નવસારી : ખારેલ-ગણદેવા રોડ પર મોપેડ અને બાઈક (Bike) વચ્ચે અકસ્માત (Accident) થતા બાઈક ચાલક નીચે પડી ગયો હતો. દરમિયાન પાછળથી આવતા ટ્રકનું ટાયર બાઈક ચાલક પરથી ફરી વળતા મોત (Death) નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે (Police Station) નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના ટાંકલ ગામે કુંભારવાડમાં ગૌતમ વિષ્ણુભાઈ ઢીમ્મર (ઉ.વ. 21) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 12મીએ ગૌતમ તેની બાઈક (નં. જીજે-21-બીએલ-1974) લઈને નવસારી નોકરીએ આવવા માટે નીકળ્યો હતો. દરમિયાન ખારેલથી ગણદેવા રોડ પર નાના ફળિયા પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે સામેથી આવતી મોપેડ (નં. જીજે-21-બીએચ-9241) સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ગૌતમ અને મોપેડ ચાલક રસ્તા પર પટકાયા હતા. તે દરમિયાન પાછળથી આવતી ટ્રક (નં. જીજે-15-એક્સ-8388) નું ટાયર ગૌતમ પરથી ફરી વળતા ગૌતમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ ચાલકને માથાના ભાગે ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ અજયે ગણદેવી પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.
ગણેશ-સિસોદ્રા ગામે રોડ ક્રોસ કરતા શાળાના વોચમેનનું વાહન અડફેટે મોત
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર ગણેશ-સિસોદ્રા ગામે રોડ ક્રોસ કરતા શાળાના વોચમેનનું અજાણ્યા વાહન અડફેટે મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, મૂળ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખદાણા-2 વણકરવાસમાં અને હાલ નવસારી તાલુકાના ગણેશ-સિસોદ્રા ગામે સત્યસાંઈ વિધ્યાનિકેતન સ્કુલમાં રહી જશવંતભાઈ ઈશાકભાઈ પરમાર (ઉ.વ. 59) વોચમેનની નોકરી કરતા હતા. ગત 12મીએ રાત્રે જશવંતભાઈ કામ અર્થે ક્યાંક જઈ રહ્યા હતા.
દરમિયાન નેશનલ હાઇવે નં. 48 ઉપર ગણેશ-સિસોદ્રા ગામે સત્યસાંઈ વિધ્યાનિકેતન સ્કુલની સામે કોઈ અજાણ્યા વાહન ચાલકે જશવંતભાઈને ટક્કર મારતા તેઓને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે અલ્પેશભાઈ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.