સુરત: સુરત મનપામાં (Surat Municipal Corporation) બેલદારની નોકરી મેળવવા માટે એફવાય બીકોમ ભણેલા યુવાને પોતે માત્ર 7 જ ધોરણ ભણ્યું હોવાની ખોટી હકીકત જણાવી સુરત પાલિકાને ગેરમાર્ગે દોરી હતી. આ રીતે પોતે ઓછું ભણ્યો હોવાના પુરાવા રજૂ કરી ખોટી રીતે ટ્રેઈની બેલદાર તરીકેની નોકરી મેળવનાર યુવક વિરુદ્ધ સુરત મનપા દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે.
- એફવાય બીકોમ ભણેલા યુવકે સુરત મનપામાં બેલદારની નોકરી મેળવવા પોતે 7 ધોરણ જ ભણ્યો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું
- સત્ય હકીકત બહાર આવતા સુરત મનપા દ્વારા યુવકની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરાઈ
સુરત મહાનગર પાલિકા દ્વારા સફાઈ કામદાર,સફાઇ કામદાર (ડ્રેનેજ),બેલદાર, (વી.બી.ડી.સી.)ની જાહે રાત સને ૨૦૧૭-૧૮ નાં વર્ષમાં આપવામાં આવી હતી, જેમાં ઓછામાં ઓછું ધોરણ-4 પાસ અને વધુમાં વધુ ધોરણ 9 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ આ નોકરી માટે ફોર્મ ભરવી તેવી શરત રાખવામાં આવી હતી. આ જાહેરાતને પગલે આરોપી ભદ્રેશકુમાર સુરેશભાઇ મહેતા (રહે,૧/૭૭૩,સેઇલર કલબ પાસે, બેજ નજી કોટવાલ સ્ટ્રીટ, ખારવાવાડ,નાનપુરા,સુરત) એ તા-૧૫/૦૭/૨૦૧૭ નાં રોજ તાલી માર્થી બેલદારની જગ્યા માટે જરૂરી પુરાવા સહિત અરજી ફોર્મ સુરત મહાનગર પાલિકા કચેરીમાં જમા કરાવી હતી. આ અરજી ફોર્મમાં આરોપીએ પોતે આર.ડી. કોન્ટ્રાકટર પ્રાથમિક શાળા સુરતમાંથી ધોરણ 7 ની પરીક્ષા 2002માં પાસ કરી હોવાનું તથા ધોરણ-7 થી વધુ અભ્યાસ કર્યો નથી તેવી લેખિતમાં બાહેંધરી પત્રક ભરી અને જરૂરી પુરાવા રજુ કરી કબુલાતનામાં ઉપર સહી કરી ફોર્મ જમા કરાવ્યું હતું. આ ફોર્મની સાથે તેઓએ શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું.
સુરત મહાનગરપાલિકાએ ધોરણ-9 થી વધુ નહી લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવાની રહેતી હોય ઉમેદવારની અરજી સાથેના પુરાવાને આધારે અરજી માન્ય કરી હતી અને બેલદારની જગ્યા માટે પસંદગી કરી હતી. આરોપીને સુરત મહાનગર પાલિકાના નોર્થ કતારગામ ઝોનમાં ટ્રેઈની બેલદારની જગ્યા ઉપર હાજર કરાયા હતા.
દરમિયાન થોડા સમય બાદ એવી હકીકત બહાર આવી હતી કે આરોપી ભદ્રેશકુમાર સુરેશભાઇ મહેતાએ આર .ડી. કોન્ટ્રાકટર હાઇસ્કુલ નાનપુરા સુરત ખાતેથી એસએસસી અને એચએસસીની પરીક્ષા પાસ કરી છે. તે ઉપરાંત આરોપી બરફીવાલા કોલેજમાંથી એફ.વાય.બી.કોમ પાસ થયો છે. એસ.વાય.બી.કોમનો અધુરો અભ્યાસ કર્યો છે. આમ, આરોપી ભદ્રેશે વધુ ભણ્યો હોવા છતાં સુરત મનપામાં બેલદાર તરીકેની નોકરી મેળવવા માટે પોતે ઓછું માત્ર 7 ધોરણ સુધી ભણ્યો હોવાની માહિતી રજૂ કરી સુરત મનપાને ગેરમાર્ગે દોરી હોય સુરત મનપા દ્વારા આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.