નવસારી : મોલધરા ગામના (Moldhara Village) યુવાને મજુરીના પૈસા ચુકવવા વ્યાજે (Interest) રૂપિયા લેતા વ્યાજખોરોએ વ્યાજના આંકડાની જાળમાં ફસાવી યુવાન પાસેથી જબરદસ્તી લખાણ લખાવી કોરા ચેક લીધા બાદ વ્યાજખોરોએ યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા યુવાને વ્યાજખોરો સામે પોલીસ (Police) મથકે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના મોલધરા ગામે નવું ફળીયામાં રહેતા અક્ષય મનુભાઈ રાઠોડ 2017 માં સાડીમાં સ્ટોન ચોંટાડવા લાવતો હતો. જે સાડી અક્ષય સાતેમ અને પુર્ણી ગામની મહિલાઓને સ્ટોન ચોંટાડવા માટે આપતો હતો. જેથી અક્ષયે સાડીઓમાં સ્ટોન ચોંટાડતી બહેનોને મજુરીના પૈસા ચૂકવવાના હોવાથી અક્ષયે ગત 18મી ડીસેમ્બર 2017 માં મોલધરા ગામે પાદર ફળીયામાં રહેતા ઇમરાન યુસુફભાઈ નૌસારકા પાસેથી 2 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા.
2019 સુધીમાં 31 હજાર રૂપિયા લીધા હતા
જેનું વ્યાજ અક્ષય દર મહીને ચૂકવતો હતો. ધીમે-ધીમે અક્ષયને પૈસાની જરૂર પડતા તેણે ઇમરાન પાસેથી 2019 સુધીમાં 31 હજાર રૂપિયા લીધા હતા. જેનું વ્યાજ અક્ષય ચૂકવતો હતો. દરમિયાન એક વખત અક્ષય વ્યાજની નિયત તારીખ ચુકી જતા ઈમરાને 2 હજાર રૂપિયા પેનલ્ટી ગણી રકમ 33 હજાર રૂપિયા કરી વ્યાજ સાથે 2 વર્ષના ડબલ ગણી 67,920 રૂપિયા કરી 2830 રૂપિયાના 24 હપ્તામાં આપી દેવા માટેનું લખાણ કર્યું હતું. પરંતુ અક્ષયની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી 19મો હપ્તો ભરી શક્યો ન હતો. જેથી વ્યાજખોર ઈમરાને મૂળ રકમ 67,920 પાછી લખી દીધી હતી અને 18 હપ્તા ભરેલા તે ગણવામાં આવશે નહીં, તારે નવેસરથી મૂળ રકમનું વ્યાજ 6792 રૂપિયા આપવાના રહેશે તેમ જણાવ્યું હતું.
રૂપિયા ચુકવવા માટે દબાણ કરી રહ્યા હતા
જેથી અક્ષય દર મહીને 6792 રૂપિયા ચૂકવતો હતો. ચાર મહિના બાદ અક્ષય પાસે પૈસા નહીં હોવાથી હપ્તા ભરાયા ન હતા. જેથી ઈમરાને 67,920 રૂપિયા વ્યાજ અને પેનલ્ટી જોડી 87 હજાર રૂપિયા કરી હપ્તો 8700 રૂપિયા આપવાના નક્કી કરી રૂપિયા ચુકવવા માટે દબાણ કરી રહ્યા હતા. તેમજ જો રૂપિયા નહીં ભરે તો અક્ષયને તેના વિરુદ્ધ ખોટો કેસ કરી તેને ફસાવી દેવાની ધમકી આપી હતી. આ બાબતે અક્ષયે ઇમરાન નૌસારકા અને પ્રવિણભાઈ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. ડી.કે. પટેલે હાથ ધરી છે.
દસ ટકાનું ઉંચું વ્યાજ વસૂલવા ગુંદલાવના વ્યાજખોરે 3 કાર કબજે કરી લીધી
વલસાડ : વલસાડના ગુંદલાવના વ્યાજખોર રસુલ શેખે તેની પાસેથી રૂ. 7 લાખની લોન લેનાર એક વ્યક્તિને મહિને 10 ટકા વ્યાજની વસૂલી માટે તેની 3 કાર કબજે લીધી હતી. જેના પગલે તેણે પોલીસને ફરિયાદ કરતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી ફરિયાદીને તેની કાર અપાવી દીધી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના ઘડોઇ ગામે રહેતા પશુપાલન કરતા જગુભાઇ બાબરભાઇ આહીરે ગુંદલાવના રસુલ શેખ પાસેથી 10 ટકા વ્યાજે રૂ. 7 લાખની રકમ લીધી હતી.