અમર કરે અમૃત કહેવાય. મનુષ્યને અમર કરવાની જરૂર નથી. જે માનવજીવન મળ્યું છે તે અંત સુધીની સફર પૂર્ણ કરે. વચ્ચેથી સફર અટકાવે નહીં. અમૃત એ સુધા-પીયૂષ. અમૃત એ ખડક ઉપર ઊગતી એક જાતની વેલ છે. આપણે ત્યાં એક અમરવેલ જોવા મળે છે જે તોડીને ટુકડો બીજા અન્ય છોડ કે વૃક્ષ પર નાંખો ત્યાં વૃદ્ધિ પામે છે. પૌરાણિક કથામાં અમૃત અંગે કથા પણ પ્રચલિત છે. જ્યોતિષમાં સાત ચોઘડિયાંમાંનું એક તે અમૃત. એમાં માનનારાં શુભ કાર્યોમાં ગણતરી કરે છે. આજે એવા અમૃતની વાત કરવી છે, જે આયુષ્ય વધારનારી ઔષધિનું કામ કરે છે. જે મનમાં વ્યાપેલા ઝેરનું મારણ કરવા શક્તિમાન છે. તે છે ઉત્સાહનું અમૃત. મને લાગે છે કે તણાવભર્યા માહોલમાં હારીને થાકીને હતાશ-નિરાશાજનક સ્થિતિમાં આવી પડેલ સૌ કોઈને જો ઉત્સાહનું અમૃત પીવડાવીને ફરીથી દોડતો કરી શકાય છે. આજે તો નાની સરખી વાતમાં જિંદગીનો અંત-આત્મહત્યા કરનારની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો જણાય છે. અંતિમ પગલું ભરનારને થોડા સહકારની, ઉત્સાહની જરૂર છે.
“તારાથી શેકેલો પાપડ પણ ન ભાંગે”, “તને કંઈ ભાન નથી”, એમ ન કહેતાં, “તું આગળ વધ. અમે તારી સાથે જ છીએ”-એમ કહેવાની જરૂર છે. નિરાશાનાં વાદળો ઘેરાયેલાં હોય અને આત્મહત્યા માટે વરસી પડે એમ હોય ત્યારે ઉત્સાહનું અમૃત સર્વશ્રેષ્ઠ ઉપાય છે. વિદ્યાર્થીઓને માટે શિક્ષકો અને વાલીઓએ આ ભૂમિકા અદા કરવી જોઈએ. વેપાર-ધંધો, વ્યવસાયમાં ખોટ સહન કરનાર માટે કુટુંબીજનો, સગાં-વહાલાં ઉત્સાહ પૂરી શકે છે. પ્રેમમાં નિષ્ફળ જનારને અંગત મિત્રો સમજાવી શકે તો આત્મહત્યાના બનાવો ચોક્કસ ઘટી શકે છે. હારેલા-થાકેલાને વધુ શિખામણ આપવાની જરૂર નથી, “અમે સાથે જ છીએ”,એમ કહી ટેકો-આધાર આપવાનો છે. ચાલો, ઉત્સાહનું અમૃત પીવડાવવાની કામગીરી હાથમાં લઈને અમલ કરીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મુસ્લિમ બહુમતિ ધરાવતાં ઈન્ડોનેશિયામાં હિંદુ સલામત છે તો ભારતમાં કેમ નહીં?
ભારતમાં છેલ્લા 30 વર્ષથી હિંદુ-મુસ્લીમને સામ-સામે મૂકીને ચૂંટણીઓ લડવામાં અને જીતવામાં આવી રહી છે. દરેક ચૂંટણીઓમાં ડરપોક હિંદુ પ્રજાને ડરાવવા-ધમકાવવા ભયભીત કરવા જાત જાતની અફવાઓ ફેલાવાય છે. મુસ્લીમોને ટાર્ગેટ કરાય છે, વિવાદો ઉભા કરાય છે હિંદુઓને સતત મુસ્લીમોથી ભયભીત કરવાનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. ભારતમાં 100 કરોડ હિંદુઓ સામે 20 કરોડ મુસ્લીમો છે. જ્યારે ભારતના પૂર્વમાં મલાક્કાની સમુદ્રધુનીને અડીને આવેલો દેશ ઈન્ડોનેશિયા 27 કરોડની આબાદીવાળો 13677 ટાપુ સમુહનો દેશ છે. ઈન્ડોનેશિયાની 27 કરોડની વસ્તીમાં 21 કરોડ મુસ્લીમો અને માત્ર 1.7 કરોડ હિંદુ અને 6 કરોડ જેટલા ક્રિશ્ચિયનો વસે છે.
એટલે કે આ દેશની 90 ટકા વસતિ મુસ્લીમોની છે. હિંદુ માત્ર 3 ટકા છે છતા ત્યાં 10 હજાર હિંદુ મંદિરો સલામત છે. તમામ હિંદુઓ પણ સલામત છે. ત્યાં હિંદુ-મુસ્લીમ હુલ્લડો થતા નથી. હિંદુઓના ઘરમાં મુસ્લીમો ઘુસ્યા નથી. હિંદુઓની મા-બહેન-દીકરીઓ સંપૂર્ણ સલામત જીવે છે ત્યાંના પ્રાચીન હિંદુ મંદિરોમાં નિત્ય રામાયણની નૃત્ય નાટિકા ભજવાય છે. જેમાં મુસ્લીમ કલાકારો કામ કરે છે. એમને પ્રભુશ્રી રામ પ્રત્યે કે હિંદુ ધર્મ પ્રત્યે કોઈ વેરભાવ નથી આ ટાપુ સમુહ પર આવેલા અતિપ્રાચીન હિંદુ ધર્મસ્થાનો જોવા દુનિયા ભરમાંથી લાખ્ખો શ્રદ્ધાળુ ટુરિસ્ટો દર વર્ષ આવે છે. ભારતનો સત્તાધારી પક્ષ જમ જણાવે છે કે મુસ્લીમોની બહુમતિ થશે તો હિંદુઓને જીવવું ભારે પડશે એવું અહી કંઈ નથી. આ બઘુ માત્ર રાજ કારણ છે એ સમજી લેજો.
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.