય સ્તરનો એક અત્યંત મહત્ત્વનો પ્રસંગ. તેની બેઠકોમાં અમેરિકી, ચીની, રશિયન, બ્રાઝિલ, ભારત, બ્રિટન, યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા વગેરે દેશોના સર્વોચ્ચ વડાઓ હાજર રહે. તેની દરેક પ્રોસિજરની જગતકક્ષાએ નોંધ લેવાય.
ભારતનો આંતરરાષ્ટ્રીય કક્ષાના મેળાવડા યોજવાનો દુનિયાને સારો અનુભવ નથી. 1982માં દિલ્હીમાં એશિયન ગેમ્સ યોજાઈ ત્યારે ગરીબ દેશને ન પોસાય તેવો ગંજાવર ખર્ચ કર્યો હતો. જે ભ્રષ્ટાચારમાં ચવાઈ ગયો. જે સ્ટેડિયમો અને આવાસો બંધાયાં ને ભવિષ્યમાં લોકોને કામ આવશે તેવાં સ્વપ્નાં દર્શાવાયાં હતાં તે બધાં બાંધકામો અવાવરુ કટાઈને ખતમ થઇ ગયા. ભારતને સ્પોર્ટસમાં કોઇ ઢંગનો એવોર્ડ મળ્યો ન હતો પરંતુ એ વખતે એક અપ્પુ (હાથી) નામનો મસ્કોટ પ્રસિદ્ધ થઇ ગયો હતો જે કામ આજકાલ કોંગ્રેસનો એક પપ્પુ સંભાળે છે. પપ્પુની સરકાર હતી ત્યારે 2012માં કોમવેલ્થ રમતોત્વસ યોજાયો. સુરેશ કલમાડીએ બેસુમાર ભ્રષ્ટાચાર કર્યો અને એ પિત્ઝાનો એક એક પીસ પક્ષો અને વિપક્ષોના માંધાતાઓને ખવડાવ્યો હતો. એ વખતે તમામ ટોચના નેતાઓએ સુરેશ કલમાડીને જાહેરમાં ન કહેવાનાં વચનો કહ્યાં હતાં જે કહેવા જરૂરી હતાં. એ જ લોકોએ કલમાડીને બચાવી લીધો હતો. ખાસ તો સોનિયામેડમ અને શરદ પવારે.
આ એક હિમાશિલાની ઉપરની દૃશ્યમાન ટૂકનું ઉદાહરણ હતું. હવે સ્થિતિ બદલાઈ છે. એમ સરકારી ખજાનો લૂંટાવીને યુરોપ ભેગો કરી શકાતો નથી. આવા ફંકશનો સરકારો દ્વારા લોકોનું ધ્યાન કયાંય બીજે અટકાવવા માટે થતું નથી. G-20 એટલે G-20ની જ વાત થવી જોઈએ. સરકાર એકાગ્ર ચિત્તે તેના કામ પાછળ લાગી ગઈ છે. આ એક એવું સંમેલન હશે જેના ઘણા નિર્ણયો જગત માટે દૂરોગામી અસર પાડશે. ભારત તેમ જ દુનિયાના અર્થતંત્રો માટે હિતાવહ હશે અને જગતને નવી દિશામાં લઇ જશે.
વરસ 1999માં જ G-20ની સ્થાપના થઈ હતી. 2008 બાદ દર વરસે તેના કોઈ મેમ્બર દેશમાં તેની પરિષદ મળે છે અને એ વરસમાં તમામ વ્યવસ્થા અને તૈયારીઓ એ સભ્ય દેશે કરવાની હોય છે. સભ્ય દેશો આખરી પરિષદમાં એક સર્વાનુમત પર પહોંચે તે માટે તમામ દેશોના પ્રતિનિધિઓએ અગાઉથી સુધારણાના મુસદ્દાઓ માટે તૈયારીઓ આરંભી દેવી પડે છે. યજમાન દેશમાં તેઓ વારંવાર મળે છે જે જેતે દેશના ‘શેરપા’ તરીકે ઓળખાય. ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શેરપા તરીકે અમોદ કંઠ છે.
જો કે આ અગાઉ ભારતમાં 1983માં ઇન્દિરા ગાંધીના સમયમાં ગુટનિરપેક્ષ 100 દેશોની પરિષદ નવી દિલ્હીમાં મળી હતી. એ સમયે પણ ભારત સોવિયેત સંઘની ગોદીમાં બેસેલું ‘ગુટ નિરપેક્ષ’ હતું. ત્યાર બાદ કોમનવેલ્થ દેશોની પરિષદ ભારતમાં મળી હતી. પણ તે બધામાં સમગ્ર દુનિયાનાં હિતો જોડાયેલાં ન હતાં અને પરિષદો મળી પણ કોઈ લાંબી અસર ન પડી. હવે ભારતમાં 2024માં સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે અને 2023માં G-20 જેવી નોંધપાત્ર પરિષદ યોજાશે. એમ તો સોનિયા ગાંધીની કોમનવેલ્થ ગેમ્સના બે વરસ બાદ જ ચૂંટણી હતી અને તો પણ કોંગ્રેસે બધી શરમ નેવે મૂકી દીધી હતી પરંતુ નરેન્દ્ર મોદી એ કૂળના નથી. G-20નો ફાયદો ચૂંટણીમાં મળે તેનું પણ ખાસ ધ્યાન રખાશે.
આ વરસે દેશમાં ધનધાન્ય રેકર્ડ તોડે એટલું મબલખ પાકયું છે. રાહુલ ગાંધી અકારણ એ લોકોને સિયા રામ, રામ રામનો ભેદ સમજાવી રહ્યા છે જેઓ રાહુલ કરતાં આ બાબતમાં ખૂબ ઊંડી સમજ અને અદેકરું જ્ઞાન ધરાવે છે. પાંડવો અને GST અને તપસ્વી. આ બધી વાતોમાં દેશ જોડાવાનો? વાતને ના તો પૂંછડું કે ન શિંગડું. માત્ર મોદી દ્રોહ સિવાય આ કશું નથી. પરંતુ ભારતના ઇતિહાસમાં વારાણસી, બાંગ્લાદેશ અને દિબ્રુગઢ સુધીની ક્રુઝસેવાએ – નરેન્દ્ર મોદીએ ઇતિહાસમાં ખરેખર ભારતને જોડી દીધું છે. ઉદ્યોગોમાં એક નવા અને બહોળા વિષયના મંડાણ કર્યાં છે. આવા વાતાવરણમાં G-20નું પ્રમુખપદ જરૂર શોભી ઊઠશે.
એ દરમિયાન જો ચન્દ્રયાન- ત્રણ ચન્દ્ર પર સફળ લેન્ડિંગ કરશે એટલે ભયો ભયો પણ આ બધું દાઢી વધારવાથી ન થાય. તે માટે સતત દેશને ચલાયમાન રાખવો પડે. જે બાબતમાં મોદી શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. આવા સમયમાં કોઇને ગોદી મીડિયા કહેવું તે બતાવે છે કે કહેનારને મરચું પચતું નથી. આજે પાટનગરમાં પોસ્ટરો લાગ્યા છે જે G-20ના સંદર્ભમાં છે. ‘વન અર્થ, વન ફેમિલી, વન ફયુચર’. ‘એક પૃથ્વી એક કુટુંબ, એક ભવિષ્ય.’ કોંગ્રેસને આ બેનરો પસંદ પડયા નથી. તો શું સરકારે રાહુલની તસ્વીરવાળા બેનરો મૂકવા? જો કે વડા પ્રધાન મોદીએ G-20નું પ્રમુખપદ મળ્યું તેના થોડા સમય બાદ તમામ વિપક્ષોના નેતાઓની બેઠક બોલાવી સહકાર માગ્યો. મોદીએ કહ્યું કે, ‘‘G-20નું પ્રમુખપદ ભારતને મળ્યું છે તે વાસ્તવમાં સમગ્ર દેશને મળેલું પ્રમુખપદ છે અને ભારતની ક્ષમતાઓ વિશ્વ સમક્ષ રજૂ કરવા માટેની આ એક અદ્દભુત તક છે. વિશ્વમાં ભારત બાબતમાં એક જિજ્ઞાસા અને આકર્ષણ ફેલાયેલાં છે. ભારતની સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ અને પર્યટન માટે પણ આ એક ઉત્તમ તક છે.’’
ભારત માત્ર G -20નું પ્રમુખ જ નથી. આ ઉપરાંત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનિઝેશન (SCO)નું પણ અધ્યક્ષ ભારત છે.આ સંગઠન મધ્ય એશિયાના દેશો, રશિયાથી નીચે આવેલા દેશો અને ચીન સહિતનું સંગઠન છે. જેમાં મધ્ય એશિયા સાથે સંબંધો વધારવાના ઉદ્દેશ્યથી ભારત જોડાયું છે. આ સંગઠનના સભ્ય તરીકે હવે ઇરાન અને સાઉદી અરેબિયા ઓબ્ઝર્વરના સ્ટેટ સાથે જોડાશે. ભારતને SCOની અધ્યક્ષતા મળી છે ત્યારે મધ્ય એશિયામાંથી ચીનનો પ્રભાવ હળવો કરવા ભારત પ્રયત્નો કરશે. તેઓ સાથે શસ્ત્રોના નિર્માણ અને તાલીમ બાબતે ભારત સહયોગ સાધશે.
G -20ની અધ્યક્ષતા દર વરસે બદલાતી રહે છે. ગયા વરસે ઇન્ડોનેશિયા પાસે હતી તો આવતા વરસે બ્રાઝિલ પાસે હશે. ભારતમાં તેને સફળ બનાવવા માટે આ ત્રણેય દેશોની ભૂમિકા પણ મહત્ત્વની રહે છે. આ ત્રણ દેશના જોડાને ટ્રોઇકા અથવા ત્રિકુટા કહે છે. આ જવાબદારી નિભાવવાનું ફરજિયાત હોય છે. આ વરસે, ગયા વરસની માફક દુનિયા ઘણી સમસ્યાઓથી પીડાઈ રહી છે. એક છે, યુક્રેન યુદ્ધ, યુરોપ-અમેરિકાના દેશોમાં કયાંક ફુગાવો અને કયાંક મંદી, ત્રીજા વિશ્વના દેશો ઊર્જા, અનાજ, ખાદ્યપદાર્થો અને મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. જો એક યુક્રેન યુદ્ધ અટકી જાય તો અનેક તકલીફો ખતમ થઇ જાય અથવા હળવી પડે. જો ભારત આ દિશામાં કોઇ કારગર કદમ ઉઠાવવામાં, સમાધાનો કરાવવામાં સફળ રહેશે તો આ વરસ અને આ ઘટના બન્ને ઇતિહાસમાં અમર બની જશે.
વરસ દરમિયાન ભારતના 50 જેટલાં શહેરોમાં સરકાર દ્વારા 200 જેટલી મીટિંગો, પરિષદો, ચર્ચાઓનું આયોજન થશે. જેમાં સરકારોની બહાર રહેલા સિવિલ સોસાયટીના વિદ્વાનો અને તજજ્ઞોનો પણ અભિપ્રાય જાહેરમાં મેળવવામાં આવશે. આખરી આંતરરાષ્ટ્રીય ટોચની પરિષદ સપ્ટેમ્બરમાં નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં જો બાઈડન, શી ઝિનપિંગ, વ્લાદીમીર પુતીન, ઋષિ સુનક સહિતના ટોચના નેતાઓ હાજર રહેશે.
દિલ્હી પર જગતના નામી મીડિયાના હજારો પત્રકારો ઊતરી આવશે. એ સમયે જે નિર્ણયો લેવાશે તેની સારી કે અવળી અસર ખૂબ જ નોંધપાત્ર હશે. ભારત પ્રયત્ન કરશે કે ઘવાયેલી દુનિયાને વધુ ઇજા પહોંચાડવાને બદલે તેની પાટાપીંડી થાય પરંતુ આ શિખર પરિષદ યોજાય તે અગાઉ દુનિયા કેવા કેવા તબક્કાઓમાંથી પસાર થશે તેના પર ઘણો મદાર છે. જેમ કે યુક્રેન અને રશિયા યુધ્ધમાં કશું પણ સંભવી શકે છે. એ બાદ કદાચ ભારતનો અવાજ કે આયોજન સાર્થક ન નીવડે. આ ફેબ્રુઆરીની 23 તારીખે યુદ્ધને એક વરસ પૂરું થશે.
ભારત ઇચ્છે છે કે આવનારી પરિષદમાં રશિયા અને પુતીન મહત્ત્વની સકારાત્મક ભૂમિકા ભજવે. બાલીની શિખર પરિષદમાં પુતીન હાજર રહી શકયા નથી પરંતુ આ વખતે એમણે એમના સચિવ મારફતે કહેવડાવ્યું છે કે નવી દિલ્હીની પરિષદમાં એ જરૂર હાજર રહેશે. પરંતુ યુક્રેન યુદ્ધ લાંબું ચાલ્યું તો પશ્ચિમના દેશો આગ્રહ રાખશે કે G -20માંથી રશિયાનું સભ્યપદ રદ કરવામાં આવે. તેને કાઢી મૂકવામાં આવે. ભારતમાં આવી ડિમાન્ડ રખાય તો ભારત માટે એક ધર્મસંકટ ઊભું થશે. અગાઉ રશિયા સાથે પશ્ચિમના દેશો આવું કરી ચૂકયા છે.
રશિયાએ 2014માં યુક્રેન પાસેથી ક્રિમિયા પ્રાન્ત પચાવીને પોતાનામાં જોડી દીધો ત્યારે G -8 નામનું એક પાવરફૂલ દેશોનું જૂથ હતું. તેમાંથી રશિયાને બહાર ફેંકી દેવાયું હતું અને ત્યારથી એ ગ્રુપ G 7 તરીકે ઓળખાતું થયું હતું. યુક્રેન પર રશિયા અત્યાચાર ચાલુ રાખશે તો G -20 સમૂહ પણ તે પ્રત્યે અનદેખી કરી શકશે નહીં. ભારત સાથેના ચીનના કડવાશભર્યા સંબંધો પણ અહીં આડખીલીરૂપ બની શકે છે. સપ્ટેમ્બરમાં શી ઝિનપિંગ ભારત આવશે ત્યારે એમના મગજમાં શું ભર્યું હશે એ તો એ જ જાણતા હશે. કેવા વલણ સાથે પધારશે એ કહી શકાય નહીં.
શકય છે કે આર્થિક બેહાલી સામે ઝઝુમ્યા પછી એ નરમ પડયા હોય. તવાંગમાં એમણે ભારત સામે માર ખાધો જ છે. એમના પ્રથમ નંબરના હરીફ જો બાઈડન પણ હાજર હશે તેથી શિ ઝિનપિંગ પોતે અળખામણા ન દેખાય તેનો ખાસ પ્રયત્ન કરશે. એક આડ વાત. ગયા નાણાંકીય વરસમાં, ચીનમાં બનેલો સામાન નહીં ખરીદવાનો એક અન્ડરકરન્ટ વહેતો હોવા છતાં ભારતે ચીનમાંથી વિક્રમસર્જક આયાત કરી હતી અને તેની સામે નિકાસનું પ્રમાણ ખૂબ મામૂલી રહ્યું હતું. એ સમજવું મુશ્કેલ છે કે આપણે ચીનને નફરત કરીએ છીએ કે પ્રેમ? જવાબ છે, લોકો પૈસાને સૌથી વધુ પ્રેમ કરે.