કામરેજ: (Kamrraj) પાસોદરા (Pasodara) પાટિયા પાસે ભંગારની દુકાન ચલાવતા ઈસમને બાજુમાં આવેલી ભંગારની દુકાન (Scrap Shop) ચલાવતા ત્રણ ઈસમે તું કેમ ઊંચા ભાવે ભંગારની ખરીદી કરે છે? તેમ કહી માર માર્યો હતો. મૂળ રાજસ્થાનના રઘુનાથપુરાના વતની હાલ કામરેજ ચાર રસ્તા પાસે હાઈવે પેટ્રોલ પંપની બાજુમાં ખોલવડ ગોકુળનગરમાં એપાર્ટમેન્ટમાં મહેન્દ્રલાલ ભાગુજી ગુર્જર રહે છે. પાસોદરા પાટિયા પાસે ખોલવડ રોડ પર ખોડિયાર ગેરેજની બાજુમાં ભંગારની દુકાન ચલાવે છે. ત્રણ દિવસ અગાઉ બપોરે 1.30 કલાકે પાડોશમાં જ ભંગારનો ધંધો કરતા હજારીલાલ ચેનારામ ગુર્જર તથા સંબંધી કૈલાસ દયારામજી ગુર્જર રામલાલ આસુજી ગુર્જર દુકાન પર આવી તું ભંગારના ધંધામાં કેમ ગ્રાહકોને ઊંચા ભાવ આપી ભંગારની ખરીદી કરી લે છે. તારા કારણે અમારા ત્યાં કોઈ ગ્રાહક ભંગારનો સામાન આપવા માટે આવતા નથી તેમ કહેતાં મહેન્દ્રએ જણાવ્યું હતું કે, હું મારી મરજીથી ભંગારનો ભાવ થાય એ આપીશ તેમ કહેતાં જ પાડોશમાં દુકાન ચલાવતા ત્રણેય ઈસમ ઉશ્કેરાઈ જઈ માર મારવા લાગ્યા હતા. જે અંગે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ આપી હતી.
વાપીમાં શાકભાજીના વેપારી બંધુઓ ઉપર વેપારીનો ચપ્પુથી હુમલો
વાપી : વાપીમાં વાઈબ્રન્ટ પાર્કમાં સરદાર શાકભાજી માર્કેટના ગેટ ઉપર ચાની લારી પાસે લારીની બાજુમાં લઘુશંકા કરતા વેપારીને શાકભાજીની લારી ચલાવતા શખ્સે અહીં કેમ પેશાબ કરે છે તવું કહીને ધક્કો મારી પાડી નાંખતા મામલો બિચક્યો હતો. અને વેપારીને માથામાં પથ્થર મારતા તેણે ભાઈને બોલાવ્યો હતો. તે સમયે લારી વાળાએ પણ અન્ય શખ્સોને બોલાવતા વેપારીના ભાઈને પેટમાં ચપ્પુથી ઘા કરતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.વાપી વાઈબ્રન્ટ પાર્કમાં સરદાર શાકભાજી માર્કેટમાં દુકાન ધરાવતા શૈલેન્દ્ર યોગેન્દ્ર કુસ્વાહા શાકભાજીની દુકાન બંધ કરી ચાની લારી પાસે આવી ઊભો હતો ત્યારે લઘશંકા કરવા લારી પાછળ જતા ત્યાં લારી ચલાવતો વિજય પાલ આવીને કહેવા લાગ્યો કે અહીં પેશાબ કેમ કરે છે કહીને ઉશ્કેરાઈને તેણે ધક્કો માર્યો હતો.
વાપી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ત્યારબાદ વિજય પાલે એક પથ્થર ઉચકીને માથામાં મારતા શૈલેન્દ્ર કુસ્વાહાને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેણે તેના ભાઈને ફોન કરીને બોલાવ્યો હતો. સામે વિજય પાલે પણ ફોન કરી તેના મિત્રોને બોલાવ્યા હતા. શૈલેષના મોટા ભાઈ સોનું કુસ્વાહા ત્યાં આવીને વિજય પાલને સમજાવતા હતા ત્યારે વાપી ટાઉનમાં શાકભાજી વેચતા મહાવીર તથા રંગેશ ત્યાં આવી ગયા હતા. મહાવીરે સોનુ કુસ્વાહાને પાછળથી પેટના ભાગે ચપ્પુથી ઘા કરતા લોહી નીકળવા લાગ્યું હતું. તેને સારવાર માટે લઈ જવાયો હતો. પોલીસે શૈલેન્દ્રની ફરિયાદને આધારે મહાવીર અષ્ટભુજા પાંડે, વિજય પાલ કૈલાસ તિવારી તથા ગંગેશ અરવિંદ પાંડે સામે વાપી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.