સુરત: (Surat) પાંચ દિવસ પહેલા સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર 6 વર્ષની બાળકીનું અપહરણ (Kidnapping) કરવાના ગુનામાં ઝડાયેલી મહિલા આરોપી હાલમાં રિમાન્ડ હેઠળ હતી. સોમવારે સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે મહિલા આરોપી (Accused) રેલવે પોલીસને હાથતાળી આપીને નાસી ગઈ હતી. થોડા કલાકોમાં ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી આરોપી ઝડપાઈ હતી.
પાંચેક દિવસ પહેલા સુરત રેલવે સ્ટેશનેથી 6 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. રેલવે પોલીસે અપહરણ કરનાર મહિલા આરોપી રીન્કુદેવી ઉર્ફ પાયલની ધરપકડ કરી હતી. તે હાલમાં પોલીસ રિમાન્ડ પર હતી. તેને રેલવે પોલીસ સ્ટેશનમાં પાછળના ભાગે બેસાડવામાં આવી હતી. તેના હાથને હથકડી બાંધેલી હતી. આજ રોજ સવારે હથકડીમાંથી કોઈ રીતે હાથ કાઢીને પાછળની બાથરૂમની આશરે 12 ફુટની દિવાલ કુદીને પ્લેટ ફોર્મ નંબર એક પર જઈને ત્યાંથી નાસી ગઈ હતી. તે ભાગી ગઈ હોવાની જાણ રેલવે પોલીસને થતા રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી.
પોલીસે તપાસ કરી ત્યારે પોલીસને સીસીટીવી કેમેરામાં જણાયું કે આરોપી પ્લેટ ફોર્મ નંબર પર આવીને ત્યાંથી ગેરકાયદેસર રીતે રેલવે ટ્રેક કુદીને સામે પ્લેટફોર્મ નંબર 2 પર ઉભેલી ટ્રેનમાં લટકી રહી છે. તે ટ્રેન આગળ વધી ગઈ હતી. તેથી રેલવે પોલીસે ઉધનાથી લઈ મુંબઈ સુધીના તમામ રેલવે સ્ટેશન પર અને રેલવે પોલીસને આ બાબતે જાણ કરીને મહિલા દેખાય તો પકડી લેવાની સુચના આપી હતી. મહિલાનો ફોટો પણ મોકલ્યો હતો. દરમિયાન તે જે ટ્રેનમાં ભાગી તે ટ્રેન ઉદવાડા રેલવે સ્ટેશને પહોંચે તે પહેલા ઉદવાડા રેલવે પોલીસ અને રેલવે સ્ટેશન પર જાણ કરી હતી. તેથી ટ્રેનને ઉદવાડા રેલવે સ્ટેશન પર રોકીને ત્યાંથી આરોપી રીન્કુદેવીની ધરપકડ કરી હતી.
આરોપી રીન્કુદેવી જીવના જોખમે હમસફર એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પર લટકી ગઈ
સવારે સાડા પાંચ વાગે રિન્કુદેવી પોલીસ સ્ટેશનેથી ભાગીને પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચી હતી. તે સમયે પ્લેટફોર્મ નંબર 2 પર જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ઉભી હતી. તેથી રીન્કુદેવીને સામે હમસફર એક્સપ્રેસના ડબ્બાના દરવાજા પાસે લટકી ગઈ હતી. કારણ કે તે જે સ્થળેથી કુદી ત્યાં તમામ એસી કોચ હતા. રોંગ સાઇડ હોવાથી ડબ્બા બંધ હતા.પ્રવાસીઓએ બૂમાબૂમ કરી ત્યારે કોચમાં પેસેન્જરોએ દરવાજો ખોલ્યો હતો.
રેલવે પોલીસ સ્ટેશનમાં મહિલા લોક અપ નથી
સુરત રેલવે સ્ટેશન પર આવેલ રેલવે પોલીસ સ્ટેશનમાં મહિલા લોક અપ જ નથી. તેથી મહિલા આરોપીઓને બહાર જ બેસાડવામાં આવે છે. તેમાં રીન્કુદેવી જેવી ગંભીર ગુનાની આરોપીને પોલીસે બહાર બેસાડી હતી. તેવામાં તે તકનો લાભ લઈને નાસી ગઈ હતી.