વલસાડ: સાઉથ આફ્રિકાથી (South Africa) ભરૂચના (Bharuch) દહેગામ આવી રહેલા પોતાના મિત્રને લેવા ભરૂચના બે મિત્રો મારૂતી ઇકો કાર લઇ મુંબઇ એરપોર્ટ (Mumbai Airport) પર ગયા હતા. મુંબઇથી પરત ફરતા સમયે વલસાડમાં (Valsad) મધ્યરાત્રીએ તેમની કારનો અકસ્માત (Car Accident) થતાં કાર ચાલકનું ગંભીર ઇજાના કારણે મોત (Death) નિપજ્યું હતુ. જ્યારે સાઉથ આફ્રિકાથી આવેલા તેમના મિત્રને આંખમાં વાગતા આંખ ગુમાવવાનો (Loss Eye) વારો આવ્યો હતો.
- સાઉથ આફ્રિકાથી આવેલા મિત્રને લઈ મુંબઈ એરપોર્ટથી પરત ફરતા ભરૂચના યુવકોને વલસાડમાં અકસ્માત નડ્યો, એકનો જીવ ગયો બીજાએ આંખ ગુમાવી
- સાઉથ આફ્રિકાથી પરત આવી રહેલાં મિત્ર શકિલ અહેમદને લઈ મિત્રો રાજુ પરમાર અને બિલાલ પરત આવતા હતા ત્યારે અકસ્માત થયો
- વલસાડ હાઇવં નં. 48 પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સુરત જતા રોડ પર ડ્રીમલેન્ડ ફુડ પ્લાઝાની આગળ પુલ પાસે કાર ટ્રક સાથે અથડાઈ
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ભરૂચના રહીશ અને સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા સકિલ ખાલીદ અહેમદ મિલક ગત રોજ ભારત આવ્યા હતા. તેમને લેવા તેના મિત્રો રાજુભાઇ ફતેસીંગ પરમાર અને બિલાલ ઇસ્માઇલ મલીક ઇકો કાર (નં. જીજે-16-ડીજી-8402)માં મુંબઇ એરપોર્ટ પર ગયા હતા. જ્યાં તેમણે શકિલને રિસિવ કરી ત્યાં એક રાત વિતાવી ભરૂચ પરત થઇ રહ્યા હતા.
ગત મધ્ય રાત્રીએ તેઓ વલસાડ હાઇવં નં. 48 પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે સુરત જતા રોડ પર ડ્રીમલેન્ડ ફુડ પ્લાઝાની આગળ પુલ પાસે કારના ચાલક બિલાલ ઇસ્માઇલ મલિકે પોતાની કાર આગળ ચાલતી એક ટ્રક સાથે અથડાવી તેને પલટી મરાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં ગંભીર ઇજાના કારણે ચાલક બિલાલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે સાઉથ આફ્રિકાથી આવેલા તેના મિત્ર સકિલને ડાબી બાજુની આંખમાં ઇજા થતાં તેની એક આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સિવાય તેના અન્ય મિત્ર રાજુભાઇ પરમારને પણ થોડી ઘણી ઇજા પહોંચી હતી. જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ત્યારે આ બનાવ સંદર્ભે ડુંગરી પોલીસે રાજુભાઇની ફરિયાદ લઇ મરનાર બિલાલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.