નવસારી : સુરતની (Surat) પરિણીતા નવસારીના (Navsari) એક યુવાન સાથે પ્રેમસબંધ બાંધી તેને લગ્ન (Marriege) કરવાની લાલચ આપી પૈસા પડાવતી હતી. પરંતુ તે પરિણીતાએ યુવાનને લગ્ન કરવાની ના પાડતા યુવાને તેને પૈસા આપવાનું બંધ કર્યા બાદ પરિણીતાએ તેના પતિ અને નવસારીના અન્ય એક સાથી સાથે ધમકીઓ આપી માર મારી ત્રાસ આપતા યુવાને આપઘાત (Suicide) કરી લીધો હતો. જે બાબતે પોલીસે સુરતના મુસ્લિમ દંપતી અને નવસારીના યુવાનને ઝડપી પાડતા હાલ ત્રણેય આરોપીઓ જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જોકે પોલીસે મૃતક ધવલે આયશાને અપાવેલા દાગીનાની બેગ અને બિલ કબ્જે કર્યા હતા.
સુરતના માનદરવાજા વિસ્તારમાં ખ્વાજા નગર ખાતે રહેતી આયશા યાસમીન ઉર્ફે જાકીરાએ નવસારીના અક્ષરધામ રેસીડન્સીમાં ફ્લેટમાં રહેતા ધવલ પટેલ સાથે પ્રેમ સબંધ બાંધી ધવલ પટેલને લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર કપડાં તથા સોનાના દાગીનાની ખરીદી કરાવી પૈસા કઢાવતી હતી. ધવલે આયશાને લગ્ન માટે કહેતાં આયશાએ લગ્ન કરવાની ના પાડતા ધવલે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આયશાએ તેના પતિ ઇરફાન અને નવસારીમાં લકી ગેસ્ટ હાઉસ ચલાવતા કૌશિક બારોટે ધવલ પટેલને માર માર્યો હતો. અને ધવલ પાસેથી 20 થી 25 લાખ રૂપિયા આયેશા તથા ઇરફાને પડાવી લીધા હતા. એ પછી પણ સતત માંગણી થતી રહી હતી, પરંતુ પૈસા નહીં હોવાનું ધવલે કહેતાં આયેશા, ઇરફાન તથા કૌશિક બારોટે માર મારીને મારી નાંખવાની તેમજ બદનામ કરવાની ધમકી આપી બળાત્કાર તેમજ છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જેથી ધવલ પટેલે નવસારી છોડી દેવાની પણ તૈયારી કરી નાંખી હતી, દરમિયાન કૌશિક બારોટે બે વખત ધવલને હોટલમાં માર માર્યો હતો. આ ટોળકીના ત્રાસથી કંટાળીને ધવલ પટેલે નવસારીમાં તેના ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના અંગે કલ્પેશ પટેલે નવસારી ટાઉન પોલીસમાં આયેશા તેના પતિ ઇરફાન તથા કૌશિક બારોટ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતે પોલીસે આયશા, ઈરફાન અને કૌશિક બારોટને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાંડની માંગણી કરી હતી. જોકે કોર્ટે આયશા અને ઇરફાનના 2 દિવસના રિમાંડ મંજુર કર્યા હતા. જ્યારે લકી ગેસ્ટ હાઉસના માલિક કૌશિક બારોટને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ આયશા અને ઇરફાનના રિમાંડ પુરા થતા પોલીસે તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓને પણ જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. પોલીસે રિમાંડ દરમિયાન મૃતક ધવલે આયશાને અપાવેલા દાગીનાની બેગ અને બિલ કબ્જે કર્યા હતા.