Gujarat

8 થી 14 જાન્યુઆરી દરમિયાન રાજયભરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 ઉજવાશે

ગાંધીનગર : કોરોના (Corona) મહામારીને કારણે 2 વર્ષના વિરામ પછી ફરી એક વખત અમદાવાદ (Ahmedabad) અને ગુજરાતના (Gujarat) અન્ય શહેરોમાં ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. રાજય સરકાર દ્વારા આગામી 8થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન જી20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવશે, જેમાં જી-20 દેશોના પતંગબાજો પણ સામેલ થશે.

  • જી-20 દેશોના પ્રતિનિધિઓ લેશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો
  • જી-20ના લોગો સાથે છપાયેલી પતંગો ઉડશે ગુજરાતના આકાશમાં

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 8 જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 8.00 વાગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેશે. આ વર્ષે, ગુજરાતના આકાશમાં જી-20નો લોગો છાપેલી પતંગો ઉડતી જોવા મળશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય) ની થીમ સાથે જી-20 લોગોવાળા એક વિશેષ જી-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2022માં ભારતે જી20ની અધ્યક્ષતા સંભાળી હતી. જી20ને એક સહભાગી કાર્યક્રમ બનાવવાના માનનીય પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુરૂપ ભારતના લોકો માટે જી20નો અર્થ શું છે, તેની સમજણ વધારવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યાં છે. ધ ગ્રુપ ઓફ 20 (જી20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોહ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર ગ્લોબલ આર્કિટેક્ચર અને શાસનને આકાર આપવા અને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ભારત 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી જી20ની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન સમગ્ર ભારતમાં 200થી વધુ બેઠકો અને કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાંથી ગુજરાતમાં આગામી મહિનાઓમાં આવી 15 બેઠકોનું આયોજન કરવામાં આવશે.

Most Popular

To Top