સુરત : સારોલી વિસ્તારમાં માર્ગ અકસ્માતના (Road Accident) બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિઓનાં મોત (Death) નિપજ્યાં હતા. પાંડેસરાના યુવાનને કુંભારીયા ખાડી પુલ પર ટ્રક (Truck) ચાલકે અડફેટે લેતા જ્યારે વેડછા પાટિયા પાસે કડોદરાથી સુરત (Surat) જતા સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મહેસાણાનાં વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઇન્ટ નજીક ભગીરથ રેસીડેન્સીમાં રહેતા ચેતન પોપટભાઈ પારેખ (ઉ.વ.33) ટેક્સટાઇલ માર્કેટમાં કલેક્શનનું કામ કરીને પરિવાર સાથે રહેતા હતા. ચેતનભાઇ અને તેમના નાનાભાઈ ભાવેશ સાથે કામ કરતા હતા. ચેતન મોપેડ અને ભાવેશ બાઈક લઈને સવારના સમયે એક સાથે નોકરીએ ગયા હતા. નોકરી પરથી નીકળીને ચેતન કોઇ કામ અર્થે મોપેડ ઉપર કડોદરા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે કુંભારીયા ખાડી પુલ પર એક ટ્રક ચાલકે ચેતનની મોપેડને ટક્કર મારી હતી. ગંભીર ઇજાગ્રસ્ત ચેતનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.
અકસ્માતના બીજા બનાવમાં વેડછા પાટિયા પાસે આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપની સામેના કડોદરાથી સુરત તરફ જતા સર્વિસ રોડ પર એક અજાણ્યો યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. રાહદારીઓ દ્વારા પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરાતા સારોલી પોલીસ મથકના એએસઆઇ રમેશભાઈ પીસીઆર પેટ્રોલિંગ દરમ્યાન વર્દી મળતા સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં અજાણ્યા વાહનચાલક યુવકને અડફેટે મારીને નાસી ગયો હતો. યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે યુવકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે.
બારડોલીના મોવાછી નજીક ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં બાઇક કાર સાથે ભટકાઈ, એકનું મોત
બારડોલી: બારડોલી તાલુકાના મોવાછી ગામની સીમમાં બારડોલી-વિહાણ માર્ગ પર મોટરસાઇકલ ટ્રેક્ટરને ઓવરટેક જતાં સામેથી આવતી વેગનઆર કાર સાથે અથડાતાં મોટરસાઇકલ સવાર દંપતીને ઇજા પહોંચી હતી. જે પૈકી પતિને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના વરાડ ગામે વાણીયા ટેકરા ખાતે રહેતા મેહુલભાઈ ભૂપેન્દ્રભાઈ ટેલર (ઉં.વ.42) ગુરુવારે સવારે 6 વાગ્યે પોતાના પુત્ર યુગને કામરેજના ડુંગર ગામથી સ્કૂલ બસ સુધી સમયસર પહોંચે એ માટે વેગનઆર કારમાં ગયા હતા. પુત્રને મૂકી તેઓ પરત વરાડ ફરી રહ્યા હતા. એ સમયે બારડોલી વિહાણ માર્ગ પર મોવાછી ગામની સીમમાં મોટરસાઇકલ નં.(જીજે 19બીજી 8808)ના ચાલકે ટ્રેક્ટરને ઓવરટેક કરવાની લ્હાયમાં રોંગ સાઈડ આવી જઇ મેહુલભાઈની કાર સાથે અથડાવી દીધી હતી. અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક અલ્તાફ શબ્બીર ખટીક (ઉં.વ.38) (રહે., શાહીન પાર્ક, બારડોલી)ને ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મૃતક તેમની પત્ની સાથે અંકલેશ્વર તેમના સંબંધીને ત્યાં જવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બારડોલી ગ્રામ્ય પોલીસે કારચાલક મેહુલભાઈ ટેલરની ફરિયાદના આધારે મૃતક મોટરસાઇકલના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.