બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના મોવાછી ગામની સીમમાં બારડોલી-વિહાણ માર્ગ પર મોટરસાઇકલ (Motorcycle) ટ્રેક્ટરને ઓવરટેક (Overtake) જતાં સામેથી આવતી વેગનઆર કાર (Car) સાથે અથડાતાં મોટરસાઇકલ સવાર દંપતીને ઇજા પહોંચી હતી. જે પૈકી પતિને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના વરાડ ગામે વાણીયા ટેકરા ખાતે રહેતા મેહુલભાઈ ભૂપેન્દ્રભાઈ ટેલર (ઉં.વ.42) ગુરુવારે સવારે 6 વાગ્યે પોતાના પુત્ર યુગને કામરેજના ડુંગર ગામથી સ્કૂલ બસ સુધી સમયસર પહોંચે એ માટે વેગનઆર કારમાં ગયા હતા. પુત્રને મૂકી તેઓ પરત વરાડ ફરી રહ્યા હતા. એ સમયે બારડોલી વિહાણ માર્ગ પર મોવાછી ગામની સીમમાં મોટરસાઇકલ નં.(જીજે 19બીજી 8808)ના ચાલકે ટ્રેક્ટરને ઓવરટેક કરવાની લ્હાયમાં રોંગ સાઈડ આવી જઇ મેહુલભાઈની કાર સાથે અથડાવી દીધી હતી.
અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક અલ્તાફ શબ્બીર ખટીક (ઉં.વ.38) (રહે., શાહીન પાર્ક, બારડોલી)ને ગંભીર ઇજા થતાં તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે પત્નીને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મૃતક તેમની પત્ની સાથે અંકલેશ્વર તેમના સંબંધીને ત્યાં જવા નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બારડોલી ગ્રામ્ય પોલીસે કારચાલક મેહુલભાઈ ટેલરની ફરિયાદના આધારે મૃતક મોટરસાઇકલના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બાઈક સ્લીપ થતા ભટ્ટાઇ ગામના યુવાનનું મોત
નવસારી : કુંભાર ફળિયા ગામ પાસે બાઈક સ્લીપ થતા ભટ્ટાઇ ગામના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ભટ્ટાઇ ગામે જી.આઈ.ડી.સી. ફળીયામાં સુનિલભાઈ બુધીયાભાઈ હળપતિ (ઉ.વ. 36) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત ૪થીએ સુનિલભાઈ તેમની બાઈક (નં. જીજે-21-એઆર-2079) લઈને ભટ્ટાઇ ગામથી જોગવાડ પોતાની સાસરીમાં જતા હતા. દરમિયાન કુંભાર ફળિયા ગામ બસ સ્ટેન્ડની પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમની બાઈક સ્લીપ થઇ જતા સુનિલભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતા ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકની પત્ની લતાબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.