વલસાડ: (Valsad) વલસાડ તાલુકાના બીનવાડા ગામે ‘મારી પત્નીનો નંબર તારી પાસે ક્યાંથી આવ્યો’ કહીને પતિએ (Husband) એક યુવાનને લાકડા વડે માર માર્યો (Beaten) હતો. જેથી યુવાનને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. સમગ્ર ઘટના બાદ મામલો પોલીસ મથકે (Police Station) પહોંચ્યો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના બીનવાડા ગામે જલારામ મંદિર પાસે રહેતા અને વિડીયો શુટીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જીતુભાઈ અમરતભાઈ હળપતિએ બીનવાડા બારચાલી ફળિયામાં રહેતા અજીતભાઈ મણીલાલભાઈ પટેલે જીતુને ફોન કરીને બાપાસીતારામ મંદિર પાસે બોલાવ્યો હતો. જીતુ ત્યાં આવતા અજીતે જીતુને ‘તું મારી વાઇફ સાથે વાતો કરે છે.
તારો નંબર મારી વાઇફના ફોનમાં ક્યાંથી આવ્યો’ કહીને જીતુ સાથે ગાળા ગાળી કરીને ઝપાઝપી કરવા લાગ્યો હતો. એ સમયે અજીતે જીતુના માથાના ભાગે લાકડું મારી દેતાં જીતુ નીચે પડી ગયો હતો અને અજીત ત્યાંથી ભાગી છુટ્યો હતો. આ ઘટનામાં જીતુને ઇજા થતાં સારવાર અર્થે ચણવઈની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ વધુ ઇજા હોય જેથી 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જે અંગેની ફરિયાદ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાઈ છે.
નવસારીના કુંભાર ફળિયા ગામ પાસે બાઈક સ્લીપ થતા ભટ્ટાઇના યુવાનનું મોત
નવસારી : કુંભાર ફળિયા ગામ પાસે બાઈક સ્લીપ થતા ભટ્ટાઇ ગામના યુવાનનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના ભટ્ટાઇ ગામે જી.આઈ.ડી.સી. ફળીયામાં સુનિલભાઈ બુધીયાભાઈ હળપતિ (ઉ.વ. 36) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત ૪થીએ સુનિલભાઈ તેમની બાઈક (નં. જીજે-21-એઆર-2079) લઈને ભટ્ટાઇ ગામથી જોગવાડ પોતાની સાસરીમાં જતા હતા. દરમિયાન કુંભાર ફળિયા ગામ બસ સ્ટેન્ડની પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમની બાઈક સ્લીપ થઇ જતા સુનિલભાઈને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેથી 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતા ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકની પત્ની લતાબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.