નડિયાદ: ખેડા જિલ્લામાં ખેડૂતો રવિ પાકની વાવણી પુરજોશમાં ચાલી રહી છે. જેના કારણે ગયા વર્ષે ડિસેમ્બર માસના મધ્યમાં શિયાળુ પાકનું વાવેતર 1.39 લાખ હેક્ટરમાં નોંધાયુ હતુ, તે આ વર્ષે ડિસેમ્બરના મધ્યમાં વધીને 1.44 લાખ હેક્ટર જમીનમાં નોંધાયુછે. જિલ્લામાં રવિ પાકમાં મુખ્યત્વે ઘઉંનું વાવેતર થતુ હોય છે. આ ઉપરાંત મકાઈ, ચણા અને રાઇડાનું વાવેતર કરવામાં આવે છે. ચાલુ વર્ષે ખેડા જિલ્લામાં 71,358 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ ઘઉંનું વાવેતર ગયા વર્ષ કરતા ઘટતાં આશ્ચર્યજન્મ્યું છે.
ચરોતરને હરિયાળા પ્રદેશ ઉપરાંત ખેતી માટે પણ ઓળખવામાં આવે છે. ત્યારે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા ચરોતરના લોકોએ શિયાળુ પાકનું ધમધોકાર વાવેતર કર્યુ છે. જેના પગલે ગયા વર્ષે ડિસેમ્બર માસના વાવેતરની સરખામણીએ ચાલુ વર્ષે 5 હજાર હેક્ટર જમીનમાં વાવેતર વધારે નોંધાયુ છે. શિયાળામાં ખેડૂતો રવિ પાક તરીકે ઘઉં, રાઇડો, તમાકુ, શક્કરિયા, બટાકા, રાજગરો, દિવેલા જેવા પાકોનું વાવેતર કરે છે. ચાલુ વર્ષે ખેડા જિલ્લામાં ઘઉંનું કુલ વાવેતર 71,358 હેક્ટર થયું હતું. જે ગયા વર્ષ કરતા લગભગ 2 હજાર હેક્ટર ઓછુ છે. ઘઉંનું ચાલુ વર્ષનું તાલુકાવાર વાવેતર જોતા સૌથી વધુ મહેમદાવાદ તાલુકામાં 15,107 હેક્ટર જ્યારે સૌથી ઓછું ગળતેશ્વર તાલુકામાં 756 હેક્ટરમાં નોંધાયુ છે.કપડવંજમાં 5210, કઠલાલમાં 4225, ખેડામાં 10,839, મહુધા-4750, માતરમાં 14,685, નડિયાદમાં 7262, ઠાસરામાં 5210 જ્યારે વસો તાલુકામાં 3314 હેક્ટર મળી કુલ 71358 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ઘઉંનું સરેરાશ વાવેતર જોઈએ તો ગળતેશ્વર તાલુકામાં 4258, કપડવંજમાં 13,272, કઠલાલમાં 8538, ખેડા 14962, મહેમદાવાદમાં 24612, મહુધા 12024, માતર 21429, નડિયાદ 22277, ઠાસરામાં 11844 જ્યારે વસો તાલુકામાં 9358 મળી જિલ્લામાં કુલ 1.43 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. આ વર્ષના વાવેતરમાં રાઇડાનું 2924 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં ગળતેશ્વરમાં 255, કપડવંજમાં 120, કઠલાલમાં 69, ખેડામાં 336, મહેમદાવાદમાં 1255, મહુધામાં 45, માતર 241, નડિયાદમાં 475, ઠાસરામાં 160 જ્યારે વસોમાં 198 મળી કુલ 2924 હેક્ટરમાં રાઇડાનું વાવેતર થયું છે. ચણાનું 1790 હેક્ટરમાં જ્યારે મકાઈનું 313 હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે.