World

યુવક ફેસબુક લાઈવ કરી રહ્યો હતો અને પ્લેન ક્રેશ થઈ ગયું, જુઓ નેપાળ પ્લેન ક્રેશનો ચોંકાવનારો વીડિયો

નવી દિલ્હી: નેપાળમાં (Nepal) રવિવારે પ્લેન ક્રેશની (Plane Crash) દર્દનાક ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ અકસ્માતમાં (Accident) અત્યાર સુધીમાં 68 લોકોના મોતની (Death) પુષ્ટિ થઈ છે. આ અકસ્માત સાથે જોડાયેલો એક વીડિયો (Video) સામે આવ્યો છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર ગાઝીપુરના યુવકે ઘટના દરમિયાન વીડિયો કેપ્ચર કરી રહ્યો હતો. વીડિયો બનાવતી વખતે આ દુર્ઘટના થઈ અને બધુ તબાહ થઈ ગયું. જે વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

આ વીડિયો ક્રેશના થોડાક સેકન્ડ પહેલાનો જણાવવામાં આવી રહ્યો છે. દુર્ઘટના બાદ નેપાળ સરકાર તાત્કાલિક સક્રિય થઈ ગઈ અને રાહત કાર્ય શરૂ કર્યું. સેંકડો રાહત અને બચાવકર્મીઓ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે. જ્યાં પ્લેન ક્રેશ થયું તે વિસ્તાર પહાડી છે. જેના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. આ અકસ્માતમાં ભારતના પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.

તમામ યુવાનો નેપાળ ફરવા ગયા હતા
તમને જણાવી દઈએ કે નેપાળ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આ પાંચ યુવકો ઉત્તર પ્રદેશના ગાઝીપુરના રહેવાસી હતા. આ તમામ યુવકો 13મી જાન્યુઆરીએ નેપાળ ફરવા ગયા હતા. તેમની ઓળખ અનિલ રાજભર, વિશાલ શર્મા, અભિષેક કુશવાહા, સોનુ જયસ્વાલ અને સંજય જયસ્વાલ તરીકે કરવામાં આવી છે. અકસ્માત પહેલા આ લોકોએ પ્લેનની અંદરથી ફેસબુક લાઈવ કર્યું હતું. આ તમામ યુવાનો અલવલપુર સિપાહ અને ધારવા ગામના રહેવાસી હતા. અધિકારીઓએ જણાવ્યું કે વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 68 લોકોએ જીવ ગુમાવ્યા. મધ્ય નેપાળના પોખરા રિસોર્ટ શહેરમાં નવા ખુલ્લો એરપોર્ટ પર ઉતરતી વખતે રવિવારે વિમાન ક્રેશ થયું હતું. યેતી એરલાઈન્સનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું જેમાં પાંચ ભારતીયો સહિત 72 લોકો હતા.

યતી એરલાઇન્સના અધિકારીએ શું કહ્યું?
યેતી એરલાઈન્સના એક અધિકારીએ જણાવ્યું કે પાંચ ભારતીયોની ઓળખ અભિષેક કુશવાહા (25), વિશાલ શર્મા (22), અનિલ કુમાર રાજભર (27), સોનુ જયસ્વાલ (35) અને સંજય જયસ્વાલ (35) તરીકે થઈ છે. પાંચમાંથી ચાર ભારતીય નાગરિકો શુક્રવારે જ ભારતથી કાઠમંડુ પહોંચી ગયા હતા. દક્ષિણ નેપાળના સરલાહી જિલ્લાના રહેવાસી અજય કુમાર શાહે જણાવ્યું કે ચારેય લેક સિટી અને ટૂરિસ્ટ સેન્ટર પોખરામાં પેરાગ્લાઈડિંગની મજા લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેણે કહ્યું કે અમે ભારતથી એક જ વાહનમાં સાથે આવ્યા હતા. પોખરા જતા પહેલા તેઓ પશુપતિનાથ મંદિર પાસેની ગૌશાળામાં રોકાયા હતા અને પછી થમેલની હોટેલ ડિસ્કવરીમાં રોકાયા હતા.

વિદેશમંત્રી જયશંકર અને ઉડ્ડયન મંત્રી સિંધિયાએ શોક વ્યક્ત કર્યો
તેણે કહ્યું કે તે પોખરાથી ગોરખપુર થઈને ભારત પરત ફરવાની યોજના બનાવી રહ્યો હતો. ભારતીય નાગરિકોમાં સૌથી મોટો સોનુ ઉત્તર પ્રદેશના વારાણસીનો રહેવાસી હતો. દરમિયાન, વિદેશ મંત્રી એસ જયશંકરે વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, “અમારી સહાનુભૂતિ પીડિત પરિવારો સાથે છે.” જયશંકરે ટ્વીટમાં કહ્યું, “નેપાળના પોખરામાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. અમારા સહાનુભૂતિ અસરગ્રસ્ત પરિવારો સાથે છે.” નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નેપાળમાં વિમાન દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને તેને “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યું હતું.

દુર્ઘટનાની મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 26 મુસાફરોની ઓળખ કરવામાં આવી છે. સવારના 9 વાગ્યાથી મુસાફરોનું પોસ્ટમોર્ટમ શરૂ થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. ભારતીયો સહિત અન્ય વિદેશી નાગરિકોના મૃતદેહોને રાજધાની કાઠમંડુ લાવવામાં આવશે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ ભારતીય મૃતદેહોને લેવા પોખરા પહોંચી ગયા છે. ઓળખ બાદ ભારતીય નાગરિકોના મૃતદેહોને યુપીના ગાઝીપુર મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જે મૃતદેહોની ઓળખ થઈ નથી તેમને કાઠમંડુ લાવવામાં આવશે, જ્યાં ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

Most Popular

To Top